વેક્સીનેશન આપણને રોગથી કેવી રીતે બચાવે છે?

સદાબહાર સ્વાસ્થ્ય

Friday 30th March 2018 08:52 EDT
 
 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના આંકડાઓ મુજબ દર વર્ષે આખા વિશ્વમાં ૪૦૦ મિલિયન લોકો ડેન્ગીનો ભોગ બને છે. જોકે તાજેતરના વર્ષોમાં ભારતમાં શોધાયેલી ડેન્ગીની રસીએ દર વર્ષે હજારો લોકોને જીવનદાન આપવાની નવી આશા જન્માવી છે. મેક્સિકોની લેબોરેટરીએ એને સૌપ્રથમ માન્યતા આપી છે. આ ચેપી રોગની રસીનું નામ ડેન્ગવેક્સિયા રખાયું છે. ભારત જેવા દેશમાં નાનાં બાળકોને ટીબી માટે BCG, પોલિયોના રોગ માટે એનાં ટીપાં, ડિફ્થેરિયા, ટિટનસ અને પર્ટ્યુસિસ જેવા ત્રણ જુદા-જુદા રોગોથી બચવા DTPની રસી, મોટા ભાગે પાણીથી ફેલાતા હેપેટાઇટિસ-B નામના વાઇરસથી થતા ઘાતક રોગથી બચવા એની રસી, ઓરી માટે મીઝલ્સની રસી, ગાલપચોળિયાં, ઓરી અને રુબેલા માટે અપાતી MMR નામની રસી સરકારે ફરજિયાત કરી છે.

બાળકોને નિશ્ચિત ઉંમરે અપાતી આ વેક્સીન ઘણાં ચમત્કારી પરિણામો લાવી ચૂકી છે. પહેલાં કેટલાંય બાળકોને ઓરી, અછબડાં કે ગાલપચોળિયાં થતાં જ હતાં; પરંતુ આજે કહી શકાય કે આ રોગ દેખાતા જ લગભગ બંધ થઈ ગયા છે. આ સિવાય પાડોશી રાષ્ટ્રો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હજી પણ પોલિયો હોવા છતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતને પોલિયો-મુક્ત દેશનું બિરુદ હાંસલ થયું છે, જે પોતાનામાં જ એક મહત્વની સિદ્ધિ છે. વેક્સીનેશન (રસીકરણ) બાળક માટે ઘણું જરૂરી હોય છે જે ફરજીયાતપણે દરેક બાળકને આપવું જ જોઈએ. રસીથી બાળકને ઘણા રોગોથી બચાવી શકાય છે. આ રસી શરીર પર કઈ રીતે કામ કરે છે એ થોડુંક વિગતવાર સમજીએ.

વેક્સીનેશન શું છે?

વેક્સીનેશન (રસીકરણ)માં કાં તો મોઢાં દ્વારા અથવા ઇન્જેક્શનથી બાળકને રસી આપવામાં આવે છે. આ ઇન્જેક્શન કે ટીપાંના પ્રવાહીમાં શું હોય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં નિષ્ણાતો સમજાવે છે કે અમુક રોગ પાછળ એક નિશ્ચિત વાઇરસ કે બેક્ટેરિયા જવાબદાર હોય છે. એ જ વાઇરસ કે બેક્ટેરિયાને સુષુપ્ત અવસ્થામાં અથવા અમુક રસીઓમાં જીવંત સ્વરૂપે નિશ્ચિત જથ્થારૂપે શરીરમાં દાખલ કરવામાં આવે છે. આ વાઇરસ કે બેક્ટેરિયા રસી મારફત શરીરમાં દાખલ થાય ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ જાગ્રત થાય છે, એની સામે લડવા માટેની તૈયારી કરે છે. એ તૈયારી સ્વરૂપે શરીર એન્ટિબોડીઝ બનાવે છે જે આ વાઇરસ કે બેક્ટેરિયા સામે લડવામાં મદદરૂપ થાય છે. આ પ્રક્રિયા થતી હોય ત્યારે શરીરના રિએક્શન સ્વરૂપે ક્યારેક બાળકને તાવ આવે છે. રસીની મુખ્ય બાબત એ છે કે એમાં વાઇરસ કે બેક્ટેરિયા સુષુપ્ત હોય છે એટલે એ બાળકમાં રોગ માટેનું કારણ બનતા નથી. જો વાઇરસ કે બેક્ટેરિયા જીવંત પણ હોય તો એનો સામાન્ય નિશ્ચિત કરેલો ડોઝ અપાય છે એટલે એ ૯૫ ટકા કેસમાં નુકસાન પહોંચાડતા નથી.

