બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ સારંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે. પૂ. મહંત સ્વામી શનિવાર તા.૧૬ જૂને સારંગપૂર મંદિરે પહોંચ્યા હતા. પૂ.મહંત સ્વામી હાલ સારંગપૂરમાં બાળ, કિશોર તેમજ યુવક-યુવતી અને પુરુષો-મહિલાઓની સભાઓમાં ઉપસ્થિત રહીને સૌને દર્શન અને સત્સંગનો લાભ આપી રહ્યા છે. વહેલી સવારથી જ પૂ. મહંત સ્વામીના દર્શન કરવા માટે મંદિરમાં હરિભક્તો મોટી સંખ્યામાં આવી પહોંચે છે. આશીર્વચનમાં પૂ.મહંત સ્વામી સૌ હરિભક્તોને સંપ, સદભાવ અને એકતાના ગુણોને વધુ દ્રઢ બનાવવાની શીખ આપે છે. પૂ.મહંત સ્વામી બાળ અને યુવા કલાકારો દ્વારા રજૂ થતા સાંસ્કૃતિક કાર્યક્રમો રસપૂર્વક નિહાળે છે. સારંગપુર ખાતે તેમની નિશ્રામાં શનિવાર તા.૧ જુલાઈએ યુવા તાલીમ કેન્દ્રના યુવાનોએ નૃત્ય અને સંવાદ રજૂ કર્યા હતા. રવિવાર તા.૨ જુલાઈએ બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી. સવારે બાળકોએ કિર્તનો અને સંવાદ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. સાંજે રવિ સભાનું સંચાલન પણ બાળકોએ જ કર્યું હતું. પૂ. મહંત સ્વામીએ બાળકોની કલા અને અભિવ્યક્તિની પ્રશંસા કરીને તેમને આશીર્વચન પાઠવ્યા હતા. પૂ. મહંત સ્વામીએ સૌમાં દિવ્યભાવ રાખવા હરિભક્તોને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે કોઈની પણ નિંદા કરવી કે સાંભળવી નહીં. તેમણે જુદાજુદા ઉદાહરણો આપીને સૌ હરિભક્તોને સંપનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોઈક બાબતમાં જતું કરીએ, કોઈને અનુકુળ થઈએ, કોઈની પાછળ ઘસાઈએ અને કોઈનો ગમે તેવો ભાવ હોય તો પણ તેને સહન કરીએ તે એક પ્રકારનો સંપ જ કહેવાય. પૂ. મહંત સ્વામી આગામી તા.૧૫ જુલાઈને રવિવાર સુધી સારંગપુરમાં વિચરણ કરશે.

