લંડનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા બ્રિટનના ભારતીય સમુદાય આતુર છે. બ્રિટનમાં ૨૬,૦૦૦ કરતાં વધુ સભ્યોના મહિલા ગ્રૂપ ‘ઈન્ડિયન લેડીઝ યુકે’ દ્વારા વડાપ્રધાન મોદીના યુકેમાં સ્વાગત માટે ફ્લેશમોબનું આયોજન કરાયું છે. તે ઉપરાંત, એક સંયુક્ત મિશન અંતર્ગત બ્રિટિશ ભારતીયોને આગામી ૧૮ એપ્રિલે સંસદ સુધીની રેલીમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે. ‘મિશનઃ સપોર્ટ પીએમ મોદી ઓપોઝ એન્ટિ ઈન્ડિયા ફોર્સીસ’ દ્વારા સૌને સંગઠિત થઈને વડાપ્રધાન મોદીના માનમાં રેલીમાં જોડાવા જણાવે છે. દરમિયાન, યુકેના કેટલાંક ગ્રૂપે વડાપ્રધાન મોદી જે સ્થળોની મુલાકાત લેવાના છે તેમાં કેટલાંક સ્થળે વિરોધ દેખાવો યોજવાનું નક્કી કર્યું છે.
‘ઈન્ડિયન લેડીઝ યુકે’ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવા માટે એક ‘ટ્રેઝર બોક્સ’ બનાવાયું છે. ગ્રૂપ દ્વારા ભારતીય મૂળની મહિલાઓના સેંકડો હસ્તલિખિત સંદેશા મેળવાયા છે. આ બધા એકસાથે મૂકીને વડાપ્રધાન મોદીને ભેટ અપાશે.
બ્રિટનના શીખ સમુદાયના કહેવાતા નેતાઓ આ વખતે કાશ્મીરી અલગતાવાદીઓ સાથે મળીને કોમનવેલ્થ સંમેલનમાં ભાગ લેવાના વડાપ્રધાન મોદીના નિર્ણયનો વિરોધ કરશે. અહેવાલો મુજબ આ લોકોને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના વાધવા સિંઘ સહિત પાકિસ્તાન સ્થિત ઉગ્રવાદીઓ સાથે સંપર્ક છે.
શીખ ફેડરેશન યુકે પણ વિરોધ દેખાવો કરવાનું છે. તે માને છે કે પંજાબની નાભા સેન્ટ્રલ જેલમાં સ્કોટલેન્ડના ૩૧ વર્ષીય શીખ જગતાર સિંઘ જોહલ પર અત્યાચાર થયો હતો.
યુકેના ફોરેન સેક્રેટરી બોરીસ જહોનસને કોમનવેલ્થ બીગ લંચની ફીસ્ટ માટે એમાયા ઈન્ડિયન રેસ્ટોરાંમાં શેફ સાથે મળીને રસોઈ કરી હતી. સંખ્યાબંધ કોમ્યુનિટી લંચના આયોજનથી ભોજન દ્વારા કોમનવેલ્થના વૈવિધ્ય, રચનાત્મકતા અને માનવ નેટવર્કની કરાય છે. જહોનસને જણાવ્યું હતું કે મોટ વૈશ્વિક પડકારો વચ્ચે આ દુનિયામાં ૨.૪ બિલિયન લોકોનું મજબૂત નેટવર્ક અત્યારે ખૂબ મહત્ત્વનું છે. આ શિખર સંમેલન વધુ સમૃદ્ધિ, સુરક્ષા અને તમામ નાગરિકો માટે શ્રેષ્ઠ ભવિષ્ય સુનિશ્ચિત કરશે.
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુકે મુલાકાત અંગે સ્પેશિયલ ઈસ્યૂ /સપ્લીમેન્ટ પ્રગટ કરશે.

