ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝની ૨૦મી વર્ષગાંઠની ઉજવણી

Wednesday 04th July 2018 07:54 EDT
 
 

લંડનઃ હિન્દુત્વ અને ભારતીય પરંપરાના શાસ્ત્ર-પુરાણોના અભ્યાસ માટે વિશ્વવિખ્યાત બનેલી સંસ્થા ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS) આ મહિનામાં તેની ૨૦મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. ૧૯૯૭માં માત્ર ત્રણ વિદ્યાર્થી સાથે નમ્ર આરંભ કર્યા પછી આ સંસ્થાએ હિન્દુત્વ વિશેના અભ્યાસમાં પોતાને અગ્રણી સ્થાપિત કરેલ છે તે નાની વાત નથી. આ સાથે સંસ્થાએ વૈશ્વિક વિદ્વતા-પાંડિત્યના વ્યાપને સુગ્રથિત કરેલ છે. OCHSની અનન્ય વૃદ્ધિ તેના સમર્થકો અને શુભેચ્છકોના સમર્થન થકી જ શક્ય બની છે. OCHS સમુદાય માટે આ ૨૦મી વર્ષગાંઠ તેના કઠોર પરિશ્રમના મીઠાં ફળની ઉજવણી અને ભાવિની વિચારણા માટેની વિશિષ્ટ તક બની રહી છે.

આ વર્ષગાંઠ નિમિત્તે સોમવાર, બીજી જુલાઈ ૨૦૧૮ની સાંજે ઓક્સફર્ડ ટાઉન હોલ ખાતે સેલીબ્રેશન ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બિઝનેસ અગ્રણીઓ, રાજકીય મહાનુભાવો, વિદ્વાનો, વિદ્યાર્થીઓ, ધાર્મિક નેતાઓ તેમજ આપણા સમુદાયની ચાવીરુપ સભ્યો સહિત ૨૫૦થી વધુ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના વાઈસ ચાન્સેલર પ્રોફેસર લૂઈ રિચાર્ડસન દ્વારા ચાવીરુપ સંબોધન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, અન્ય વક્તાઓમાં હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ફ્રાન્સિસ ક્લૂની, યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના પ્રોફેસર કિથ વાર્ડ તેમજ ભારતીય ઉદ્યોગપતિ અને પરગજુ જનહિતૈષી મિ. અજય પિરામલનો સમાવેશ થયો હતો.

બે દાયકાના સમયગાળામાં ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ એવી સન્માનીય સંસ્થા સ્વરુપે વિકસી છે, જે વિશ્વસ્તરીય સ્કોલર્સ માટે આધાર-પાયારુપની સેવા આપે છે. તેના દ્વારા અત્યાર સુધી ઓક્સફર્ડ ખાતે ૨૦૦૦થી વધુ લેક્ચર્સ-વ્યાખ્યાનોની યજમાની કરવામાં આવી છે તેમજ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સીસ ઉપરાંત, એશિયા, યુરોપ અને નોર્થ અમેરિકાની ઉચ્ચતમ યુનિવર્સિટીઓ સાથે સહયોગપૂર્ણ સંશોધનોમાં સક્રિયતા દાખવી છે.

આ ૨૦મી વર્ષગાંઠ ભૂતકાળમાં નજર નાંખવાની અને આપણે ક્યાં હતાં અને આપણે કઈ તરફ જઈ રહ્યાં છીએ તેનો તાગ કાઢવાની તક છે. આપણા ધ્યેય હંમેશાંથી બેવડાં રહ્યાં છેઃ એક તો હિંદુત્વના વિદ્વતાત્મક અભ્યાસને ઉત્તેજન આપવું, અને આ પાંડિત્યને તેના ઉચ્ચ સ્થાનેથી ઉતારીને હિન્દુઓ તેમજ વ્યાપક કોમ્યુનિટીની દૈનિક આવશ્યક્તાઓને પ્રતિસાદ આપનારું બની રહે તેમ કરવું. આપણાં પ્રકાશનો, કોન્ફરન્સીસ અને મુલાકાતી વિદ્યાર્થીઓની તકો દ્વારા પ્રથમ ધ્યેય તો પૂર્ણ થાય છે અને આપણાં અંકુરિત ઓનલાઈન કોર્સીસ અને આઉટરીચ પ્રોજેક્ટ્સથી બીજું ધ્યેય પરિપૂર્ણ થાય છે.

