ગુજરાત હિન્દુ સોસાયટી પ્રેસ્ટન ખાતે દીપોત્સવ અને તુલસી વિવાહની ધામધૂમપૂર્વક ઉજવણી

Wednesday 05th December 2018 06:03 EST
 
 

ગુજરાત હિન્દુ સોસાયટી પ્રેસ્ટન ખાતે દીપોત્સવ, નૂતન વર્ષ અને તુલસી વિવાહની શ્રદ્ધા અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તા.૩.૧૧.૧૮ને શનિવારે બપોરે ૩થી સાંજે ૭ વાગ્યા સુધી દિવાળી પાર્ટીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોની સંખ્યા ૧૩૦ સુધી પહોંચી ગઈ હતી. સંસ્થાના કાર્યકર્તાઓ, સ્વયંસેવકો તેમજ વાલીઓએ સહકાર આપી આ પાર્ટી ઘણી જ યાદગાર બનાવી હતી. સંસ્થા દ્વારા સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

તા.૪.૧૧.૧૮ને રવિવારે બપોરે ૩ વાગે બાળકો માટે રંગોળી હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ ગ્રૂપ બનાવવામાં આવ્યા હતા. ગ્રૂપ ૧માં ૪થી ૯ વર્ષના બાળકોની સ્પર્ધામાં ૧૮ બાળકોએ ભાગ લીધો હતો. તેમાં ખુશી પારેખ પ્રથમ ક્રમે અને સીયન્ના પરમાર બીજા ક્રમે વિજેતા બન્યા હતા. ગ્રૂપ ૨માં ૮થી ૧૧ વર્ષના બાળકોની સ્પર્ધામાં ૧૯ બાળકોમાંથી રીયા પરમાર પ્રથમ ક્રમે અને રુબી બીજા ક્રમે વિજેતા બન્યા હતા. જ્યારે ગ્રૂપ ૩ માં ૧૨થી ૧૫ વર્ષના બાળકોની સ્પર્ધામાં ૯ જણાએ ભાગ લીધો હતો. તેમાં પ્રથમ ક્રમે શૈલી ગોડકે અને બીજા ક્રમે વ્રજ ગાંધી વિજેતા રહ્યા હતા. સંસ્થા દ્વારા દરેક વિજેતાને ટ્રોફી અપાઈ હતી. દરેક નિરીક્ષકનો સ્વીટ આપીને આભાર વ્યક્ત કરાયો હતો.

તા.૮.૧૧.૧૮ને ગુરુવારે વિક્રમ સંવત ૨૦૭૫નું વર્ષ શરૂ થયું. આ પ્રસંગે મંદિરમાં સવારે ૮ વાગે મોટી સંખ્યામાં હરિભક્તોએ હાજર રહીને ભગવાનના નવા વર્ષના દર્શન કરી આશીર્વાદ મેળવી આરતીમાં ભાગ લીધો હતો. સંસ્થાના પ્રમુખશ્રીએ નવા વર્ષના અભિનંદન પાઠવ્યા બાદ સંસ્થાના મંદિરના પૂજારી હસમુખભાઈ પાઠકે વેદોકત આશીર્વાદ આપ્યા હતા. તારાબેન, ભાનુબેન તેમજ બીજા બહેનોએ દિવાળીના દિવસે અને અન્નકૂટના દિવસે સવારે અન્નકૂટની સામગ્રીને વ્યવસ્થિત ગોઠવી હતી. સાંજે ૬ વાગે અન્નકૂટ વિસર્જન આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ અન્નકૂટની પ્રસાદી લઈ લેવામાં આવી હતી. ૩૦૦થી વધુ હરિભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

તા.૧૮.૧૧.૧૮ને રવિવારે તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ઘણી જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ભગવાન શ્રી સાલિગ્રામ વિષ્ણુ પક્ષે શ્રી કમલકાન્ત ધનસુખભાઈ પારેખ અને પરિવારના સભ્યો હતા. માતા તુલસી વૃંદા પક્ષે વિજયભાઈ ગોવિંદભાઈ ચૌહાણ અને પરિવારના સભ્યો હતા. ભગવાનના આ લગ્ન પ્રસંગે ઘમાં હરિભક્તો પધારી અવસર દીપાવીને ભગવાન અને માતાજીના આશીર્વાદ મેળવી કૃતાર્થ થયા હતા.


comments powered by Disqus