લંડનઃ સોશિયલ મીડિયાનો વ્યાપ અને પ્રભાવ વધી રહ્યો છે ત્યારે બનાવટી સમાચારો પણ સામાન્ય બાબત થઈ પડી છે. આ સંજોગોમાં મૂળ ભારતીય તેમજ MIT અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થી લીરિક જૈને બનાવટી સમાચાર એટલે કે ‘ફેક ન્યૂઝ’ને પડકાર આપવાના ઈરાદા સાથે બ્રિજહાઉસ ખાતે ‘લોજિકલી’ સ્ટાર્ટ-અપની સ્થાપના કરી છે. ભારતના મૈસુરના મૂળ વતની લીરિક ૧૨ વર્ષની વયે યુકેના સોલિહલમાં રહેવા આવ્યા હતા. ઈજનેરી વિદ્યાર્થી જૈનનું ‘લોજિકલી’ મશીન-લર્નિંગ અલ્ગોરિધમ છે, જે તેમણે યુએસની MITના ફેકલ્ટી એડવાઈઝર્સની સહાયથી તૈયાર કર્યું છે.
Businesscloud.co.uk ના રિપોર્ટ અનુસાર ‘લોજિકલી’ના બોર્ડ એડવાઈઝર્સમાં MIT અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના જૂના વિદ્યાર્થીઓ સામેલ છે અને તેઓએ ૧ મિલિયન પાઉન્ડનું ભંડોળ પણ એકત્ર કર્યું છે. યુકે, ભારત અને યુએસમાં તેના ૩૮ કર્મચારી છે, જે આ વર્ષમાં વધારીને બમણા કરવાનું આયોજન છે. તેની પાસે ૧૦ પૂર્ણકાલીન ડેવલપર્સ અને સંશોધકોની ટીમ હોવા ઉપરાંત, પ્રસંગોપાત નિષ્ણાતો અને ઓપનસોર્સ કાર્ય પર આદાર રાખવામાં આવે છે.
૨૧ વર્ષીય લીરિકે માત્ર ૧૬ વર્ષની વયે પોતાનો પ્રથમ બિઝનેસ શરુ કર્યો હતો, જેમાં તેણે ABS Secure Lock ની ડિઝાઈન કર્યા પછી તેનો વિકાસ સાધ્યો હતો. ડોર લોક્સ માટે તેની ડિઝાઈન ઈન્ડસ્ટ્રી માટે બેન્ચમાર્ક બની રહી હતી. બ્રેક્ઝિટની ચર્ચા દરમિયાન ઘણા લોકોને ટ્વીટર જેવાં સોશિયલ મીડિયા મારફત તેમના જ વિચારોનો પડઘો પાડતા હોય તેવા મત દર્શાવવામાં અઆવતા હતા.
‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ સાથે વિશેષ વાતચીતમાં લીરિકે જણાવ્યું હતું કે,‘ આપણે માહિતીની ઈકોસિસ્ટમમાં જીવીએ છીએ, જેમાં તકવાદી અભિનેતાઓ આઘાતજનક વિષયવસ્તુ સાથે પૂર્વગ્રહોને આગળ ધરી લોતોનાં દિલ જીતવા સાથે જાહેરાતોની મોટી આવક પણ રળી લેતા હોય છે. રાજકીય હેતુપ્રેરિત અભિનેતાઓ તેમજ રાજ્ય પ્રાયોજિત IRA જેવી સંસ્થાઓ પોતાની ધ્યેયપૂર્તિઓ માટે આપણને ઝેરીલી માહિતી પીરસતી રહે છે. ઘણા મોટા પ્રકાશકો અને બ્રોડકાસ્ટર્સ પણ પોતાના ઓડિયન્સના મતને માફક આવે તે રીતે પોતાની માહિતીની રજૂઆત કરે છે.’
‘વાસ્તવમાં જે ન્યૂઝ બનાવટી હોય અને ઈરાદાપૂર્વક રહસ્યમય રખાયા હોય તેને અમારી સિસ્ટમના ઉપયોગથી પારખી શકાય છે અને તેને ગાળીને અમારા વપરાશકારોને અપાય છે. ઘણી વખત લેખકો અને પ્રકાશકોના દાવાઓ એવાં અચોક્કસ હોય છે, જેમાં વિવેકબુદ્ધિથી નીરક્ષીર તારવી શકાય તેમ ન હોય તે સંજોગોમાં અમે વપરાશકારોને તેવા દાવાઓના તમામ પાસાથી માહિતગાર કરીએ છીએ અને નિષ્ણાતો તેમજ અટકળકારોના ટ્રેકરેકોર્ડ્સને હાઈલાઈટ કરીએ છીએ.
લોજિકલીનું ખાનગી લોન્ચિંગ તેના પાર્ટનર્સ અને મિત્રો માટે ૧૬ જુલાઈએ કરાશે. આ પછી, યુનિવર્સિટી સિઝન અને યુએસ મિડ ટર્મ્સના આરંભકાળે તેનું જાહેર લોન્ચિંગ કરવામાં આવનાર છે. લોજિકલીના ભાવિ આયોજન વિશેના પ્રશ્નનો ઉત્તર આપતા લીરિકે જણાવ્યું હતું કે અમારા વપરાશકારો પાસેથી પ્રોડક્ટ અને ટેકનોલોજી વિશે ફીડબેક મેળવાશે અને ઘણી એપ્લિકેશન્સ માટે યોગ્ય બિઝનેસ પાર્ટનર્સ શોધવામાં આવશે. સરકાર, મીડિયા, એડટેક અને ફિન્ટેકમાં લોજિકલી અને તેની મુખ્ય ટેકનોલોજી ઉપયોગી છે.’

