અમદાવાદ ખાતેના નવા નીમાયેલા ડેપ્યુટી બ્રિટિશ હાઈ કમિશનર પીટર કૂકના સન્માનમાં ૨૭ નવેમ્બરે શ્રી સ્વામીનારાયણ મંદિર ભૂજ દ્વારા અન્ય ૧૧ સ્વામીનારાયણ મંદિરો સાથે શ્રી કચ્છ સ્વામીનારાયણ મંદિર કેન્ટન હેરો ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આગામી જાન્યુઆરીમાં હોદ્દો છોડી રહેલા અમદાવાદ ખાતેના હાલના ડેપ્યુટી હાઈ કમિશનર જ્યોફ વેને વિવિધ મંદિરોના પ્રતિનિધિઓને પીટર કૂકનો વિધિવત પરીચય કરાવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ભૂજ સ્વામીનારાયણ મંદિરના મહંત સ્વામી પૂ. ધર્માનંદાનંદાસજી વતી શ્રી સ્વામીનારાયણ મંદિર ભૂજ દ્વારા કરાયું હતું.
આ પ્રસંગે શ્રી સ્વામીનારાયણ મંદિર ઓલ્ડહામ, શ્રી સ્વામીનારાયણ મંદિર વિલ્સડન, શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિર કેન્ટન લંડન, શ્રી સ્વામીનારાયણ મંદિર – સ્ટેનમોર, શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ ટેમ્પલ – વુલીચ, શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ ટેમ્પલ ઈસ્ટ લંડન, શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ કાર્ડિફ, શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ બોલ્ટન, ઈન્ટરનેશનલ સ્વામીનારાયણ સત્સંગ ઓર્ગેનાઈઝેશન્સ (ક્રોલી), ઈન્ટરનેશનલ સ્વામીનારાયણ સત્સંગ ઓર્ગેનાઈઝેશન્સ (લેસ્ટર), ઈન્ટરનેશનલ સ્વામીનારાયણ સત્સંગ ઓર્ગેનાઈઝેશન (સ્ટ્રેધામ) અને ઈન્ટરનેશનલ સ્વામીનારાયણ સત્સંગ ઓર્ગેનાઈઝેશન્સ (બ્રાઈટન)ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિદાય લઈ રહેલા ડેપ્યુટી હાઈ કમિશનર જ્યોફ વેને છેલ્લાં થોડાં વર્ષમાં યુકેના મંદિરો અને કચ્છી સમાજને કરેલી સહાય બદલ વ્યક્તિગત રીતે તેમનો આભાર માનવા અને નવા ડેપ્યુટી હાઈ કમિશનર પીટર કૂકને સ્વામીનારાયણ સંપ્રદાયથી વિધિવત પરિચિત કરાવવાની સમાજ માટે આ તક હતી.
જેઠાભાઈ સવાણીએ જણાવ્યું હતું કે જ્યોફ વેને હકારાત્મક છાપ ઉભી કરી હતી. તેમણે સ્વામીનારાયણ મંદિર માટે જે કર્યું છે તેને માટે તેમનો આભાર માનીએ છીએ.
અન્ય વક્તાઓએ પણ છેલ્લાં ચાર વર્ષમાં જ્યોફ વેને ગુજરાતી સમાજને આપેલી સેવાની પ્રશંસા કરી હતી અને અમદાવાદ ખાતેના નવા ડેપ્યુટી હાઈ કમિશનર પીટર કૂક સાથે પણ તેવા જ હકારાત્મક સંબંધ અને સંવાદ જળવાઈ રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.
પીટર કૂકે જણાવ્યું હતું, ‘હું જાન્યુઆરી ૨૦૧૯માં સત્તાવાર રીતે મારો હોદ્દો સંભાળીશ. મને ભૂજ સ્વામીનારાયણ મંદિરની મુલાકાત માટે આમંત્રણ મળ્યું છે.’ તેમણે ઉમેર્યું હતું કે હોદ્દો સંભાળ્યા પછી શક્ય તેટલા વહેલા ભૂજ મંદિરની મુલાકાત લેવાની તેમની ઈચ્છા છે. ભૂજ મંદિરના મહંત સ્વામી અને અન્ય સ્વામીઓને મળવા માટે ઉત્સુક છે.
પીટર કૂક અને જ્યોફ વેને આ કાર્યક્રમના આયોજન બદલ શ્રી સ્વામીનારાયણ મંદિર ભૂજનો આભાર માન્યો હતો. તેમણે વિશેષ આતિથ્યભાવ દર્શાવવા બદલ અને સમારંભ માટે સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરવા માટે શ્રી કચ્છ સ્વામીનારાયણ મંદિર કેન્ટન હેરોની પ્રશંસા કરી હતી.

