એન્ડ્રયુ વાર્ડલ બાયોનિક લિંગના પ્રતાપે ૪૪ વર્ષે પ્રથમ વખત કામસુખ માણશે

Wednesday 04th July 2018 07:04 EDT
 
 

લંડનઃ સજીવ પ્રાણીના જીવનમાં મુખ્ય હેતુ અથવા ધ્યેય તો રીપ્રોડક્શન એટલે કે પ્રજોત્પતિનો જ હોય છે, સેક્સ માણવાનો નહિ. પ્રજોત્પતિ માટે જનનેન્દ્રિયોની રચના કરાઈ છે. આવી પરિસ્થિતિમાં જનનેન્દ્રિયનો જ અભાવ હોય ત્યારે તે સજીવની હાલત કેટલી ખરાબ થઈ જતી હોય તે માત્ર કલ્પનાનો વિષય છે. માન્ચેસ્ટરના ૪૪ વર્ષીય એન્ડ્રયુ વાર્ડલનો જન્મ શિશ્ન વગર જ થયો હતો. ૨૦ મિલિયન કેસમાં એકની જ હાલત આવી હોય છે. ચાર-ચાર ઓપરેશન પછી હવે ૫૦,૦૦૦ પાઉન્ડની કિંમતે બાયોનિક શિશ્ન લગાવાયા પછી તે સૌપ્રથમ વખત તેની ગર્લફ્રેન્ડ ફેડ્રા ફેબિયાન સાથે સેક્સનો આનંદ મેળવી શકશે. જોકે, તે પ્રજોત્પતિ કરી શકશે નહિ તેમ મનાય છે.

યુનિવર્સિટી કોલેજ હોસ્પિટલ લંડન ખાતે કરાયેલા સફળ પેનાઈલ ઈમ્પ્લાન્ટ ઓપરેશનોમાં સૌપ્રથમ વખત તેના ડાબા હાથમાંથી ચામડી, સ્નાયુઓ અને પગની શિરાઓમાંથી ચેતાઓ મેળવાઈ હતી, જેને રોટલીના ગોળ વીંટા તરીકે વાળીને પુરુષ જનનેન્દ્રિયનો આકાર આપી શરીરમાં ફિક્સ કરાયો હતો. હવે તેના શરીરમાં ફેલોપ્લાસ્ટી-કૃત્રિમ શિશ્ન સર્જરીમાં એક પમ્પ લગાવાયો છે તેનું બટન દબાવતાની સાથે જ અન્ય પુરુષોની માફક જ તેને શિશ્નોત્થાન થશે. ઓપરેશનના આખરી તબક્કામાં તેનું ઉત્થાન ૧૦ દિવસ રહ્યા પછી તેમાં ઢીલાશ આવશે. આ પછી તેને સેક્સ માણવા છ સપ્તાહની રાહ જોવી પડશે તેવી સલાહ ડોક્ટર્સે આપી છે.

પુરુષ લિંગ મેળવ્યા પછી વાર્ડલની જિંદગી સંપૂર્ણતઃ બદલાઈ જશે. હવે તે સમાજનો એક હિસ્સો બની શકશે. તેનું કહેવું છે કે,‘મેં ૪૪ વર્ષ લિંગ વિના વીતાવ્યા છે. આ સમય દરમિયાન સેક્સનો આનંદ મેળવ્યો નથી. આ માત્ર સેક્સના આનંદની વાત નથી. તે તો માત્ર ઓપરેશનની બાય-પ્રોડક્ટ છે. હું અત્યારે અર્ધ માનવી-અર્ધ રોબોટ એથવા તો બાયોનિક પુરુષ જેવો જ છું.’

માન્ચેસ્ટરના એન્ડ્રયુ વાર્ડલનો જન્મ બ્લેડર એક્સટ્રોફી નામની અતિ દુર્લભ જન્મજાત ખામી સાથે થયો હતો, જેમાં અવયવની રચના શરીરની બહાર થઈ હોય છે. તેને એક જ ટેસ્ટિકલ હોવાં સાથે એન્ડ્રયુનો જન્મ લિંગ વિના થયો હતો. બાળક હતો ત્યારે જ મૂત્રવિસર્જન કરવા માટે કૃત્રિમ કાણું પાડવામાં આવ્યું હતું. આ પછી પણ મૂત્રાશયમાંથી ટ્યુબ બહાર કાઢવા અનેક ઓપરેશન્સ કરવામાં આવ્યાં હતાં.

દુર્લભ જન્મજાત ખામીથી ત્રાસીને એન્ડ્રયુએ ૨૦૧૨માં આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, તેની હતાશાને જાણતાં જીપીએ તેને લંડનમાં UCLH ખાતે કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ ડાન વૂડ પાસે મોકલ્યો હતો અને તેના માટે આશાનું કિરણ બંધાયું હતું. યુરોલોજિસ્ટ વૂડે ફેબ્રુઆરી ૨૦૧૪માં યુરોસ્ટોમી (બહાર લટકતી પેશાબકોથળી)ના ઓપરેશન પછી ખાસ કેથેટર લગાવી આપ્યું હતું, જેના પરિણામે તે લેવેટરીમાં જતો થયો હતો. વાર્ડલ કહે છે કે,‘મારા લિંગના બદલે તો આના કારણે જ મારી જિંદગી બચી ગઈ હતી.’ જોકે, તેના પેટમાં તીક્ષ્ણ સોય જેવું હતું તેનાથી મૂત્રાવરોધ થતો હોવાથી બે વર્ષની પ્રક્રિયાને પાંચ વર્ષ લાગી ગયા હતા.

આ પછી, યુરોલોજિસ્ટ વૂડે એન્ડ્રયુને સાથી યુરોલોજિસ્ટ અને જેનિટલ રીકન્સ્ટ્રક્શન નિષ્ણાત સર્જન ડેવિડ રાલ્ફ પાસે મોકલ્યો હતો, જેમણે નવેમ્બર ૨૦૧૫માં ડાબા હાથની ત્વચા, મસલ્સ, ચેતાઓ તથા જમણા પગની શિરામાં ચેતાઓ લઈને એન્ડ્રયુ પર લિંગ બનાવવાની શસ્ત્રક્રિયા કરી હતી. લગભગ ત્રણ વર્ષના વિલંબ પછી ગત ડિસેમ્બરમાં તેના પર આખરી ત્રીજું ઓપરેશન કરાયું હતું. તેના ઉદરમાં સેલાઈનની કોથળી રાખવામાં આવી છે. બટન દબાવવા સાથે સેલાઈન પમ્પ દ્વારા શિશ્નમાં જઈ શકશે અને તેનું ઉત્થાન થાય તેવી સર્જરી કરવામાં આવી છે.


comments powered by Disqus