OCHSની સીમાચિહ્ન સિદ્ધિઓ

માત્ર ૨૦ વર્ષના ટુંકા ઈતિહાસમાં હિન્દુ સ્ટડીઝ માટે વિશ્વના અગ્રણી કેન્દ્ર તરીકે સ્થાન પામ્યું છે. આ સમયગાળાની સીમાચિહ્ન સિદ્ધિઓમાં આ બાબતોનો સમાવેશ થાય છેઃ

• સંસ્કૃત ભાષાના પ્રખ્યાત વિદ્વાન પેટ્રિક ઓલિવેલ અને પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત એમ. નરસિંહાચારી સહિત ૭૭ મુલાકાતી ફેલોઝનું યજમાનપદ શોભાવ્યું.

• રવિ ગુપ્તા, ઉટાહ સ્ટેટના રીલિજિયસ સ્ટડીઝના અધ્યક્ષ ચાર્લ્સ રેડ્ડ તેમજ ક્યોટો યુનિવર્સિટીમાં સંશોધક કિયોકાઝુ ઓકિટા સહિત ૩૦૦ (૧૮ ડી. ફિલ. ગ્રેજ્યુએટ્સ) વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો.

• ૨૫,૦૦૦ ટાઈટલ્સ (પુસ્તક-ગ્રંથ) ધરાવતી વિશાળ લાયબ્રેરીની રચના

• પ્રકાશન ભાગીદારીની સ્થાપના કરાઈ છે, જેના પરિણામે બે ગ્રંથશ્રેણીઓ (Archaeology and Religion, Hindu Studies)નું પ્રકાશન કરાયું છે.

• જર્નલ ઓફ હિન્દુ સ્ટડીઝ (ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસની સાથે)ની સ્થાપના કરી છે અને ૧૦ વર્ષમાં ૩૨ ઈસ્યુ પ્રસિદ્ધ કરાયા હતા.

• ફેલોઝ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સ દ્વારા ૧૫૦ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું છે.

• વિદ્વાનો દ્વારા સમીક્ષા કરાયેલા ૨૮૦ સંશોધનપત્રો પ્રકાશિત કરાયા છે.

• છ આંતરરાષ્ટ્રીય અધિવેશનો (શાક્ત પરંપરાઓ, બંગાળી વૈષ્ણવવાદ, પુરાતત્વ અને ધર્મ, ભારતીય ફીલોસોફી, ભાગવત પુરાણ અને ગોસ્વામી પ્રોજેક્ટ)નું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે બે પુસ્તકશ્રેણીઓ સહિતના પ્રકાશનો થયાં છે.

• ભારત અને વિશ્વની સંસ્થાઓ સાથે સમજૂતીપત્રો (MOUs)નું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

• ત્રણ ખંડોમાં તેની પહોંચ છે, જેમાં યુ.એસ. અને ભારતમાં ફ્રેન્ડ્ઝ ગ્રૂપ્સ અને કાઠમંડુમાં ઓપિસનો સમાવેશ થાય છે.

• અત્યાર સુધી ૧૫૦૦ લેક્ચર આપવામાં આવ્યાં છે, જેમાંથી ૪૦૦થી વધુ લેક્ચર ઓનલાઈન ઉપલબ્ધ છે.

• યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના પ્રથમ હિન્દુ ચેપ્લિન (પુરોહિતપદ) આપવાનું સન્માન.

• પ્રતિ વર્ષ ૭૦૦થી વધુ ઓનલાઈન વિદ્યાર્થીઓને શિક્ષણ.

• સ્ટાફ અને વિદ્વાનોને હિન્દુત્વ વિશે મીડિયા, સરકાર અને ખાનગી ક્ષેત્ર તેમજ વિવિધ ધર્મસ્થળોએ જાહેર પ્રવચનો આપવાની તક ઉપલબ્ધ કરાવવા સક્રિય કામગીરી.

