ચાલો, બ્યૂટી કોન્ટેસ્ટ યોજીએ...

સી. બી. પટેલ Tuesday 03rd July 2018 15:33 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, વર્ષોના વ્હાણા વીતી ગયા... આપ સહુ ‘જીવંત પંથ’ના વૈવિધ્યસભર રસથાળની લિજ્જત માણી રહ્યા છો. સહજ છે કે લેખક તરીકે મને તેનો ઘણો આનંદ થાય. ચીલાચાલુ વિષયોથી નવા, નિરાળા, આગવા શિર્ષક વાંચીને કંઇકેટલાય નવાઇ પામે તો તેમાં કંઇ આશ્ચર્યજનક નથી. મથાળું વાંચીને કદાચ કોઇએ વિચારોના ઘોડા દોડાવવાનું શરૂ કર્યું હશે. પરંતુ વ્હાલેરા વાચક મિત્રો, એક ખુલાસો પ્રારંભે જ કરી દઉં... આ પ્રકાશન સંસ્થા પ્રતિ સપ્તાહ એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર તો પ્રકાશિત કરતી જ હોય છે, વર્ષ દરમિયાન ઓછામાં ઓછા ૫૦ અંક. ઉપરાંત લગભગ દર ચાર-પાંચ સપ્તાહે વિવિધ વિષય કેન્દ્રીત એક માહિતીસભર વિશેષાંક પણ આપને સાદર કરીએ છીએ. આનંદમેળો, હેલ્થ સેમિનાર વગેરે જેવા મનોરંજન અને માહિતીના સરવાળા જેવા વિવિધ કાર્યક્રમોના આયોજનને પણ અમારી ફરજ સમજીએ છીએ. આ પરિપ્રેક્ષ્યમાં સંભવ છે કે આપ સુજ્ઞ વાચકો એવું માનવા પણ પ્રેરાવ કે હવે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ બ્યૂટી કોન્ટેસ્ટનું આયોજન કરી રહ્યું છે.
લેકિન, કિંતુ, પરંતુ મેં મથાળામાં ટાંકેલી વાત આખરે છે શું? વાંચો આગળ. આપના મનોમસ્તિષ્કમાં શરૂ થયેલી બધી ભાંજગડ મારી કલમ સાપ્તાહિક વિરામ લેશે તે પહેલાં ઊકેલાઇ ગઇ હશે તે ગેરન્ટી છે. એટલું જ નહીં, જીવન પ્રત્યેના આપના અભિગમમાં એક નવો જ દૃષ્ટિકોણ કેળવાય તેવું પણ બની શકે છે...
આ બ્યૂટી કોન્ટેસ્ટની વાત કરીએ તે પહેલાં આ બે શબ્દો બ્યૂટી અને કોન્ટેસ્ટના અર્થ સમજી લઇએ. કોન્ટેસ્ટ એટલે તો સ્પર્ધા. પછી તે અન્ય પ્રતિસ્પર્ધી સાથે હોય કે પોતાની જાત સાથેની હોય. જ્યારે બ્યૂટી (Beauty) શબ્દનું લોકો પોતાપોતાના દૃષ્ટિકોણથી મૂલ્યાંકન કરતા રહે છે. મોટા ભાગના લોકો આ શબ્દને બાહ્ય સૌંદર્યના સંદર્ભમાં જ મૂલવતાં હોય છે, અને આમાં પણ વિશેષ તો ચહેરાને જ ધ્યાનમાં રખાય છે. સૌંદર્ય એટલે બસ વ્યક્તિનો નકશીદાર ચહેરોમહોરો, મુખાકૃતિ અને તેનો આકાર, રંગ, વર્ણ. આપણા ગરવા ગુજરાતી ગઝલસમ્રાટ પંકજ ઉધાસજીએ સૂર અને સંગીતબદ્ધ કરેલી એક ગઝલ આપ સહુને યાદ હશે જ,

ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોને જૈસે બાલ,
એક તૂં હી ધનવાન હૈ ગોરી, બાકી સબ કંગાલ...

