૮ કલાકની ઊંઘ તંદુરસ્તી માટે સારી છેઃ અભ્યાસ

Wednesday 04th July 2018 06:48 EDT
 
 

રાતે દસ કલાકથી વધુ કે છ કલાકથી ઓછી ઊંઘ સમય કરતાં વહેલાં મૃત્યુનું જોખમ વધારી દે છે, તેનો અર્થ એ થાય કે આઠ કલાકની ઊંઘ તંદુરસ્તી માટે સારી કહી શકાય. એક અભ્યાસમાં ધ્યાને આવ્યું છે કે જે મહિલા દસ કલાક કરતાં વધુ ઊંઘતી હોય છે તેમના કિસ્સામાં તેમનું તંદુરસ્તીનું ધોરણ સમય પહેલાં મૃત્યુ થાય તે હદે કથળી શકે છે. આવા કિસ્સામાં સમય પહેલાં મૃત્યુની સંભાવના ૪૦ ટકા વધી જતી હોય છે. તેમના કિસ્સામાં વજન વધી જતું હોય છે, લોહીનું દબાણ વધી જતું હોય છે કે પછી ખાંડ કે ચરબીનું પ્રમાણ વધી જતું હોય છે. આ તમામ વ્યાધિ સમય પહેલાં મૃત્યુની સંભાવના વધારી દે છે. ભૂતકાળમાં થયેલા સંશોધનમાં પુરવાર થયું છે કે ઓછી કે વધુ પડતી ઊંઘ શરીરમાં મેટાબોલિઝમ સંબંધી સમસ્યા વધારે છે.
સિઉલ નેશનલ યુનિવર્સિટીના સંશોધકોએ ૪૦થી ૬૯ વર્ષ વચ્ચેની ઉંમરની ૧,૩૩,૬૦૮ વ્યક્તિની જીવનશૈલીની સમીક્ષા કરીને આ તારણો કાઢયા છે. સર્વેમાં ભાગ લેનારાને તેઓ વીતેલાં વર્ષમાં રાત્રે સરેરાશ કેટલા કલાક ઊંઘતા હતા, દિવસ દરમિયાન કેટલું ઊંઘતાં હતાં વગેરે પૂછ્યું હતું. તેમનાં લોહી, ડીએનએના નમૂના લેવાયા હતા. સર્વેક્ષણમાં ભાગ લેનારની કમર મોટી હોય, ખાંડનું ઊંચું પ્રમાણ, લોહીનું ઊંચું દબાણ કે કોલેસ્ટરોલનું પ્રમાણ ઊંચું હોય તો તેમના કિસ્સામાં મેટાબોલિકલ સિન્ડ્રોમથી તેઓ પીડાઈ રહ્યાં હશે તેવી ધારણા કરાઇ હતી.
અગાઉ ૨૦૧૭માં થયેલા સર્વેમાં કેટલાંક સંશોધકોએ એવું તારણ કાઢ્યું હતું કે રાત્રે સાત કે સાડા સાત કલાકથી વધુ ઊંઘવાથી ફેફસાંના કેન્સર કે ડિમેન્શિયા જેવા રોગોને નિમંત્રણ આપે છે, તે પછી આ નવું સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.


comments powered by Disqus