બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના વડા પૂ. મહંત સ્વામી હાલ રાજકોટ ખાતે વિચરણ કરી રહ્યા છે. અગાઉ બોચાસણમાં ૨૭મી નવેમ્બરે પ્રતીક શરદપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો હતો. શરદપૂર્ણિમા, પૂ, ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિવસ છે. તે નિમિત્તે તેમના જીવનપ્રસંગોને વર્ણવતા વિવિધ સંવાદો ભજવાયા હતા. ૨૮મીએ યુવા તાલીમ કેન્દ્ર દિન ઉજવાયો હતો. તેની ૧૮મી બેચના યુવાનોએ નૃત્ય, સંવાદ રજૂ કર્યા હતા અને પૂ. મહંત સ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા. તા.૨૯થી ૧ ડિસેમ્બર દરમિયાન પૂ. મહંત સ્વામીએ તેમના કક્ષમાં રહીને જ પૂજા કરી હતી. હરિભક્તોએ લાઈવ દર્શન દ્વારા તેનો લાભ લીધો હતો. ૨જીએ સવારે પૂ. મહંત સ્વામીએ પૂજા બાદ આશીર્વચન પાઠવતા હરિભક્તોને કહ્યું હતું, ‘નિયમમાં હોય તે દૂર હોય તો પણ પાસે અને નિયમ ન પાળે તો તે ખોળામાં હોય તો પણ દૂર ગણાય.’
ત્યારબાદ તેઓ બોચાસણથી રાજકોટ પહોંચ્યા હતા. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગત માટે મંદિર પરિસરને ચાકળા, ઉનના રંગબેરંગી તોરણો, ટ્રેડીશનલ ઝુમ્મર, ફ્લાવર પોટ તેમજ ફૂલોની રંગોળી અને ધજાઓથી અદભુત રીતે શણગારવામાં આવ્યું હતું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ બાળકોએ દીવડાઓથી ગુરુહરીને વધાવ્યા હતા. સ્વાગત સભામાં પૂ. આચાર્ય સ્વામી તેમજ પૂ.શ્રુતિપ્રકાશ સ્વામીએ પ્રેરક વ્યક્તવ્ય આપ્યા હતા. રાજકોટ ખાતે પૂ.મહંતસ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં માધાપર-મોરબી બાયપાસ રોડ ખાતે તા.૫ થી ૧૫ ડિસેમ્બર દરમિયાન ‘સ્વામિનારાયણ નગર’માં પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. તે દરમિયાન પૂ.મહંતસ્વામી સૌ હરિભક્તોને આશીર્વચનનો લાભ આપશે. ‘પ્રમુખસ્વામી મંડપમ’માં દરરોજ સાંજે ૭:૩૦ થી રાત્રે ૧૦:૩૦ દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા છે.