તો હિન્દી ફિલ્મઉદ્યોગના વિખ્યાત ગીતકાર જાવેદ અખતર સાહેબે પણ લખ્યું જ છેને...

એક લડકી કો દેખા તો ઐસા લગા
જૈસે ખીલતા ગુલાબ, જૈસે શાયર કા ખ્વાબ,
જૈસે ઉજલી કિરન, જૈસે વન મેં હિરન...

આજકાલથી નહીં, છેક કવિ કાલિદાસના કાલખંડથી આપણા સર્જકો-શાયરો જે પ્રકારે સૌંદર્યને - અને તેમાં પણ ખાસ કરીને નમણી નારના સૌંદર્યને - શબ્દોમાં ઢાળતા રહ્યા છે તે જોતાં બહુમતી વર્ગની સુંદરતાની વ્યાખ્યા બાહ્ય દેખાવ પૂરતી મર્યાદિત બનીને રહી ગઇ છે તેમાં કંઇ નવાઇ નથી. આ બધી વાતો વાંચીને આપનામાંથી કદાચ કોઇના મનમાં એવો પ્રશ્ન પણ રમતો થઇ ગયો હશે - ભઈ સી.બી., આ તમે સૌંદર્ય શબ્દની પારાયણ માંડીને બેઠા જ છો તા’રે હવે અમને ઇ પણ કહો કે તમે આ સૌંદર્ય વિશે સું જાણો?!
તમારો સવાલ તો સાચો, સૌંદર્ય વિશે હું શું જાણું ભલા..? પરંતુ હું જે કંઇ જાણું છે તે જાણવા, સમજવા માટે તમારે મારી સાથે ચાર દસકા જૂના કેલેન્ડરના પાના ઉલટાવવા પડશે.
૪૧ વર્ષ પહેલાંની વાત છે. ઇસ્ટ લંડનમાં આવેલા ઇલ્ફર્ડ ટાઉન હોલમાં એક રેડિયો સ્ટેશનના ઉપક્રમે બ્યૂટી કોન્ટેસ્ટ યોજાઇ હતી. મને તેમાં જજ (ન્યાયાધીશ) તરીકે હાજર રહેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું હતું. બ્યૂટી કોન્ટેસ્ટના જજ તરીકે શું કરવાનું હોય તે આ ભોજીયા ભાઇને શું ગતાગમ હોય? પૂછ્યું તો આયોજકોએ સાધારણ સમજ આપી. પણ મને જાણકારી અધૂરી લાગી. મનમાં ડર પણ ખરો કે ક્યાંક કોઇ સ્પર્ધકને અન્યાય ન થઇ જાય. આથી વધુ જાણકારી અંકે કરવા જઇ પહોંચ્યો ચિઝિકની પબ્લિક લાઇબ્રેરીમાં.
તે સમયે ગુજરાત સમાચારનું કાર્યાલય ચિઝિક હાઇ રોડ પર હતું. અને તે સમયે મારો મુખ્ય વ્યવસાય હતો શોપકીપર તરીકેનો. ચિઝિક વિસ્તારમાં અમારા પરિવારની માલિકીની આઠેક દુકાનો ધમધમતી હતી. પ્રકાશન વ્યવસાયમાં તરતાં શીખી રહ્યો હોવાથી આવતાં-જતાં લાઇબ્રેરીમાં ડોકિયું કરી લેતો હતો. રાજકારણ, ઇતિહાસ, ભૂગોળ, અર્થકારણ, સામાજિક પરિવર્તન અને તેવા વિષયો, મારે ઘણું જાણવા-સમજવાનું હતું. આથી લાઇબ્રેરીમાં જતો અને રેફરન્સ વિભાગના વડાને મળી મારી જરૂરત અનુસાર પુસ્તકો મેળવતો. વાંચતો અને - નિયમિત - પરત પણ કરતો.