ભાવિ મુશ્કેલી સામે સુસજ્જતા

જે રોગ બાળકને ભવિષ્યમાં થઈ શકે છે એ રોગના વાઇરસ કે બેક્ટેરિયાને પહેલેથી જ શરીરમાં દાખલ કરવાની શું જરૂર છે? એવો પ્રશ્ન ચોક્કસ કોઇને પણ થાય જ. આ પ્રશ્નના જવાબમાં વેક્સીનેશન પાછળનું વિજ્ઞાન સમજાવતાં નિષ્ણાતો કહે છે કે જ્યારે દુશ્મન સામે લડવાનું હોય ત્યારે સુસજ્જ થવું ખૂબ જરૂરી છે. રસીકરણથી રોગો સામે લડવાની સજ્જતા આવે છે. દુશ્મનનો આપણને પરિચય હોય તો એની સામે કઈ રીતે લડવું એ આપણે સમજી શકીએ છીએ. આ સિદ્ધાંત પર કામ કરતું રસીકરણ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને પોતાના દુશ્મન વાઇરસ અને બેક્ટેરિયાથી અવગત કરાવે છે. રસીને કારણે ભવિષ્યમાં જ્યારે આ વાઇરસ કે બેક્ટેરિયા આપણા પર એટેક કરે ત્યારે શરીરને ખબર હોય કે એની સામે કઈ રીતે લડી શકાય. આ રીતે બાળકની રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રોન્ગ બને છે અને બાળક રોગથી બચે છે. જો બાળક રસી લે નહીં તો જ્યારે પણ આ વાઇરસ કે બેક્ટેરિયાનો એટેક તેના પર થાય ત્યારે રોગપ્રતિકારક શક્તિ માટે એ નવો દુશ્મન છે, જેને લીધે રોગપ્રતિકારક શક્તિ એની સામે લડવા માટે તૈયાર થાય ત્યાં સુધીમાં શરીર પર એની અસર ચોક્કસ છોડે છે, જેને લીધે બાળકને રોગનો ભોગ બનવું પડે છે.

વેક્સીન કયા રોગ માટે બને?

વેક્સીન મોટા ભાગે ચેપી રોગથી વ્યક્તિને જ નહીં, સમગ્ર સમાજ, દેશ અને દુનિયાને બચાવે છે. જેટલા પણ રોગની વેક્સીન બની છે એ બધા જ મોટા ભાગે ચેપી રોગ છે એટલે કે એક વ્યક્તિને થાય અને એમાંથી બીજાને ફેલાય. જો વેક્સીન અપાય તો એ વેક્સીન દ્વારા આપણે એક વ્યક્તિને જ નહીં, સમગ્ર કમ્યુનિટીને આ રોગથી બચાવતા હોઈએ છીએ. માટે જ વેક્સીનેશનને સરકાર આટલું મહત્વ આપે છે. જોકે મહત્વની વાત એ છે કે વેક્સીન દરેક રોગની ન બની શકે.

બેક્ટેરિયા કે વાઇરસથી થતા રોગોની જ રસી બની શકે છે, બીજા કોઈ રોગોની રસી બની શકે નહીં. વળી એવા બેક્ટેરિયા કે વાઇરસ જે વારંવાર બદલાતા ન હોય એની જ રસી બની શકે છે. જેમ કે રાઇનો વાઇરસ નામે એક વાઇરસ છે જે સામાન્ય શરદી-ઉધરસ માટે જવાબદાર વાઇરસ છે. જો એની રસી બને તો સૌથી વધુ લોકોને ફાયદો થાય, પરંતુ એની રસી બની શકતી નથી; કારણ કે એ વાઇરસ ખૂબ જ જલદી બદલાઈ જાય છે.

બાળકોને જ શા માટે?

અમુક વેક્સીન પ્રેગ્નન્ટ સ્ત્રીઓ કે મેડિકલ સ્ટાફ માટે હોય છે, પણ મોટા ભાગે બધા જ પ્રકારની વેક્સીન નાની ઉંમરે જ આપવાની હોય છે. એ પાછળ એટલું જ કારણ છે કે નાની ઉંમરથી જ બાળકની રોગપ્રતિકારક શક્તિને સશક્ત કરવી જરૂરી છે. જો બાળક મોટું થઈ જાય તો ત્યાં સુધીમાં એ બાળકને એ વાઇરસ કે બેક્ટેરિયાનું એક્સપોઝર હવા, પાણી કે ખોરાક દ્વારા મળી જ ચૂક્યું હોય છે એટલે રસી આપવાનો કોઈ અર્થ સરતો નથી.

વેક્સીનની મર્યાદા

BCGની જે રસી ભારતના દરેક બાળકને અપાય છે એ રસી ટીબીથી બચવા માટેની રસી છે, પરંતુ ભારતમાં લાખો લોકો ટીબીનો ભોગ બને છે; કારણ કે આ રસીની અસરકારકતા ઓછી થઈ ગઈ છે એમ સમજાવતાં નિષ્ણાતો કહે છે કે સમય જતાં વાઇરસ કે બેક્ટેરિયા પહેલાં કરતાં સશક્ત થઈ જાય છે અથવા કહીએ કે બદલાઈ જાય છે. એથી જૂની રસી ખાસ કામ આવતી નથી. આ સંજોગોમાં રસીને પણ બદલતી રહેવી જરૂરી છે. જેમ કે ન્યુમોનિયાની જે રસી અસ્થમા કે શ્વાસની તકલીફ ધરાવતી વ્યક્તિને અપાય છે એ દર વર્ષે બદલાય છે.


comments powered by Disqus