જૈન ધર્મના બધા જ સંપ્રદાયોની એકતાના પ્રતીક સમાન લેસ્ટર જૈન દેરાસરમાં દિગમ્બર જિન મંદિરમાં બિરાજમાન બાહુબલીજીની પ્રતિમાજી ઉપર અભિષેકનો ભવ્ય ઉત્સવ ૧૮ માર્ચ રવિવાર ૨૦૧૮ના રોજ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો. જેમાં લંડન, લેસ્ટર, મીડલેન્ડ્સ વગેરે શહેરોમાંથી પધારી ૩૦૦ જેટલા અબાલવૃધ્ધોએ આ મહોત્સવમાં ભાગ લીધો. સાત ફૂટ ઉંચી આબેહૂબ બાહુબલીજીની પ્રતિમાજી ઉપર ૧૦૮ ઉપરાંત કુંભ કળશમાં વિવિધ સામગ્રીથી આભિષેક કરવામાં આવ્યો હતો.
અગાઉ ૨૦૦૬માં મહાઅભિષેક થયો હતો ત્યારબાર બાર વર્ષે આ અભિષેક મહોત્સવ ઉજવાયો જે પવિત્રધામ શ્રવણબેલગોલાની પ્રતિકૃતિનો આભાસ કરાવતો હતો. આ અભિષેક પૂજા ભક્તિ ભાવથી કરી એવી શુભ ભાવના સેવાય છે કે, મનની નિર્મળતા, જીવનમાં સરળતા અને સાધનમાં સ્થિરતા પ્રાપ્ત થાય.
દક્ષિણ ભારતમાં બેંગ્લોરથી ૧૫૦ કિ.મી. દૂર આવેલ પ્રાચીન તીર્થ શ્રવણબેલગોલામાં જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવના બીજા નંબરના પુત્ર બાહુબલીજીની ૫૭ ફૂટ ઊંચી પ્રતિમાજી ઉપર દર બાર વર્ષે મહા અભિષેકનું આયોજન થાય છે જે તાજેતરમાં ફેબ્રુઆરી મહિનામાં થયો અને એ જ પરંપરા અનુસાર બ્રિટનમાં પણ પ.પૂ. ચારૂકીર્તિ ભટારકજીના આશીર્વાદથી સેંકડો ભાવિકોની હાજરીમાં અત્રે ઉજવાયો. શ્રી બાહુબલીજી સ્વામીનો પરાક્રમી ઇતિહાસ વાંચતા જ મહાપુરૂષોના ગુણોનું ગાન આપણા જીવનમાં શુભ ભાવો પ્રેરિત કરે છે.