તે વેળા ચિઝિકમાં ટાઇઝર ગ્રીનવૂડ નામની દસકાઓ જૂની રીઅલ એસ્ટેટ એજન્સી કાર્યરત હતી. આ ઓફિસના સંચાલકો સાથે મારે ઉઠક-બેઠકનો વ્યાવસાયિક સંબંધ. દુકાન અને મકાનની લે-વેચના મોટા ભાગના સોદા તેમની સાથે જ પાર પાડતો. એજન્સીના માલિક ગ્રીનવૂડની આધેડ વયની પુત્રી લાઇબ્રેરીમાં રેફરન્સ ડેસ્કની મુખ્ય નિયામક તરીકે કાર્યભાર સંભાળે. તે મારા પસંદગીના વિષયોથી વાકેફ એટલે જ્યારે તેની પાસે કોઇ પુસ્તકની ઇન્કવાયરી લઇને પહોંચું એટલે એ પુસ્તક (કે તેનો રેફરન્સ) તો મળે જ, લટકામાં બીજા પુસ્તકની જાણકારી પણ મળે. હું તેમની પાસે જઇ પહોંચ્યો.
Hi CB.., how are you? Tell me, how can I help you... તેણે સસ્મિત ચહેરે મારું સ્વાગત કર્યું. જવાબમાં મેં કહ્યુંઃ મારે બ્યૂટી કોન્ટેસ્ટ સંબંધિત પુસ્તક જોઇએ છે. હું આ કોન્ટેસ્ટ વિશે જાણવા-સમજવા માંગુ છું. તેણે મારા ચહેરા સામે જોયું. તેના ચહેરા પર મસમોટું પ્રશ્નાર્થ-કમ-આશ્ચર્યચિહન હતું. બ્યૂટી કોન્ટેસ્ટ?! તને વળી કેમ એમાં રસ પડ્યો? તારે શું જાણવું છે? તેના સવાલ, ઉત્કંઠા, આશ્ચર્ય... બધું એકદમ સ્વાભાવિક હતું. મેં તેને સમજાવ્યું કે ફલાણા રેડિયો સ્ટેશને એશિયન યુવતીઓ માટે બ્યૂટી કોન્ટેસ્ટ યોજી છે, મને જજ તરીકે તેડાવ્યો છે. આથી હું જજ તરીકેની કામગીરી વિશે વધુ જાણકારી મેળવવા માંગુ છું...
બહેને કેટલીક વાચન સામગ્રી એકત્ર કરીને મને આપી. તેમાં બ્યૂટી કોન્ટેસ્ટના જજ તરીકે મારે ક્યા નિયમોનું પાલન કરવાનું અને કરાવવાનું છે, કેવી ફરજ બજાવવાની છે તે બધાની જાણકારી હતી. આ બધું સાહિત્ય વાંચતા સમજાયું કે બાહ્ય સૌંદર્યનું જેટલું મહત્ત્વ છે તેથી અનેકગણું મહત્ત્વ આંતરિક સૌંદર્યનું છે. તેમાં એ પણ જાણવા મળ્યું કે ક્યા પરિબળો થકી આંતરિક સૌંદર્યને તમે ઓળખી શકો છો. આ બધી જાણકારી મેળવ્યા બાદ મેં જજ તરીકે સંતોષકારક ફરજ બજાવી. અને તે જમાનામાં એક નોખો - અનોખો અનુભવ મેળવ્યો.
