લંડનઃ ડો. માહિબેન મારુથાપ્પુ અને તેમનો પરિવાર ગત ૭૦ વર્ષમાં NHSને એશિયન કોમ્યુનિટીના પ્રદાનનું તેજસ્વી ઉદાહરણ છે. તેઓ માત્ર તબીબ જ નથી, નવીન પહેલમાં પણ અગ્રણી છે અને તેથી જ તેઓ આપણી આરોગ્યસેવાનું ભાવિ બચાવવાની આશા સાથેનો પરિવર્તન લાવનારો ચહેરો છે. સહયોગીઓમાં બેનના હુલામણા નામે જાણીતા ડો. માહિબેન NHS Innovation Accelerator (NHSIA)ના સહસ્થાપક છે. આપણી આરોગ્યસેવાને સૌથી વધુ પડકારતા મુદ્દાઓનો સામનો કરવાના માર્ગ તેઓ દર્શાવે છે. અત્યાર સુધી NHSIA દ્વારા સર્જિત નવતર પદ્ધતિઓનો ઉપયોગ NHS સાથે સંકળાયેલી ૧૨૦૦થી વધુ સંસ્થાઓએ કર્યો છે અને લોકોની જિંદગીઓ અને લાખો પાઉન્ડ બચાવ્યાં છે.
તેઓ ટેકનોલોજીથી સક્ષમ હોમ કેર પ્રોવાઈડર Ceraના પણ સ્થાપક અને સીઈઓ છે, જેના દ્વારા સામાજિક સંભાળ સંબંધિત વધતી સમસ્યાઓના સામના માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરાય છે. સર નિક ક્લેગ તેના એડવાઈઝરી બોર્ડના ચેરમેન છે. આ અગાઉ, ડો. માહિબેન NHSના ચીફ એક્ઝિક્યુટિવ સિમોન સ્ટીવન્સના સૌથી યુવાન સીનિયર ફેલો હતા અને ઈનોવેશન તથા ટેકનોલોજી વિશે સલાહ આપતા હતા.
૩૦ વર્ષીય બેનના ડોક્ટર માતાપિતા ૩૫ વર્ષ અગાઉ શ્રી લંકાથી લંડન આવ્યા હતા. બેનને બાળપણથી જ NHSની સિદ્ધિઓ અને નિષ્ફળતાની આંતરિક કાર્યપદ્ધતિના જાણકાર છે. તેની માતા જયાલિની પ્રેક્ટિસ કરતા જેરિયાટ્રિશિયન (વૃદ્ધત્વ ચિકિત્સક) છે અને પિતા કુમારાસ્વામી નિતંબના નિષ્ણાત સર્જન હતા. તેની બહેન પણ NHSના ડોક્ટર તરીકે કાર્યરત છે. બેન ૧૨ વર્ષના હતા ત્યારે તેના પિતાનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. આ ઘટનાના પડકારથી બેનને આરોગ્ય અને NHSમાં મોટી ભૂમિકા ભજવવાનું ઉત્તેજન પ્રાપ્ત થયું હતું.
બેને કેમ્બ્રિજ અને ઓક્સફર્ડમાં મેડિસીન અને કેનેડી સ્કોલર તરીકે હાર્વર્ડમાં પણ અભ્યાસ કર્યો હતો. બેન અંડરગ્રેજ્યુએટ હતો ત્યારે જ તેણે યુકે મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિયેશનની રચના કરી હતી. તેને હેલ્થકેરમાં ટેકનોલોજીની ગર્ભિત ક્ષમતા જણાઈ હતી. ૨૦૧૩માં સ્નાતક થયા પછી તેણે એલિંગ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર તરીકે કામ કર્યા પછી NHS England માટે કામગીરી આરંભી હતી. આ પછીના વર્ષે તેને ઈનોવેશન એક્સીલરેટરનો વિચાર આવ્યો હતો અને ૨૦૧૫ સુધીમાં તો તેનું કાર્ય શરુ થયું હતું.
પ્રેગનન્સી દરમિયાન સગર્ભાઓ પોતાના બ્લડ પ્રેશર પર ધ્યાન રાખી શકે તે માટે તેણે હાઈપર ટેન્શનના સંચાલન માટે સ્માર્ટફોન એપ્લિકેશન વિકસાવી હતી, જેના પરિણામે પેશન્ટદીઠ દર સપ્તાહે સરેરાશ ખર્ચમાં ૩૦૦ પાઉન્ડની બચત થવા સાથે હોસ્પિટલ એપોઈન્ટમેન્ટ્સની સંખ્યા અડધી થઈ ગઈ હતી. ડો. માહિબેન આજે પણ ઈનોવેશન એક્સીલરેટરના પ્રોગ્રામ બોર્ડમાં છે અને નોર્થ લંડનમાં જુનિયર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે. જોકે, તેમની મોટા ભાગની શક્તિનું કેન્દ્ર તેમની હોમકેર પ્રોવાઈડર Cera પર રહે છે, જેની સ્થાપના તેમણે ૨૦૧૬માં મારેક સાચા સાથે મળીને કરી હતી. આજે સેરા સાઉથ ઈસ્ટથી નોટિંગહામ, યોર્કશાયર અને માન્ચેસ્ટર સુધી વિસ્તરી છે અને વર્ષના અંત સુધીમાં જર્મનીમાં પણ વિસ્તરશે.

