સ્વામીનારાયણ મંદિર, કિંગ્સબરીના સ્ટેમ સેલ ડોનર કેમ્પમાં ૨૫૦ લોકોએ નોંધણી કરાવી

Wednesday 04th July 2018 08:20 EDT
 
 

સ્ટેમ સેલ ડોનરની નોંધણીમાં શ્રી સ્વામીનારાયણ મંદિર, કિંગ્સબરીએ વિરલ સિદ્ધિ મેળવી હતી. આચાર્ય સ્વામી શ્રી મહારાજના ૭૬મા અવતરણ દિનની ઉજવણી પ્રસંગે ગઈ ૨૭ અને ૨૮ મેના યોજાયેલા સ્ટેમ સેલ ડોનર રજિસ્ટ્રેશન કેમ્પમાં DKMSચેરિટી સાથે નવા ૨૫૦ ડોનરની નોંધણી થઈ હતી.

DKMS આંતરરાષ્ટ્રીય નોન-પ્રોફિટ સંસ્થા છે. બ્લડ કેન્સરની સારવારમાં જે દર્દીને સ્ટેમ સેલની તાતી જરૂરિયાત હોય તેવા સંજોગોમાં સ્ટેમ સેલ ડોનરોની જરૂરિયાત અંગે લોકજાગૃતિ કેળવવાની દિશામાં તે કાર્ય કરે છે. યુકેમાં દર ૨૦ મિનિટે કોઈક વ્યક્તિને લ્યુકેમિયા, લિમ્ફોમિયા અથવા માયલોમા જેવું બ્લડ કેન્સર હોવાનું નિદાન થાય છે.

પાંચ વર્ષની કૈયા પટેલની હૃદયદ્રાવક વાત મંદિર કોમ્યુનિટી સુધી પહોંચી હતી. તેને સ્ટેમ સેલ ડોનરની જરૂર હતી. તેથી અમે મંદિર તરીકે તેને તથા તેના જેવા અન્ય દર્દીઓને મદદ કરવાનો નિર્ણય કર્યો. ૨૫૦થી વધુ લોકોએ સ્વેબ આપી હતી. મંદિરના વોલન્ટિયર્સે લોકોને પ્રક્રિયાનું માર્ગદર્શન આપ્યું હતું અને DKMSના કર્મચારીઓએ નોંધણી કરાવતા લોકોએ પૂછેલા પ્રશ્રોનું નિવારણ કર્યું હતું.


comments powered by Disqus