જોકે બાદમાં આ બ્યૂટી કોન્ટેસ્ટનો ગામધજાગરો થયેલો એ વાત અલગ છે. વાત એમ હતી કે બીબીસી ટીવીની એક ચેનલે ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ તૈયાર કરીને આયોજકો સામે આરોપ મૂક્યો હતો કે સ્પર્ધાના આયોજક રેડિયો સ્ટેશને, એશિયન સમાચાર પત્રો અને સામાજિક સંસ્થાના સામયિકોમાં જાહેરખબર આપીને ખોટો પ્રચાર કર્યો હતો અને આર્થિક ગોબાચારી આચરાઇ હતી. જાહેરખબરમાં જણાવાયું હતું કે સ્પર્ધામાં ૧૮થી ૨૫ વર્ષની યુવતીઓ ભાગ લઇ શકશે અને સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતી યુવતીઓએ ફોર્મ સાથે ૧૫ પાઉન્ડની ફી ચૂકવવાની રહેશે. એટલું જ નહીં, સ્પર્ધકોની કોણીએ ગોળ ચોંટાડાયો હતો કે જેના શિરે લંડન સિટીની સૌથી સૌંદર્યવાન યુવતીનો તાજ મૂકાશે તેને મનોરંજન જગતમાં કે બોલીવૂડમાં ચમકવાની તક મળશે.
વાચક મિત્રો, લોકોમાં આજે જ ફિલ્મી કે ટીવી પરદાનું ઘેલું છે એવું નથી, તે સમયે પણ આ જ સ્થિતિ હતી. કચકડાની ફ્રેમમાં મઢાઇને ફિલ્મ કે ટીવી પરદે ચમકવાની ચાહત ત્યારે પણ આજના જેટલી જ તીવ્ર હતી. ઝાંઝવાના જળ જેવી આ મધલાળમાં લોકોને લપેટીને છેતરપિંડી આચરાઇ હતી.
તાજેતરમાં જ એક લેખમાં વાંચ્યું હતું તે અનુસાર બોલીવૂડમાં પ્રવેશવા હજારો લાઇન લગાવીને ઉભા છે. પ્રોડ્યુસરો આવા લોકોની ઇચ્છાનો ગેરલાભ ઉઠાવીને તેમનું શારીરિક-આર્થિક શોષણ કરી રહ્યા છે. એક યુવા અભિનેત્રીએ તો થોડાક દિવસ પહેલાં જાહેરમાં આરોપ મૂક્યો હતો કે ફિલ્મઉદ્યોગમાં આવું જ ચાલતું હોય છે, તમારે તમારી જાત સાથે, સિદ્ધાંતો સાથે, નૈતિક મૂલ્યો સાથે સમાધાન કરવું જ પડતું હોય છે. બોલિવૂડમાં કે હોલીવૂડમાં અત્યારે જ આવું થઇ રહ્યું છે તેવું નથી, અગાઉ પણ આવું જ થતું હતું. કાગડા કાળા જ હોય છે... વગેરે વગેરે.
ખેર, બીબીસી ટીવી ચેનલના રિપોર્ટમાં આયોજકોને તકસાધુ અને અવિશ્વસનીય તરીકે ચીતરવામાં આવ્યા હતા. તેમની સામે માનવાધિકારોના ભંગ અને નારીગૌરવની અવહેલનાના આરોપ થયા હતા. સદ્નસીબે અહેવાલમાં મારા સહિતના કોઇ પણ જજીસ કે તેની કામગીરી અંગે કોઇ જાતની નકારાત્મક ટીકા-ટિપ્પણ નહોતી.
જો જો હોં... બાપલ્યા, આ બધું વિગતવાર વાંચીને આપ સહુ વાચકમિત્રો ક્યાંક એવું તો નથી બેઠાને કે ગુજરાત સમાચાર - એશિયન વોઇસ આ સૌંદર્ય સ્પર્ધાના આધારે આગામી દિવસોમાં બ્યૂટી કોન્ટેસ્ટ યોજવાની તૈયારી કરી રહ્યા છે. મેં બ્યૂટી કોન્ટેસ્ટની વાત અ-કારણ નહીં, સ-કારણ માંડી છે તે સાચું, પણ મારો આશય જરા જુદો છે.
