અમારે પણ કંઈક કહેવું છે

• ધાર્મિક સમભાવનાનું ઉત્તમ ઉદાહરણ

Thursday 29th November 2018 06:12 EST
 

ઢાકામાં હિંદુઓની લઘુમતિ હોવા છતાં બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ દશેરા જેવા પવિત્ર ઉત્સવ વખતે દુર્ગા મંદિરને જમીનની ભેટ આપી હતી. તેમણે હિંદુ અને મુસલમાન વચ્ચે મિત્રતાનો સેતુ બાંધીને માનવતાનું ખરું મૂલ્યાંકન કર્યું છે.

ભારતમાં અયોધ્યામાં બાબરી મસ્જિદ અને રામ મંદિરના મુદ્દે ઝગડાનો અંત આવતો નથી. રાજકીય પરિબળો, મતો મેળવવા, જનતાની સહાનુભૂતિ મેળવવા વેરઝેરની આગ સતત ચાલુ રહે તેવા પ્રયત્નો કરે છે.

બન્ને ધર્મના વડા અને પ્રજાની સમજાવટ પછી વિવાદિત સ્થળ પર રાષ્ટ્રીય સ્મારકની રચના કરવી જોઈએ. આવા સ્મારકમાં સમાજને યોગદાન આપનારા સંતો, ગુરુઓની પ્રતિમા અને તેમણે કરેલા કાર્યોની નોંધ સાથે તેમને સ્થાન આપવું જોઈએ.

અયોધ્યામાં વસતા મુસલમાનો રાજવંશના છે. મોગલ શાસન દરમિયાન તેમણે સ્વરક્ષા માટે ધર્મ બદલી નાંખ્યો હોવાનું કહેવાય છે.

- પ્રમોદ મહેતા ‘શબનમ’સડબરી

• ભારતની સંસદ બની સમરાંગણ

‘ગુજરાત સમાચાર’નો તા.૨૪.૧૧.૧૮નો અંક મળ્યો. વાંચીને ઘણો આનંદ અને ગર્વ થયું.સાથે સાથે ચિંતા અને દુઃખ પણ થયું. આનંદ એ વાતનો કે સરદાર પટેલે રજવાડાઓને એકતાના બંધનથી બાંધ્યા અને મોદી સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું. આ પ્રતિમા ભારતીયોને એકતા જાળવવા પ્રેરણા આપશે.

બીજી બાજુ આ જ અંકના પાન.૧૮ પર ‘આપણી સંસદ યુદ્ધ ભૂમિ બની ગઈ છે’ તેમ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું તે સમાચાર વાંચ્યા. એક ટીવી ચેનલમાં પણ જોયું કે એક નેતાએ વડા પ્રધાનના માતુશ્રીની ભારતના નબળા પડતા રૂપિયાની સાથે સરખામણી કરી હતી. શરમની વાત છે કે તેમના માતુશ્રીને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. તે નેતાએ તેમની બદનામી કરી તે જ બતાવે છે કે તેમની વિચારસરણી કેટલી નબળી છે. આવા કૃત્યોનો વિરોધ કરવો જોઈએ તેવી દરેક એનઆરઆઈને મારી નમ્ર વિનંતી છે, કારણ કે તમારું ભવિષ્ય પરદેશમાં પણ ભારત સાથે સંકળાયેલું છે.

- રજનીકાંત એમ પટેલહેરોગેટ

• અંધશ્રદ્ધાની પરાકાષ્ટા

તા ૨૯.૧૦.૧૮ ના ‘ગુજરાત સમાચાર’માં રૂપાલની પલ્લી પર રૂપિયા ૨૧ કરોડના સાડા ચાર લાખ શુદ્ધ કિલો ઘીનો અભિષેક કર્યાના સમાચાર વાંચીને ખૂશી અને દુઃખ બન્નેનો અનુભવ થયો. ૧૦ લાખથી પણ વધુ ભક્તો નોમની રાત્રે પલ્લીના દર્શનાથે ઉમટી પડ્યા હતા. અલૌકિક પલ્લી પર ભક્તો બાધા, માનતા અને શ્રદ્ધાથી ઘીનો અભિષેક કરે છે. ભક્તોની આસ્થા માટે ખૂશી થાય છે અને દુઃખ એટલા માટે કે ભક્તોની આસ્થા અસ્થાને છે. માત્ર પા ચમચી જેટલા ઘીનો અભિષેક થાય અને બાકીનું ઘી જરૂરતમંદ ગરીબ લોકોમાં વહેંચવામાં આવે તો માતાજીની પ્રસન્નતામાં કોઈ અવરોધ ઉભો ન થાય અને ભક્તો ઉપર તેમની અપાર કૃપા રહે એવું મારું નમ્રપણે માનવું છે. આજના ગુરુઓ પણ આ બાબતે મારી સાથે સહમત હશે એવો મને વિશ્વાસ છે. ભારતમાં મોટાભાગના લોકો કારમી ગરીબીથી પીડાઈ રહ્યા છે. તેમની પીડા દૂર કરવી એ જ ધર્મ છે.

- નિરંજન વસંતઇમેઇલ દ્વારા


comments powered by Disqus