લંડનઃ દેશની ટોચની ગ્રામરસ્કૂલના મેદાનમાં ૧૪ વર્ષીય એલેના મોંડલે આપઘાત કર્યો હતો. કોઈ તેને હેરાન કરતું હોવાથી તેણે આ અંતિમ પગલું ભર્યું હશે તેવી તેના પેરન્ટ્સને દહેશત છે. ખૂબ લાગણીશીલ એલેના ડિપ્રેશનથી પીડાતી હતી. પરંતુ, તે આટલી ઝડપથી આવું અંતિમ પગલુ ભરશે તેવી કોઈને કલ્પના પણ ન હતી.
ગયા જૂનમાં નોર્થ લંડનના હેમ્પસ્ટેડમાં આવેલી હેનરિયા બાર્નેટ સ્કૂલના મેદાનમાં એક વૃક્ષ પર તેને ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક ટીચરે જોઈ હતી. ભવિષ્યમાં ડોક્ટર બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતી એલેનાનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. બાર્નેટ કોરોનરની કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે તેના મિત્રોએ સોશિયલ મીડિયા પર તેની પજવણી કરી હતી.
સુનાવણીમાં એક સાઈકિઆટ્રીસ્ટે જણાવ્યું કેતેને આશા હશે કે તેનું મૃત્યુ થાય તે પહેલા બધા તેને શોધી કાઢશે. અન્ય મેન્ટલહેલ્થ પ્રોફેશનલે જણાવ્યું હતું કે ખાવાની અનિયમિતતા અને જાતને નુક્સાન પહોંચાડવાની તકલીફમાં તેનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું હતું. તેને વોટ્સએપ ગ્રૂપમાં સામેલ કરવામાં ન આવી તેથી તેને લાગ્યું કે બીજા વિદ્યાર્થીઓ તેની અવગણના કરે છે.
તેના પેરન્ટ્સ શ્યામલ અને મૌસમીએ જણાવ્યું હતું કે તેમને દહેશત હતી કે ગર્લ્સ ગ્રામર સ્કૂલમાં તેમની દીકરીને પજવવામાં આવતી હતી. ૨૦૧૬ અને ૨૦૧૭માં આ સ્કૂલને શ્રેષ્ઠ સરકારી સ્કૂલ જાહેર કરાઈ હતી. સ્કૂલ દ્વારા ગયા જુલાઈમાં એલેનાની સ્મૃતિમાં મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું.
એલેના ભણવામાં હોંશિયાર હતી અને ક્લાસમાં તે પ્રથમ ક્રમાંક મેળવતી હતી. પરંતુ, તે ખૂબ લાગણીશીલ હતી. એક વખત તે ક્લાસમાંથી કાતર લઈને રડતી રડતી બહાર દોડી ગઈ હતી અને કોરિ઼ડોરમાં પડી ગઈ હતી. તેણે ટોઈલેટમાં જઈને હાથમાં ચીરો મૂક્યો હતો.
એલેનાને અપાતી સારવાર વિશે નિષ્ણાત સાઈકિઆટ્રીસ્ટના વિશ્લેષણ માટે ઈન્ક્વેસ્ટ મુલતવી રખાયું હતું.

