લંડનઃ ભારતના નવા નિયુક્ત થયેલા હાઈ કમિશનર શ્રીમતી રુચિ ઘનશ્યામે ૨૭મી નવેમ્બરે લંડનના ચેથામ હાઉસ ખાતે કરેલા પોતાના પ્રથમ જાહેર સંબોધનમાં બ્રેક્ઝિટ પછી યુકે અને ભારત વચ્ચેના મહત્ત્વના સંબંધો પર વિશેષ ધ્યાન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને તે ભવિષ્યમાં ટોચની ત્રણ આર્થિક મહાસત્તામાંથી એક બનવાની દિશામાં અગ્રેસર છે. તે ઉપરાંત ભારતને વધુ મૈત્રીપૂર્ણ બનાવવા પર અને બિઝનેસ અને મૂડીરોકાણ માટેનું યોગ્ય સ્થળ બનાવવા માટે ધ્યાન અપાઈ રહ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે વડા પ્રધાન થેરેસા મે ગ્લોબલ બ્રિટનની વાત કરે છે તેવી રીતે ગ્લોબલ ઈન્ડિયાની પણ વાતો થઈ રહી છે તે આપે જોયું હશે. મહાન ઈતિહાસ અને ભવ્ય વીરાસત ધરાવતા ભારતમાં વેપાર અને સંસ્કૃતિ, આધુનિકતા અને ઈતિહાસ બધું સાથે સાથે જોવા મળે છે. દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારી અને સંખ્યાબંધ ભૂરાજકીય અને વ્યૂહાત્મક મુદ્દા પર સંમતિ સધાઈ રહી છે અને છેલ્લાં થોડા વર્ષમાં તે વધુ મજબૂત બની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુકે મુલાકાત દરમિયાન બન્ને દેશો એ ૧૦ જેટલા કરાર અને સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. તે બન્ને દેશોની દ્વિપક્ષીય સહકાર વધારવાની સ્વાભાવિક અપેક્ષાનું ઉદાહરણ છે.
શ્રીમતી રુચિ ઘનશ્યામે જણાવ્યું હતું કે વ્યાપાર ક્ષેત્રે ભારત યુકેનો એક મુખ્ય ભાગીદાર દેશ છે અને વિદેશી મૂડીરોકાણની બાબતે યુકે ભારતમાં સૌથી મોટા રોકાણકારોમાં ચોથા સ્થાને છે. ભારતમાં આવતા કુલ વિદેશી મૂડીરોકાણમાં ૭ ટકા યુકેનું હોય છે. તેમણે ઉમેર્યું હતું કે આપણા સંબંધો વિશેષ અને વાસ્તવિક રીતે ઉંડા છે. યુકે-ભારત સંબંધની સૌથી મોટી તાકાત આપણો એકબીજા સાથેનો પરિચય છે. આપણે ઘણાં વર્ષોથી એકબીજાને જાણીએ છીએ.
બ્રેક્ઝિટના સંદર્ભમાં ભારત-યુકેના સંબંધ વિશે શ્રીમતી રુચિ ઘનશ્યામે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં કલ્પેલો આ એક સૌથી રસપ્રદ સમયગાળો બની રહેશે. જે પડકારો સાથેનો છે પરંતુ, તકો
પણ આપનારો છે.
તેમણે ઈન્ડિયન પ્રોફેશનલ ફોરમને જણાવ્યું હતું કે તેઓ આગામી અઠવાડિયા અને મહિનાઓમાં તેમની સાથે પરામર્શ કરવા માગે છે અને યુકે અને ભારત સાથે મળીને શું કરી શકે અને ઉપલબ્ધ તકોનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકે તેના વિશે તેમની પાસેથી જાણવા માગે છે.
ઈન્ડિયન પ્રોફેશનલ ફોરમ (IPF)ના પ્રેસિડેન્ટ મોહન કૌલે જણાવ્યું હતું કે યુકેમાં ભારતીય ડાયસ્પોરાની કામગીરીનું પ્રતિનિધિત્વ કરવાની સાથે નજીકમાં આવી રહેલા બ્રેક્ઝિટને લીધે IPFની રચના કરવાની જરૂર પડી છે. તેમણે ઉમેર્યું હતું કે બ્રેક્ઝિટ હોય કે ન હોય ભારત અને યુકેના સંબંધ મજબૂત ભાગીદારો તરીકેના જ રહેશે.
ત્યારબાદ નિષ્ણાતો દ્વારા યુકે-ભારત હેલ્થકેર સહયોગ વિશે પેનલ ડિસ્કશન યોજાયું હતું. પેનલમાં ઈન્ડો યુકે ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રૂપ ચીફ CEO ડો. અજય ગુપ્તા, વર્નાકેરના ભૂતપૂર્વ ગ્રૂપ માર્કેટિંગ ડિરેક્ટર અને યુકે ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ બોર્ડ મેમ્બર એમા શેલ્ડન (MBE), યુનિવર્સલ હેલ્થ કવરેજ ફોરમ, સેન્ટર ઓન ગ્લોબલ હેલ્થ સિક્યુરિટી રોબર્ટ યેટ્સ અને ચેથામ હાઉસના એશિયા - પેસેફિક પ્રોગ્રામ હેડ ડો. ચમ્પા પટેલનો સમાવેશ થતો હતો.
તેઓ એવા તારણ પર આવ્યા હતા કે યુકેનું એનએચએસ અને ભારતની હેલ્થકેર સંસ્થાઓ પારસ્પારિક લાભ માટે કામ કરી શકે તેવા ઘણાં ક્ષેત્ર છે. તેમાં ખાસ કરીને IUIH પ્રોગ્રામ પર ભાર મૂકાયો હતો.