મહાનુભાવોના મંતવ્યો

લોર્ડ નવનીત ધોળકિયા OBE, DL, OCHS બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેનઃ ‘ હિન્દુત્વના અભ્યાસનું શ્રેષ્ઠ પ્રદાન હિન્દુ કોમ્યુનિટીઓ, મીડિયા, સરકાર, બિઝનેસને મળતું રહે તેની સાથોસાથ સમુદાયો અને પરંપરાઓનાં સર્વ સભ્યો આ પ્રક્રિયામાં સંકળાય તેની ચોકસાઈ સાથેની ભગીરથ ભૂમિકા OCHSએ ભજવવાની છે.’

‘OCHSના ચેરમેન તરીકેની કામગીરી બજાવવી અને બે દાયકા દરમિયાન તેનો વિકાસ થતો નિહાળવો તે મારા માટે સૌભાગ્ય બની રહ્યું છે. આ ભોજન સમારોહ સેન્ટરના ઈતિહાસમાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નને દર્શાવે છે. મને ખાતરી છે કે આપણે આપણા સંશોધન, પ્રકાશન અને પહોંચની દિશામાં સતત ગતિશીલ રહીશું.’

ગોપાલ ગુપ્તા, OCHSના D.Phil. ઉમેદવારઃ વિશ્વની અન્ય કોઈ સંસ્થા મારા સાયન્સના ક્ષેત્ર અને હિન્દુત્વના ઊંડાણપૂર્વકના અભ્યાસને સુસાધ્ય બનાવી શકે તેમ નથી. જ્ઞાનની૫ જે શાખાઓનું ભાગ્યે જ ખેડાણ થયું હોય તેનો અભ્યાસ કરવા મને પ્રોત્સાહન આપવામાં આવે છે.’

લોર્ડ પેટન ઓફ બાર્નેસ, ઓક્સફર્ડ યુનિવર્સિટીના ચાન્સેલરઃ ઓક્સફર્ડમાં હિન્દુ સ્ટડીઝના ક્ષેત્રમાં આ પ્રગતિ ભારે રોમાંચક છે. ભારત અને ભારતીય ધાર્મિક પરંપરાઓ સંદર્ભે ઓક્સફર્ડની સંપત્તિમાં આ મહત્ત્વપૂર્ણ ઉમેરો છે. ઓક્સફર્ડમાં અભ્યાસ કરવા વધુ પ્રમાણમાં ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષવાના આપણા લક્ષ્યમાં તે બંધબેસતી બાબત છે. સત્તાવાર સાથ-સહયોગ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ અને ઓક્સફર્ડ યુનિવર્સિટીને શિક્ષણ, સંશોધન અને પ્રકાશન ક્ષેત્રમાં સાથે મળી આગળ વધવાનો મંચ પૂરો પાડે છે.’

અમિતાભ બચ્ચન, પ્રસિદ્ધ ભારતીય અભિનેતાઃ ‘હિન્દુ ફીલોસોફીનો અભ્યાસ કરાવતું આ સંસ્થા જેવું એક સેન્ટર ઓક્સફર્ડમાં છે તેનાથી મને ભારે આશ્ચર્ય થયું હતું. હું તો અભિભૂત થયો છું કે ઈંગ્લેન્ડમાં એવા લોકો પણ છે, જેઓ આ વિષયમાં વિદ્વતા પ્રાપ્ત કરીને વિદ્યાર્થીઓને તૈયાર કરે છે, જેઓ પોતાના દેશોમાં જશે અને આ ફીલોસોફીના ગૂઢ-ઊંડાણપૂર્વકના અર્થો અન્યોને સમજાવવા સક્ષમ રહેશે. ઈંગ્લેન્ડમાં આ પ્રકારની ઈન્સ્ટિટ્યૂટ હોય તે ખરેખર વિલક્ષણ છે.’

શૌનક ઋષિ દાસ, OCHS ડાયરેક્ટરઃ ‘આ ભોજન સમારોહ આપણા યોગદાતાઓ અને શુભેચ્છકોના આપણા સમુદાયને સાથે લાવવાની, આ બંધન મજબૂત બનાવવાની અને તેમના કાર્યો માટે આભાર વ્યક્ત કરવાની મહાન તક છે. OCHS કોમ્યુનિટીનું વૈવિધ્ય જ તેને નવા વિચારો માટેની ફળદ્રૂપ ભૂમિ બનાવે છે- આ વિવિધતા ભાજન સમારોહમાં પૂર્ણપણે પ્રદર્શિત થશે. આપ સહુને ત્યાં જોવા અમે આશાવાદી છીએ.’

