ફિલ્મ રિવ્યુઃ સંજુ

Wednesday 04th July 2018 06:58 EDT
 
 

ફિલ્મમેકર રાજકુમાર હિરાણીની ફિલ્મ ‘સંજુ’માં રણબીર કપૂર સંજય દત્તની અદ્દલ કોપી લાગે છે. એ ચર્ચા પરથી જ ‘સંજુ’ ફિલ્મ બની ત્યારથી બોલિવૂડમાં ઘણી ગાજતી આવી. મેથડ એક્ટર તરીકે બોલિવૂડમાં વખણાયેલા રણબીર સંજુના જીવનના દરેકેદરેક પાસાં પ્રમાણેના લુકને સાંગોપાંગ ઉતારીને રિઅલ લાઈફમાં કોઈ ઈવેન્ટમાં પણ એ લુકમાં જ જોવા મળ્યો એટલી આ કેરેક્ટર પાછળ તેણે મહેનત કરી છે. તેથી જ ફિલ્મ રિલીઝ પહેલાં અને ટીઝર લોન્ચ પછી તેના સંજુ લુકની પ્રશંસા અને ચર્ચા ખાસ્સી એવી થતી આવી હતી.

વાર્તા રે વાર્તા

સંજુની વાર્તા તો સામાન્ય રીતે દરેક બોલિવૂડ ફેનને ખબર જ હશે. સુનીલ દત્ત અને નરગીસ દત્તના દીકરા સંજય દત્તના જીવન પરથી બનેલી આ બાયોપિકમાં સંજય દત્તની યુવાનીથી લઈને હાલ સુધીના જીવનના દરેક પાસાં અને તબક્કાને આવરી લેવાયા છે. સંજય દત્ત ડ્રગ્સના રવાડે ચડ્યો, માતા નરગિસને ગુમાવી, ફિલ્મોમાં પ્રવેશ, પ્રથમ પત્નીથી સંતાન અને પ્રથમ પત્નીનું મૃત્યુ, ગેરકાનૂની કામ કરતાં બોમ્બ બ્લાસ્ટમાં સંડોવણીમાં જેલ, જીવનમાં અનેક સ્ત્રીઓ સાથે સંબંધ પછી માન્યતા સાથે લગ્નથી બે બાળકોનો પિતા બન્યો અને પિતા સુનીલ દત્ત સાથેના લાગણીસભર સંબંધો. આ દરેક પાસાંને ફિલ્મમાં ખૂબ જ સુંદર રીતે વણી લેવાયા છે. વત્તા રાજકુમાર હિરાણએ સંજુબાબાની આત્મગાથા પરદે દર્શાવવા સિનેમટિક છૂટછાટ લઇને ફિલ્મને વધુ મનોરંજક પણ બનાવી છે, પણ સંજુની જીવનના તબક્કા કે પાસાં સાથે છેડછાડ કરી નથી.

લાગણીસભર દૃશ્યો

ફિલ્મમાં સંજુ અને સુનીલ દત્ત વચ્ચેના કેટલાક લાગણીસભર સીન ખૂબ જ સુંદર રીતે ભજવાયા છે. ફિલ્મમાં કેટલીક હ્યુમર સિક્વન્સ પણ એટલી જ સરસ છે.

કર્ણપ્રિય સંગીત

ફિલ્મમાં સંજય દત્તની કેટલીક ફિલ્મોની ધૂનો તાજી થશે. જોકે તેને નવા અંદાઝમાં ઢાળવામાં આવી છે. એ આર રહેમાન, રોહન, વિક્રમ મોનત્રોસે ફિલ્મમાં મ્યુઝિક આપ્યું છે.


comments powered by Disqus