પર્સનલ ટ્રેનરને પજવવા બદલ વેમ્બલીની બિન્તી પટેલને જેલ

Friday 30th November 2018 06:58 EST
 
 

લંડનઃ વેમ્બલીની ૩૪ વર્ષીય બિન્તી પટેલે તેના પર્સનલ ટ્રેનરની ખૂબ પજવણી કરતાં તેને જીમ જવા પર પ્રતિબંધ મૂકાયો હતો અને આખો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. હેરો ક્રાઉન કોર્ટે તેને ૧૧ મહિનાની બે વર્ષ માટે સસ્પેન્ડેડ જેલની સજા ફરમાવી હતી. તેને છ દિવસની રિહેબિલિટેશન એક્ટિવિટી તેમજ પીડિતને વિકિટીમ સરચાર્જ તરીકે ૧૪૦ પાઉન્ડ ચૂકવવાના આદેશની સાથે બીજી સૂચના ન અપાય ત્યાં સુધીનો રિસ્ટ્રેઈનિંગ ઓર્ડર થયો હતો.

બિન્તી પટેલ પીડિતના ઘરની બહાર અને તેના બાળકો જે સ્કૂલે જતા હતા એ સ્કૂલની બહાર પહોંચી જતી હતી. તે પીડિત ટ્રેનરને ચોકલેટ્સ અને ફૂલો મોકલતી હતી અને તેને સેંકડો ઈમેલ, ટેક્સ્ટ મેસેજિસ અને પત્રો મોકલ્યા હતા.

તે જ્યારે વેમ્બલીમાં જીમ ગ્રૂપમાં ટ્રેનર તરીકે કામ કરતો હતો ત્યારે તેને મળી હતી. તેણે પીડિત પાસેથી પર્સનલ ટ્રેનિંગ લેવા ફી ચૂકવી હતી. તે દરમિયાન મોબાઈલ નંબર અને સંપર્ક માટે અન્ય વિગતો મેળવી હતી.

એક વખત બિન્તી પટેલે તે તેનો ફિયાન્સ હોય તેવું ખોટું ઉપજાવી કાઢ્યું હતું અને પીડિતને પત્ર મોકલીને પોતાની સામે કરેલા પજવણીના ‘ખોટા આક્ષેપો’ પાછા ખેંચી લેવા જણાવ્યું હતું. તેણે પીડિતને ધમકી આપી હતી કે તે આક્ષેપો પાછા નહીં ખેંચે તો પોતે સિટીઝન એડવાઈસ બ્યૂરોમાં જશે

બિન્તીને અગાઉ પણ માર્ચ ૨૦૧૮થી જૂન ૨૦૧૮ દરમિયાન પજવણીના એક કાઉન્ટ માટે દોષી ઠેરવવામાં આવી હતી.


comments powered by Disqus