આ પાન પર નજર ફેરવજો... તમને એક નેવું વર્ષના તરવરિયા સન્નારીની તસવીર જોવા મળશે. પહેલી જુલાઇ ૨૦૧૮ના રોજ આયુષ્યના નવ દાયકા પૂરા કર્યા કરનાર આ ‘દાદીમા’નું નામ છે ડેફ્ની સેલ્ફ. ‘સન્ડે ટેલિગ્રાફ’ના સૌજન્યથી પ્રકાશિત ડેફ્ની સેલ્ફના આયુષ્યના વિવિધ તબક્કા દર્શાવતી આ તસવીરો ધ્યાનથી જોજો, તમારા મોંમાંથી ‘What a real beauty...’ શબ્દો ન સરી પડે તો જ નવાઇ. કેટલાકના મોંમાંથી એવા શબ્દો પણ સરી પડશે કે સી.બી. આ તમને થયું છે શું? તમારા કરતાં દસ વર્ષ મોટી મહિલા પર તમારી ‘નજર’ પડી?
વાચક મિત્રો, એવું પણ સંભવ છે કે આ અંક શુક્રવાર સુધીમાં આપના હાથમાં પહોંચશે ત્યાં સુધીમાં કેટલાય મોંએ આ મુદ્દો ચઢી ચૂક્યો હશે... કંઇક આવા દૃશ્યો પણ ભજવાઇ ગયા હશે...
દૃશ્ય પહેલુંઃ મારા રાખીબહેન શ્રીમતી ભાનુબહેન શનિવાર સવારના આઠેક વાગ્યાના અરસામાં પતિદેવ કાંતિભાઇ સાથે ચા-નાસ્તો કરવા બેઠા હશે ને તેમને કહેતા હશેઃ આ સી.બી.ને થયું છે શું? સાઠે બુદ્ધિ નાઠ્યાને ય બે દસકા થઇ ગયા છે તો ય આવી વાતો કરે છે? કાંતિ, તમને શું લાગે છે? આ સી.બી.નું શું કરવું જોઇએ?
(બાય ધ વે, વાચક મિત્રો, આ મારા એકમાત્ર રાખીબહેન એવા છે જે ક્યારેય મને રાખી બાંધવા આવતા નથી, અને પાછા મને મોઢામોઢ સંભળાવે પણ ખરા કે રાખી બાંધુ તો પાછા તમારે મને રોકડા પાઉન્ડ કે ગીફ્ટ આપવાં પડે, જે મારે લેવા નથી. વળી મારે તમને બળેવના દિવસે જમવાય બોલાવવા પડે તે લટકામાં. આ બધું મને ન ગમે...)
દૃશ્ય બીજુંઃ સવાર સવારમાં ઘરનો લેન્ડલાઇન ફોન રણકે છે. ‘બિગ બોસ’ ફોન રિસિવ કરે છે કે તરત સામેથી અધીરીયો અવાજ આવે છેઃ ‘ભા....ભીઇઇઇઇ, આ મોટાભાઇએ વળી શું નવું ગતકડું કાઢ્યું છે? આ વખતનું ગુજરાત સમાચાર વાંચીને તો અહીં ઉલ્કાપાત મચી ગયો છે... સમાજસેવાના કામો કરતા કરતા ભાઇને સૌંદર્ય સ્પર્ધા યોજવાનો સણકો ક્યાંથી ઉપડ્યો? છેલ્લા ૧૮-૧૮ વર્ષથી ટ્રીપલ AAA (એશિયન એચિવર્સ એવોર્ડ) યોજતા રહેલા મોટાભાઇને હવે ABC (એશિયન બ્યૂટી કોન્ટેસ્ટ) યોજવાનો ધખારો કેમ થયો છે?