OCHSની આગેકૂચના સોપાન- ૧૯૯૮-૨૦૧૮

૧૯૯૮- પ્રોફેસર ક્લોસ ક્લોસ્ટરમેયર દ્વારા પ્રથમ લેક્ચર ‘હિન્દુત્વનો પરિચય’

૨૦૦૧- બ્રિટિશ હિન્દુઈઝમ ઓરલ હિસ્ટરી પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો

૨૦૦૨- લંડનમાં પ્રથમ હિન્દુ યુથ ફેસ્ટિવલ યોજાયો

૨૦૦૨- લંડનમાં કન્ટિન્યુઈંગ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા શિક્ષણનો આરંભ

૨૦૦૩- ડિજિટલ શિક્ષાપત્રી પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો

૨૦૦૩- પ્રથમ શિવદાસાની વિઝિટિંગ ફેલો પ્રોફેસર એસ. રામરત્નમનું આગમન

૨૦૦૪- પ્રથમ D.Phil. ગ્રેજ્યુએટ્સ રવિ ગુપ્તા (માત્ર ૨૨ વર્ષની વયે!) અને કેનેથ વાલ્પે

૨૦૦૪- OCHS-Routledge પુસ્તક શ્રેણીમાં દીપક શર્મા દ્વારા પ્રથમ ટાઈટલ

૨૦૦૬- યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ દ્વારા માન્યતાપ્રાપ્ત પ્રથમ સ્વતંત્ર સેન્ટરનો દરજ્જો

૨૦૦૭- પ્રથમ ઈન્ટરનેશનલ કોન્ફરન્સઃ Archaeology and Text

૨૦૦૮- ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસના OCHS જર્નલ ઓફ હિન્દુ સ્ટડીઝને લોન્ચ કરાયું

૨૦૦૮- OCHS દ્વારા ડાઉ જોન્સ ધર્મ ઈન્ડેક્સ માટે સલાહકાર બોર્ડની રચના

૨૦૦૮- કન્ટિન્યુઈંગ એજ્યુકેશન ઓનલાઈનનું લોન્ચિંગ

૨૦૦૯- ભૂમિ પ્રોજેક્ટનું લોન્ચિંગ

૨૦૧૦- આર્કિયોલોજી એન્ડ રીલિજિયન ઈન સાઉથ એશિયા પુસ્તક શ્રેણીમાં પ્રથમ ટાઈટલની શરૂઆત

૨૦૧૦- OCHSના ડાયરેક્ટરનું ઓક્સફર્ડના પ્રથમ હિન્દુ ચેપ્લિન તરીકે નામાંકન

૨૦૧૦- પ્રોફેસર ગેવિન ફ્લડે ફેકલ્ટી ઓફ થીઓલોજી એન્ડ રીલિજીઅનમાં સંસ્કૃત શીખવવાનો આરંભ કર્યો

૨૦૧૧- અભિનેતા અમિતાભ બચ્ચન દ્વારા ફોર્ડ લેક્ચર અપાયું

૨૦૧૪- OCHSનું ૧૦૦૦મુ લેક્ચર ‘From Myth to Ritual’ પ્રોફેસર શ્રીકાન્ત બહુલકર દ્વારા અપાયું

૨૦૧૪- પ્રથમ OCHS સમર સ્કૂલનો આરંભ

૨૦૧૬- પ્રથમ ખૈતાન વિઝિટિંગ ફેલો પ્રોફેસર ટોની સ્ટુઅર્ટનું આગમન

૨૦૧૬- યુએનની NGO તરીકે OCHSને માન્યતા આપવામાં આવી હતી

૨૦૧૭- ૩૦૦૦મા ઓનલાઈન વિદ્યાર્થીની નોંધણી થઈ

૨૦૧૭- યુનિવર્સિટી ઓફ મદ્રાસ ખાતે કોન્ફરન્સમાં ભાગવત પુરાણ પ્રોજેક્ટ લોન્ચ કરાયો

૨૦૧૮- ૨૦મી વર્ષગાંઠની ઉજવણી


comments powered by Disqus