બ્રેન્ટમાં આવેલી સ્વામીનારાયણ સ્કૂલના ટ્રસ્ટીઓએ વાલીઓ અને વિદ્યાર્થીઓએ વ્યક્ત કરેલી ચિંતા વિશે વિચારણા કર્યા બાદ નોટિસ પિરિયડ લંબાવવાનો નિર્ણય લીધો હતો.સ્કૂલ દ્વારા તમામ વાલીઓને ૨૫ જૂન, ૨૦૧૮ના રોજ પાઠવવામાં આવેલા એક પત્રમાં ફંડની અછત, યોગ્ય સ્ટાફની ભરતી અને વિદ્યાર્થીઓની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને લીધે સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાની સ્પષ્ટતા કરી હતી. જોકે તેમણે હવે બન્ને સ્કૂલ જુલાઈ, ૨૦૨૦ સુધી સંપૂર્ણપણે ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આમ પ્રેપ સ્કૂલ અને સિનિયર સ્કૂલ બન્નેમાં દરેકને સપ્ટેમ્બર, ૨૦૨૦થી શરૂ થતા શૈક્ષણિક સત્ર માટે પોતાના બાળકો માટે યોગ્ય સ્કૂલ શોધવા પૂરા બે વર્ષનો સમય અપાયો છે. સંજોગો સાનુકુળ રહેશે અને વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતી રહેશે તો ટ્રસ્ટ દ્વારા પ્રેપ સ્કૂલને ત્રીજા વર્ષ માટે પણ ચાલુ રાખવા વિચારણા થઈ રહી છે.
અક્ષર એજ્યુકેશનલ ટ્રસ્ટના જીતુભાઈ પટેલે ‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ને જણાવ્યું હતું, ‘છેલ્લાં થોડા વર્ષથી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. ૨૦૧૨માં સૌથી વધુ ૫૧૫ હતી જે સપ્ટેમ્બર ૨૦૧૮માં ૩૭૭ રહેવાની શક્યતા છે. આ ઘટાડો ચાલુ રહેવાની સંભાવના છે. અન્ય નોન-ફી પેઈંગ (મફત) હિંદુ સ્કૂલો શરૂ થઈ છે જે વિદ્યાર્થીઓને નજીક પણ પડે છે. અમે આ સ્કૂલોને મળેલી સફળતાની પ્રશંસા કરીએ છીએ કારણ કે તે સ્કૂલોએ અમારા ઘણાં વિદ્યાર્થીઓને આકર્ષક વિકલ્પ પૂરો પાડ્યો છે. સ્કૂલના મોવડીમંડળ દ્વારા સ્કૂલના પ્રચાર-પ્રસાર માટે ઘણાં પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જ રહી છે. વધુમાં સ્કૂલનું ઉચ્ચ સ્તર જાળવી રાખવા માટે જરૂરી ટીચર્સ અને સ્ટાફની ભરતી કરવામાં અને તેમને જાળવી રાખવામાં સ્કૂલને ઘણાં પડાકારોનો સામનો કરવો પડ્યો છે.
તેમણે ઉમેર્યું હતું, ‘ ટ્રસ્ટીઓ તેમની ફરજ સુપેરે બજાવે છે અને ખર્ચની સામે ભવિષ્યની આવકનો અંદાજ કાઢ્યો છે. નાણાંકીય સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કર્યા પછી નિઃશંકપણે લાગ્યું હતું કે સ્કૂલ ચાલુ રાખવાથી ભારે નુક્સાન જશે અને તે સતત થતું જ રહેશે. આવી પરિસ્થિતિ લાંબો સમય સુધી જાળવી શકાય નહીં અને આ રીતે સ્કૂલ ચાલુ રાખવાનું શક્ય બનશે તેવી ખોટી આશા કે વચન આપવું યોગ્ય નથી.’
પટેલે વધુમાં જણાવ્યું હતું કે સ્કૂલ તરત જ અથવા તો ટૂંકા ગાળા પછી બંધ કરી દેવાઈ હોત તો નુક્સાન અટકાવી શકાયું હોત. પરંતુ, ટ્રસ્ટીઓ જાણે છે કે તેમ થયું હોત તો પેરન્ટ્સ અને વિદ્યાર્થીઓને ભારે તકલીફ અને મુશ્કેલી પડી હોત. તેથી સ્કૂલ બંધ કરવામાં વિલંબને લીધે વધતું નુક્સાન વેઠીને પણ ટ્રસ્ટીઓ ખાસ કરીને વિદ્યાર્થીઓનો GCSE અને A – Level કોર્સ પૂરો થાય અને અન્ય વિદ્યાર્થીઓની બીજી સ્કૂલોમાં વૈકલ્પિક વ્યવસ્થા થાય ત્યાં સુધી સ્કૂલ ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે.
તેમણે કહ્યુ, ‘સમાજના કેટલાંક સભ્યો આશા રાખે છે કે BAPS એ સ્કૂલમાં વધુ નાણાં રોકવા જોઈએ અથવા ડોનેશન લાવવું જોઈએ. અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે BAPSને ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સંદર્ભમાં પોતાના સંસાધનોમાં પણ ઘણી માગણીઓ પૂરી કરવાની હોય છે. અમે ફરી જણાવીએ છીએ કે સંસ્થાની મુખ્ય પ્રવૃત્તિઓ અને ઉદેશો ધાર્મિક છે જ્યારે સ્કૂલના ઉદેશો દેખીતી રીતે જ શૈક્ષણિક છે. અન્ય સંભવિત દાતાઓ પાસેથી મદદ મેળવવા માટે અમે પ્રયાસો કર્યા તે છતાં કોઈ મોટું યોગદાન પ્રાપ્ત થયું નથી.’
