રેસિડેન્શિયલ કેર હોમ્સની નિયમિત મુલાકાત લઈને સમાજના વડીલ સભ્યોના સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે સતત કાર્યરત રહેવા માટે BAPSનીસડન ટેમ્પલે લંડન ફેઈથ એન્ડ કોમ્યુનિટી એવોર્ડ જીત્યો હતો. આ એવોર્ડ સમારોહનું આયોજન વિવિધ ધર્મ અને માન્યતા ધરાવતા લોકો વચ્ચે સારા સંબંધ સ્થાપવાનું કાર્ય કરતી ફેઈથ એન્ડ બિલિફ ફોરમ દ્વારા થયું હતું. લંડનને તમામ ધર્મ અને માન્યતાવાળા લોકો માટે આવકારદાયક સ્થળ બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપતી સંસ્થાઓને બીરદાવવામાં આવે છે.
લંડનમાં ૨૭ નવેમ્બરે યોજાયેલા એવોર્ડ સમારોહમાં નીસડન મંદિરના વોલન્ટિયર્સને ગ્રેટર લંડનના લોર્ડ લેફ્ટનન્ટ સર કેનેથ ઓલિસા MBEના હસ્તે ‘હેલ્થ એન્ડ વેલબીઈંગ’ કેટેગરીમાં આ એવોર્ડ અપાયો હતો.
મંદિરના અગ્રણી ઈન્ટરફેઈથ વોલન્ટિયર કિરીટ વાડિયાએ જણાવ્યું હતું,‘ અમે ખૂબ આદરની લાગણી અનુભવીએ છીએ. નીસડન ટેમ્પલના સર્જક પૂ. પ્રમુખ સ્વામી મહારાજ શીખવતા કે અન્યોની ખુશીમાં જ આપણી ખુશી છે.’
ઈન્ટરફેથ ઈવેન્ટ્સ મંદિરની પ્રવૃત્તિઓનો એક ભાગ છે. તાજેતરમાં મંદિર ખાતે ઈન્ટરફેથ આર્મીસ્ટીસ ડે રિમેમ્બ્રન્સ સેરિમની યોજાઈ હતી. જેમાં વિવિધ ધર્મના આગેવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

