લંડનઃ વેસ્ટ લંડનમાં રહેતા સાત વર્ષના જેસ હિન્ડમેને પિતાના મૃત્યુના ચાર વર્ષ બાદ સ્વર્ગના સરનામે પિતાને બર્થ ડે કાર્ડ મોકલ્યું. તેને તો સહેજ પણ આશા ન હતી કે તેનું કાર્ડ ત્યાં પહોંચશે. જોકે, તેના આશ્ચર્ય વચ્ચે રોયલ મેલે બર્થ ડે કાર્ડ તેના સ્થાને પહોંચી ગયું હોવાનું કન્ફર્મેશન આપ્યું હતું. જેસ અને તેના બે ભાઈબહેન તેમના પિતા જેમ્સની વર્ષગાંઠ દર વર્ષે ઉજવે છે. આ વર્ષે જેસે કાર્ડ મોકલ્યું અને પોસ્ટમેનને સંબોધીને સૂચના લખી,‘ પોસ્ટમેનશ્રી, તમે આ કાર્ડ મારા પિતાની બર્થ ડે માટે સ્વર્ગમાં મોકલી આપશો. આભાર.’
તે પછી તાજેતરમાં જ જેસને રોયલ મેલના આસિસ્ટન્ટ ડિલિવરી ઓફિસ મેનેજર સીન મિલિંગ્ટનનો પત્ર મળ્યો. તેમાં જણાવાયું હતું,‘અમે આપના પિતાને સ્વર્ગમાં આપનો પત્ર પહોંચાડવામાં કેવી રીતે સફળ થયા તે જણાવવા હું આપનો સંપર્ક કરી રહ્યો છું. સ્વર્ગના રસ્તે ઘણાં તારા અને અંતરિક્ષના પદાર્થોને ટાળીને ત્યાં પહોંચવુ એક મુશ્કેલ પડકાર હતો. જોકે, આપનું આ કાર્ડ ડિલિવર થઈ ગયું છે તેની હું ખાતરી આપું છું. અમારા ગ્રાહકોની પોસ્ટ સુરક્ષિત રીતે તેના સ્થાને પહોંચાડવી તે રોયલ મેલની પ્રાથમિકતા છે. આપને માટે આ પત્ર કેટલો મહત્ત્વનો છે તે હું જાણું છું. ભવિષ્યમાં પણ આપની ટપાલ સ્વર્ગમાં પહોંચે તેને માટે હું યોગ્ય કરીશ.’

