લંડનઃ ડચેસ ઓફ સસેક્સ મેગન (પ્રિન્સ હેરીના પત્ની)ની સહાયથી સંચાલિત કોમ્યુનિટી કિચન વેસ્ટ લંડનની એક મસ્જિદમાં આવેલું છે. નિષ્ણાતો માને છે કે આ મસ્જિદને આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓ સાથે સંબંધ છે.
એન્ટી એક્સ્ટ્રીમીઝમ થીંક ટેંક હેનરી જેક્સન સોસાયટી (HJS) દ્વારા કરાયેલી તપાસમાં તેણે મસ્જિદનો આઈએસઆઈએસ અને લેવન્ટ (Isil)ના જેહાદી જહોન તરીકે જાણીતા હત્યારા સહિત ૧૯ જેહાદીઓ સાથે સંપર્ક છે.
આ મસ્જિદનું સંચાલન કરતા ઈમામ સામેર દરવેશનું માનવું છે કે જે છોકરીઓ મ્યુઝિક સાંભળે છે તે કદાચ સ્ટ્રીપર પણ બની શકે છે. ઈસ્લામ ચેનલ પર વીકલી શો રજૂ કરતા ઈમામ દરવેશે દ્વિપત્નીત્વ (બીજી પત્ની કરવા) પ્રત્યે કોઈ વાંધો દર્શાવ્યો ન હતો. તે કહે કે રજસ્વલા સ્ત્રીએ કબરની મુલાકાત લેતી વેળાએ રોવું કે ઈબાદત કરવી જોઈએ નહીં. દરવેશની આ ટીકાથી પોતાને ફેમિનિસ્ટ ગણાવતી અને લૈંગિક સમાનતાની તરફેણ કરતી ડચેસને આઘાત લાગે તેવી શક્યતા છે.
ડચેસે તાજેતરમાં આ કિચનની મુલાકાત લીધી હતી. અલ મન્નાર ખાતેના આ કિચનમાં હબ પ્રોજેક્ટમાં સંકળાયેલી મહિલાઓમાંથી પ્રાપ્ત પ્રેરણાથી લખાયેલી રેસિપી બુકના વેચાણમાંથી આવેલા નાણાંથી સુધારાવધારા કરાયા હતા. ડચેસે લખેલી લાંબી પ્રસ્તાવના સાથેની આ બુકની અત્યાર સુધીમાં ૩૯,૦૦૦ કોપી વેચાઈ છે અને ૨૧૦,૦૦૦ પાઉન્ડની આવક થઈ છે.