(વાચક મિત્રો, મારે ત્રણ બહેનો એટલે શકુંતલા, જપસ્વીના અને કલ્પના. આ ત્રિપુટીમાં શકુંતલા અને જપસ્વીના કલ્પનાના ઘોડા દોડાવવામાં જરા પાછી પડે, પણ કલ્પનામાં નામ જેવા ગુણ વધુ. કલ્પનાના ઘોડા પૂરઝડપે દોડાવે ને જરા વધુ બોલકી... સૌથી નાની એટલે બધાની લાડકી પણ ખરીને... મનમાં આવે તે બોલી જ નાખે ને સરખું આવે તો મોટાભાઇની ‘ખબર’ પણ લઇ લે... દસકાઓથી દર રક્ષાબંધને આ ત્રણેય બહેનો એકસાથે મને રાખી બાંધવા આવે. તેમના આશીર્વાદના કારણે જ આ ડોસો ૮૧ વર્ષે પણ જુવાન જેવો જોસ્સો ધરાવે છે.)
દૃશ્ય ત્રીજુંઃ લેસ્ટરમાં વસતાં મારા ખાસ મિત્ર એટલે યુસુફભાઈ સાદત. તેઓ ઇસ્લામિક અને ઐતિહાસિક બાબતોના અભ્યાસુ. વળી ગુજરાત સમાચારના વાચક અને ચાહક. આથી બ્યૂટી કોન્ટેસ્ટનું મથાળું વાંચીને બ્લેકબર્નમાં રહેતા લોર્ડ આદમ પટેલને ફોન કરીને પૂછશેઃ આદમસાહેબ, જરા મને એક વાત કહો તો આ તમારા કોલેજકાળના મિત્ર સી.બી. કોલેજમાં ‘કેવા’ હતા? તેમના કારનામા કેવા હતા? સામેથી વળી આદમસાહેબ પૂછશેઃ પણ એ તો કહો કે સી.બી.એ કર્યું છે શું? અને યુસુફભાઇ જણાવશેઃ શું વાત કરું? સી.બી.એ તો સૌંદર્ય સ્પર્ધા યોજવાની તૈયારી શરૂ કરી છે. આ વખતની તેમની જીવંત પંથ કોલમના મથાળામાં જ આ વાત છે...
વાચક મિત્રો, આમ વાયરો વાત લઇ ઉડ્યો હશે ને બધા ‘સી.બી. આયોજિત સૌંદર્ય સ્પર્ધા’ની ચર્ચાના ચકડોળમાં ઉપરતળે થતા હશે. આ બધા સ્વજનોની મારા માટેની ચિંતા સમજું છું. સદૈવ સી.બી.ના હિતની ખેવના કરનારા આવા મિત્રો, સ્નેહીજનોને મારું ગૌરવ સમજું છું.
ખેર, મૂળ વાત સાથે તંતુ જોડું તો દરેક પોતાના સૌંદર્ય વિશે સભાન હોય છે, અને એટલે જ તેને પોતાના સૌંદર્યમાં હંમેશા ઉણપ જ વર્તાતી હોય છે. હોલિવૂડ ફિલ્મોમાં કામ કરીને વર્ષે ૪૦-૫૦ મિલિયન ડોલર કમાઇ લેતી એક્ટ્રેસને પણ પોતાના સૌંદર્યમાં હંમેશા ક્યાંક ને ક્યાંક તો ખામી જ વર્તાતી હોય છે. મારું નાક જરા લાંબુ છે... મોં-ફાટ જરા પહોળી છે... હોઠ વધુ પાતળા છે... કે ચીબૂક જરા દબાયેલી છે. જેટલા મોઢા એટલા કારણ હોય છેને?!