પટેલે ઉમેર્યું હતું કે ટ્રસ્ટીઓ સામે ગંભીર અનિયમિતતા અને વ્યક્તિગત લાભ લેવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ તમામ આક્ષેપો ગેરવાજબી, અયોગ્ય અને નિંદાત્મક છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓના પ્રતિભાવ
વાલીઓ સાથે પ્રેપ સ્કૂલની બેઠક ૨૬ જૂનને મંગળવારો તથા સિનિયર સ્કૂલની બેઠક ૨૮ જૂનને ગુરુવારે યોજાઈ હતી. જોકે, રોષે ભરાયેલા અને સ્કૂલ બંધ કરવાના નિર્ણયનો સ્વીકાર ન કરનારા વાલીઓએ એક નિવેદનમાં એશિયન વોઈસ અને ગુજરાત સમાચારને જણાવ્યું હતું , ‘ બે બેઠક બાદ પણ વાલીઓને ટ્રસ્ટીઓએ સ્કૂલ બંધ કરવા માટે આપેલા કારણો ગળે ઉતરતા નથી. આખી વાતમાં પારદર્શિતા ખૂટે છે. હજુ કોઈક વાત કરવામાં આવી નથી તેવું લાગે છે.’
એક વાલીએ જણાવ્યું હતું, ‘ અમને વાલીઓને લાગે છે કે આ મુદ્દાઓ ચિંતાજનક છે. આખા ઈન્ડિપેન્ડન્ટ સ્કૂલ સેક્ટરમાં આ મુદ્દા પ્રવર્તે છે. અમને એવું લાગે છે કે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ વિવિધ ક્ષેત્રમાં કાર્યરત છે અને વિવિધ કૌશલ્ય ધરાવે છે. તેનો ઉપયોગ કરાય તો સ્કૂલને બંધ થતી અટકાવવામાં મદદ મળી શકે.
વિમલ પી (યર ૧૩નો વિદ્યાર્થી)એ તાજેતરમાં જ A Levels નો અભ્યાસ પૂરો કર્યો છે. તેણે પોતાના ધર્મ વિશે બોલવાનો વિશ્વાસ સ્કૂલ દ્વારા તેને કેવી રીતે પ્રાપ્ત થયો તેની તથા સ્વામીનારાયણ સ્કૂલ અન્ય સ્કૂલો કરતા કેવી રીતે અલગ પડે છે તેની વાત કરી હતી.
પેરન્ટ્સની સંસ્થા દ્રઢપણે માને છે કે સાથે મળીને કામ કરવાથી સ્કૂલને હજુ પણ ચાલુ રાખી શકાય. પરંતુ, તેના માટે ટ્રસ્ટીઓ અને ગવર્નરોએ વાલીઓ સાથે જાહેર વાટાઘાટો શરૂ કરવાની જરૂર છે અને તે ઘણાં વર્ષોથી થયું નથી. વાલીઓએ એમ પણ જણાવ્યું હતું કે નવી ટીમની નિમણુંક થાય અને તે સ્કૂલ ચલાવે તેમાં તેઓ ખૂબ ખુશ છે. પરંતુ, તેઓ આ ચિંતાઓનું નિરાકરણ લાવવા માટે હાલના ટ્રસ્ટીઓ અને ગવર્નરો સાથે કામ કરવાનું વધુ પસંદ કરે છે.
સીમા મલ્હોત્રા MP એ જણાવ્યુ હતું સ્કૂલ બંધ થવાના સમાચાર સાંભળીને મને આશ્ચર્યની સાથે દુઃખ થયું હતું. સ્વામીનારાયણ સ્કૂલની ખૂબ પ્રતિષ્ઠા છે અને વાલીઓ તથા સમાજમાં તેનું આગવું મૂલ્ય છે. મને આશા છે કે વાલીઓ, ટીચર્સ, ગવર્નર્સ અને ટ્રસ્ટીઓ વચ્ચે ચર્ચા મારફતે કોઈ ઉકેલ શોધી શકાશે અને સ્કૂલ ચાલુ રહે તથા સતત વિકાસ પામતી રહેશે.’
વાલીઓએ હવે ઓનલાઈન અભિયાન શરૂ કર્યું છે. તેને સમર્થન આપવા ઈચ્છતી વ્યક્તિ https://bit.ly/2N7esUN પર જઈને સહી કરી શકે છે. અત્યાર સુધીમાં ૩,૦૦૦ લોકોએ સહી કરી છે.
૨૫ વર્ષ અગાઉ પૂ. પ્રમુખ સ્વામીના આશીર્વાદ સાથે અક્ષર એજ્યુકેશનલ ટ્રસ્ટની BAPSથી અલગ એજ્યુકેશનલ ચેરિટી તરીકે સ્થાપના થઈ હતી. તેને BAPS દ્વારાફંડિગ પૂરું પડાયું હતું.

