લંડનઃ પોતાની ૨૧ વર્ષીય ફ્રેંચ નેની સોફી લીયોનેટ પર ૧૨ દિવસ સુધી અત્યાચાર ગુજારીને માર મારીને તેની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને સળગાવી દેનાર ૩૫ વર્ષીય ફેશન ડિઝાઈનર સાબ્રીના કોઈડર અને બિઝનેસમેન ક્વીસેમ મેડૌનીને ઓલ્ડ બેલી કોર્ટના જજ નિકોલસ હિલિયાર્ડ QC એ ઓછામાં ઓછી ૩૦ વર્ષની કેદ સાથે આજીવન સજા ફરમાવી હતી.
લીયોનેટ છેલ્લાં ૧૮ મહિનાથી આ દંપતીના બે બાળકની સંભાળ રાખતી હતી. લીયોનેટ સાબ્રીના કોઈડરના ભૂતપૂર્વ પાર્ટનર અને તેના સૌથી નાના બાળકના પિતા તેમજ બોયઝોનના સ્થાપક માર્ક વોલ્ટન સાથે સંબંધમાં હતી. કોઈડરને લાગતું હતું કે લીયોનેટ વોલ્ટનની સાથે મળીને તેના પુત્રનો કબજો અપાવવામાં મદદ કરતી હતી. જોકે, જજે જણાવ્યું હતું કે કોઈડરે લીયોનેટ અને વોલ્ટન સામે કરેલા આક્ષેપો સંપૂર્ણપણે ઘડી કઢાયેલા હતા.
આ દંપતીએ ગત ૨૦મી સપ્ટેમ્બરે બાથમાં લીયોનેટની હત્યા કરી તેના થોડા કલાક અગાઉ બળજબરીપૂર્વક કબૂલાત કરાવીને તેનો વીડિયો ઉતાર્યો હતો. આ વિડીયો તેઓ નેનીએ કરેલા ગુનાના પૂરાવા તરીકે પોલીસને સોંપવા માગતા હતા.
આ દંપતીએ સાઉથવેસ્ટ લંડનમાં વિમ્બલ્ડન નજીક આવેલા તેમના ઘરના પાછળના ગાર્ડનમાં બોનફાયરમાં તેનો મૃતદેહ સળગાવીને ગુનો છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમની યોજના આ હત્યાનું આળ વોલ્ટનના માથે નાખવાની હતી. પરંતુ, પડોશીઓને શંકા જતા તેમણે ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો અને પોલીસને પણ જાણ કરી દીધી હતી. જોકે, મેડોનીએ ઘેટું રાંધતો હોવાનો દાવો કર્યો હતો. આ દંપતીએ પીડિતાના મૃતદેહનો નાશ કર્યાનું કબૂલ્યું હતું. પરંતુ, તેની હત્યાનો ઈન્કાર કર્યો હતો. જોકે, ટ્રાયલમાં તે દોષિત ઠર્યા હતા.