વાચક મિત્રો, પોતાની સુંદરતા માટેની આ બધી ચિંતા છતાં સાચી વાત તો એ છે કે નરી આંખે દેખાય છે તે સૌંદર્ય નથી. અંગ્રેજી ઉક્તિમાં યોગ્ય જ કહેવાયું છેઃ Beauty lies in the eye of the beholder. સૌંદર્ય તો તેને જોનારની આંખમાં સમાયેલું હોય છે. દેશી ભાષામાં કહું તો રાજાને ગમી તે રાણી, છાણાં વીણતી આણી. એકથી વધુ વૈજ્ઞાનિક અભ્યાસોમાં પુરવાર થયું છે કે પુરુષ કે સ્ત્રી પ્રેમમાં પડે છે ત્યારે દિલ અને દિમાગ સામેની વ્યક્તિનું માત્ર શારીરિક સૌંદર્યનું જોઇને નિર્ણય નથી કરતાં, પણ સામેની વ્યક્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરે છે. બુદ્ધિમતા, સ્વભાવ, વિશ્વસનિયતા વગેરે પરિબળોને જાણ્યે-અજાણ્યે ધ્યાનમાં લેવાતા જ હોય છે. આ અને આવા બધા પરિબળોનો સરવાળો એક વ્યક્તિત્વને નિખારતા હોય છે. આ લ્યોને ડેફ્ની સેલ્ફની જ વાત કરીએ. જીવનના નવ દસકા જોઇ ચૂકેલા ડેફ્ની એટલે જાણે આંતરિક અને બાહ્ય સૌંદર્યનો સરવાળો જોઇ લ્યો...
પહેલી જુલાઇ ૧૯૨૮ના રોજ ઈંગ્લેન્ડના હર્ટફોર્ડશાયરના બાલ્ડોકમાં તેમનો જન્મ. તેમને ત્રણ સંતાનો છે - જેમની સરેરાશ વય ૫૦થી ૬૦ વર્ષ વચ્ચે છે. ચાર ગ્રાન્ડ ચિલ્ડ્રન છે, જેઓ ૨૦ વર્ષથી મોટી વયના છે. ડેફ્ની ખાધેપીધે સુખી-સંપન્ન પરિવારના છે. ૪૩ વર્ષનું લગ્નજીવન વીતાવ્યા બાદ ૧૯૯૭માં પતિ જિમે અંતિમ શ્વાસ લીધા. આમ છેલ્લા કેટલાક વર્ષોથી વિધવાજીવન પસાર કરે છે.
ભારતીય પરિવારોની ટીકા નથી કરતો, પણ આપ સહુ એટલું તો સ્વીકારશો જ કે આપણા પરિવારોમાં આ વયનાં મોટા ભાગના વડીલો પથારીવશ હોય છે. હલનચલન હોય તો પણ બહુ મર્યાદિત હોય છે. તેમને અને મોજશોખને તો સ્નાન-સૂતકનોય સંબંધ હોતો નથી. પણ ડેફ્ની સેલ્ફની વાત અલગ છે. આજેય તેઓ ભરપૂર જીવન જીવે છે. ગ્રાન્ડ ચિલ્ડ્રન સાથે તો તેમના જેવડા થઇને મોજમસ્તી કરે જ છે અને ખાણીપીણીની મજા પણ માણે છે. પરંતુ સમવયસ્કો સાથે પણ સરસ સમય વીતાવી જાણે છે.
વાચક મિત્રો, આ સાથેના ફોટોગ્રાફ્સ પર નજર ફેરવશો તો ડેફ્નીના સૌંદર્યનો ખ્યાલ આવશે. અત્યંત આકર્ષક વ્યક્તિત્વ. આજેય તેઓ પુરુષ મિત્રો સાથે સિનેમા કે થિયેટરનું મનોરંજન માણવા જાય છે. બસ, તેમને એક જ ‘ફરિયાદ’ છે કે પગમાં વેરિકોઇસ વેઇનની તકલીફ હોવાથી હાઇ હીલના સેન્ડલ પહેરી શકતા નથી. તેઓ સીતેરના હતા ત્યારેય મોડેલિંગ કરતા હતા. ૨૧ વર્ષની વયે તેમણે રેડિંગમાં યોજાયેલી બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. આથી તેમને રેમ્પ વોકથી માંડીને મોડેલિંગની કામગીરીનો અનુભવ હતો. પતિના અવસાન બાદ કોઇએ તેમને સૂચવ્યું કે તમે તો પહેલાં મોડેલિંગ કરતા હતા, બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લેતા હતા. તો હવે કેમ નહીં?
