આરોગ્ય સંબંધિત તબીબી અભ્યાસમાં નિષ્ણાત ગણાતા ડો. મિશેલ મોસ્લેેએ આહારની અસર ઉપર વિશદ્ સંશોધન કર્યું છે. તેમણે આહારની જીવન પર પડતી અસર અંગે અભ્યાસ કરીને ૫:૨નો માર્ગ અપનાવવા માટે ભલામણ કરી છે.
તેમણે સૂચવેલી આ આહારપદ્ધતિથી યુવાન રહેવાય છે અને લાંબુ જીવી શકાય છે. આ ડાયટપ્લાન હૃદયરોગ, ચિત્તભ્રમ, ડાયાબિટીસ અને સાંધાના દુઃખાવામાં પણ દવા વિના રાહત આપે છે! હાલમાં જ બેસ્ટ સેલર બનેલાં પોતાનાં પુસ્તક ધ ક્લેવર ગટ્સ ડાયટમાં ડો. મોસ્લેએ યોગર્ટ જેવી આથાવાળી ચીજો કઈ રીતે ખાઈ શકાય એનાં સૂચનો કર્યાં છે. આ પ્રકારના આહારમાં રહેલા મિત્ર બેક્ટેરિયા તમારી પાચનક્રિયાને સુધારે છે અને સાથે વજન ઘટાડવા તેમજ રોગપ્રતિકારક શક્તિને પ્રબળ બનાવવામાં સહાયક થાય છે.
પોતાના નવા ડાયટ પ્લાનમાં ડો. મોસ્લે તમને કઈ રીતે લાંબં જીવી શકાય અને કઈ રીતે યુવા રહેવાય એ અંગે ટિપ્સ આપે છે. સાથે સાથે ચામડીનું સ્વાસ્થ્ય સારું રાખવું, કરચલીઓ દૂર કરવી અને તમારી સેક્સલાઇફ કઈ રીતે પુનર્જીવિત કરવી એ અંગે પણ જણાવે છે.
તેમના આ નવા ડાયટ પ્લાનનો આધાર ૫:૨ છે. ડો. મોસ્લેનું કહેવું છે કે જો વ્યક્તિએ સ્વાસ્થ્યને સદાબહાર જાળવવું હોય, નિરામય જીવન જીવવું હોય તો અઠવાડિયામાં પાંચ દિવસ ભોજનમાં સાદો, પણ પૌષ્ટિક આહાર લેવો જોઇએ અને બાકીના બે દિવસ ડાયેટિંગ કરવું જોઇએ. ડો. મોસ્લે કહે છે કે આપણામાંનાં મોટા ભાગનાં લોકો આઠ દસકાનું આયુષ્ય તો ઇચ્છતા હોય છે, પરંતુ મોટાભાગનાં આટલું લાંબુ આયુષ્ય ભોગવી શકતાં નથી.
હું પોતે પણ ૮૦ વર્ષ જીવવા માગું છું, પરંતુ યાદ રહે કે મારા પરિવારમાં કોઈ પણ પુરુષ ૭૪ વર્ષથી વધુ જીવ્યું નથી. હું આ વિક્રમ તોડવા ઇચ્છું છું, પરંતુ ખરેખર તો હું લાંબું જીવવાની સાથે સાથે યુવા પણ રહેવા માગું છું અને આ માટે ૫ઃ૨નો આ ડાયટ પ્લાન મહત્ત્વનો છે. તેઓ કહે છે કે આખરે તો વ્યક્તિની ઉંમરને તેની ભોજનશૈલી જ સૌથી વધુ અસર કરતી હોય છે. આથી દરેકે સાદો, પરંતુ પૌષ્ટિક આહાર જ ભોજનમાં લેવો જોઇએ.

