લંડનઃ મર્ડર ટ્રાયલ જ્યૂરીએ લેસ્ટરના હિંકલી રોડ પર ૨૫ ફેબ્રુઆરીએ સાંજે થયેલા પ્રચંડ વિસ્ફોટના સીસીટીવી ફૂટેજ જોયા હતા. આ ઘટનામાં પાંચ લોકોનું મૃત્યુ થયું હતું. લેસ્ટર ક્રાઉન કોર્ટમાં ટ્રાયલ દરમિયાન કોવેન્ટ્રીના ૩૩ વર્ષીય હોકર હસન સહિત ત્રણેય લોકોએ હત્યા અથવા માનવવધમાં સામેલ હોવાનો ઈન્કાર કર્યો હતો.
જ્યૂરીએ લેસ્ટર સિટી કાઉન્સિલ સીસીટીવીના હિંકલી રોડના દ્રશ્યો જોયા હતા. જેમાં વિસ્ફોટને લીધે ઝાબકા સુપરમાર્કેટ અને બે માળના ફ્લેટ અચાનક જમીનદોસ્ત થયા તે અને સમગ્ર વિસ્તાર ધૂળ અને ધૂમાડાથી છવાઈ ગયો તેના દ્રશ્યો હતા.
૩૪ વર્ષીય શોપકિપર અરમ કુર્દ, ૩૭ વર્ષીય અક્રન અલી અને હસને હત્યા અને માનવવધના પાંચ કાઉન્ટનો ઈન્કાર કર્યો હતો.
જ્યૂરીને વિસ્ફોટના આગળના દિવસે આ ત્રણે ક્યાં ગયા હતા તેના ફૂટેજ દર્શાવાયા હતા. હસને ૨૬ લીટર પેટ્રોલ ખરીદ્યું હતું. તેણે તેનો ઉપયોગ શોપની નીચેના બેઝમેન્ટમાં આગ લગાડવા કર્યો હોવાનું મનાય છે.
કુર્દ, અલી અને હસને ત્રણે આરોપીઓએ વિક્ટોરીજા જેવેલ્વા સાથે શોપમાં ઈરાદાપૂર્વક આગ લગાવવાનું કાવતરું ઘડીને ઈન્સ્યુરન્સની છેતરપિંડીનો ઈન્કાર કર્યો હતો. આ ક્લેમ લગભગ ૩૦૦,૦૦૦ પાઉન્ડ સુધીનો થયો હોત.
આ ઘટનામાં ફ્લેટમાં રહેતા શેન (૧૮) અને સીન (૧૬) તેમજ તેમની માતા ૪૬ વર્ષીય મેરી રઘુબીર, શેનની ગર્લફ્રેન્ડ લીહ બેથ રીક (૧૮) અને સ્ટોરમાં પહેલી જ ટ્રાયલ શીફ્ટમાં આવેલી ૨૨ વર્ષીય વિક્ટોરીજા જેવેલ્વાનું મૃત્યુ થયું હતું.