ડેફ્નીએ પણ વિચાર્યુંઃ પહેલાં આ બધું કરતી હતી તો અત્યારે કેમ નહીં? અને તેઓ ફરી સક્રિય થયા.
આરોગ્ય પ્રત્યે તો સભાન પહેલેથી જ હતા. મોડેલિંગની ઝાકઝમાળભરી દુનિયામાં ફરી પગ માંડ્યો એટલે સૌંદર્યના મુદ્દે વધુ સજાગ થયા. વ્યક્તિ પોતાની જાતને પ્રેમ કરતાં શીખે એટલે આપોઆપ તેનું રૂપ નીખરતું હોય છે. આ હકીકત ડેફ્ની સેલ્ફના કિસ્સામાં સો ટચના સોના જેવી સાચી સાબિત થતી જોવા મળે છે.
વાચક મિત્રો, હું પણ આપ સહુને આ જ કહેવા માંગુ છુંઃ પોતાની જાતને પ્રેમ કરો. અને આથી જ હું બ્યૂટી કોન્ટેસ્ટ યોજવાનું જાહેર ઇજન આપું છું. વીસ, બાવીસ કે પચ્ચીસ વર્ષની યુવતીઓ માટે જ નહીં, પણ ૬૦ વર્ષ કે તેથી મોટી ઉંમરની બહેનો માટે. અરે, બહેનો માટે જ શા માટે પુરુષોને પણ તેમાં ભાગ લેવા પ્રેરો. લોકો આવી સ્પર્ધામાં ભાગ લેશે તો શું થશે? એક નહીં, અનેક લાભ થશે.
• જિંદગીમાં હવે શું મોજશોખ કરવાના? તેવા ખ્યાલમાં રાચતાં વડીલો પોતાના દેખાવ પ્રત્યે વધુ સભાન બનશે.
• આકર્ષક દેખાવની પાયાની શરત છે શારીરિક સ્વાસ્થ્ય. લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સચેત બનશે.
• આ વયના લોકોનો એકમેક સાથેનો સંપર્ક વધુ ઘનિષ્ઠ બનશે.
• મોટી વયની વ્યક્તિ સ્પર્ધામાં ઉતરશે તો જીવનની ઢળતી ઉંમરે પણ તેનામાં જીતવાની જીજીવિષા જન્મશે, જે તેના માટે જીવનના અન્ય તબક્કે પણ લાભકારક પુરવાર થશે.
• વ્યક્તિમાં સ્પર્ધાત્મક્તાનો ભાવ ઉમેરાશે, જે અન્યથી આગળ વધવાની પ્રેરણા પુરી પાડશે.
• સ્પર્ધાના કારણે વ્યક્તિની વિચારસરણીમાં જીવન જીવવાનો એક ઉદ્દેશ ઉમેરાશે.
અને છેલ્લી, પણ સૌથી મહત્ત્વની વાત...
• લગભગ નંખાઇ ગયેલી જિંદગી જીવતાં વડીલોના જીવનમાં ચેતનાનો સંચાર થશે.
સતત સક્રિયતાના કારણે વ્યક્તિ ડિમેન્શિયા, ડિપ્રેશન જેવી વધતી વય સાથે જોડાયેલી આધિ-વ્યાધિને ટાળી શકશે. આ બધું જ શક્ય બનશે કેમ કે સ્પર્ધા માટે જરૂરી શારીરિક-માનસિક સ્વસ્થતા જાળવવા વ્યક્તિએ પોતાના આરોગ્યની કાયમ કાળજી લેવી પડશે. ખેવના રાખવી પડશે. અને સરવાળે આ અભિગમ જ વ્યક્તિને પોતાની જાતને પ્રેમ કરતાં શીખવી દેશે. જિંદગીને પ્રેમ કરતાં શીખવી દેશે. (ક્રમશઃ)
(તસ્વીરસૌજન્યઃ ધ સન્ડે ટેલિગ્રાફ)


    comments powered by Disqus