તૂર્કીની સ્કૂલમાં સહુની લાડકી બની છે ટોમ્બી

Wednesday 04th July 2018 07:11 EDT
 
 

અંકારાઃ તુર્કીના ઇજમિર શહેરની બિલાડી ટોમ્બી પણ એક સ્થાનિક સ્કૂલમાં બાળકો સાથે ભણવામાં મશગૂલ રહે છે. સ્કૂલમાં ટોમ્બીનું વર્તન ખૂબ મૈત્રીપૂર્ણ હોય છે. તે સ્કૂલમાં કેવી રીતે પહોંચી તે કોઇ નથી જાણતું પણ ત્યાંથી જવાનું નામ જ નથી લેતી. થોડા સમય પહેલાં તેને વાલીઓની ફરિયાદના પગલે સ્કૂલમાંથી કાઢી મુકાઇ હતી, પણ તેના વિના બાળકોનું મન નહોતું લાગતું અને ટોમ્બીને પણ સ્કૂલ વિના ગમતું નહોતું. તેથી તેને સ્કૂલમાં પાછી લવાઇ અને ત્યારથી તે સ્ટુડન્ટ્સની લાડકી બની ગઇ છે.
ટીચર ઓજલેમ ઇવાસ્કૂએ જણાવ્યું કે બાળકો ટોમ્બીને ખૂબ પસંદ કરે છે. તે ક્લાસમાં પહેલી વાર આવી ત્યારે એવું લાગ્યું કે તેના કારણે બાળકોના અભ્યાસ પર વિપરીત અસર થશે, પણ થયું ઉલટું. બાળકો તેનો સાથ મેળવી વધુ મન દઇ ભણવા લાગ્યા. મને યાદ છે કે ટોમ્બી આવી તે પહેલાં સ્ટુડન્ટ્સ આમ-તેમ ભાગતા હતા હવે કોઇને ક્લાસમાંથી નીકળવું ગમતું નથી. બાળકો સમયસર સ્કૂલે આવી જાય છે અને એકાગ્રતા સાથે ભણે છે. સ્કૂલમાં ડોક્ટર બોલાવી ટોમ્બીનું વેક્સીનેશન પણ કરાવ્યું છે.
ઇવાસ્કૂ કહે છે કે ટોમ્બીને સ્કૂલમાંથી કાઢી મુકાયા પછી તેઓ તેને ઘરે લઇ ગયા હતા, પણ તે ખુશ નહોતી. તેની હાલત જોઇને સોશિયલ મીડિયા પર તેના વિશે પોસ્ટ કરી અને પછી તો ઘણા લોકોએ સમર્થન આપ્યું કે તેને સ્કૂલમાં આવવા દેવી જોઈએ. મીડિયાએ પણ સપોર્ટ કર્યો. આ પછી ફરિયાદ કરનારા પેરન્ટ્સનું પણ મન બદલાયું અને ટોમ્બી ક્લાસમાં પાછી આવી ગઇ.


comments powered by Disqus