શ્રી બળદીયા લેવા પટેલ સર્વોદળ (યુકે) દ્વારા રવિવાર તા.૨૪.૬.૧૮ના રોજ નોર્થોલ્ટ સ્થિત SKLPC ગ્રાઉન્ડ – કચ્છી લેવા પટેલ સમાજના ગ્રાઉન્ડમાં બળદીયા ફન ડેની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કચ્છી લેવા પટેલ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીમાં ભાગ લેવા મુખ્ય સ્પોન્સર કાન્તીભાઈ નારણભાઈ કેરાઈ તેમજ નીતાબેન કાન્તીભાઈ કેરાઈ ખાસ નેરોબીથી પધાર્યા હતા. બળદીયાવાસીઓએ વિવિધ રમતો, ખાણીપીણી અને મનોરંજન સાથે ફન ડેનો આનંદ માણ્યો હતો.
ફન ડેની શરૂઆત સવારે યોગાસનો સાથે થઈ હતી. દિવસ દરમિયાન બાળકો અને યુવાનોથી લઈને તમામ વયના લોકો માટે વિવિધ રમતોનું આયોજન કરાયું હતું. તેમાં સૌએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સવારે સૌએ ગરમાગરમ જલેબી - ગાંઠિયાનો લાભ લીધો હતો. ભોજનમાં અન્ય લિજ્જતદાર વાનગીઓ સાથે સૌએ ચીપ્સ અને ભજીયાનો સ્વાદ પણ માણ્યો હતો. બહેનોએ ભારે મહેનતથી બાજરાના ગરમાગરમ રોટલા અને દાબેલી સ્થળ પર જ બનાવીને રીંગણ બટેટાના શાક સાથે સૌને પીરસ્યા હતા. ગ્રાઉન્ડ પર આખો દિવસ મેળા જેવું વાતાવરણ રહ્યું હતું.
ગરમીનો માહોલ હોવાથી સૌએ આઈસ્ક્રીમ અને શેરડીના તાજા રસનો ખૂબ લાભ લીધો હતો.
કાર્યક્રમના અંતે ગેમ્સના સૌ વિજેતાઓને મુખ્ય સ્પોન્સર તરફથી ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. અંતમાં સૌને તરબૂચ, ચીભડાં અને સફરજન પીરસવામાં આવ્યા હતા.
SKLPC માં બળદીયા સહિત કચ્છી ચોવીસીના અન્ય બે ગામના વાર્ષિક કાર્યક્રમ પણ એક જ દિવસે યોજીયેલા જેમાં બે હજારથી વધુ માણસોએ હાજરી આપી હતી અને આખો દિવસ મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું.

