લંડનઃ એમેઝોન પ્રાઈમ પર શરૂ થયેલી સાત એપિસોડની ટીવી સીરીઝ ‘રિટર્ન ટુ કેન્યા’ માં અનિતા કેરાઈ જન્મસ્થળ છોડ્યાના ૨૨ વર્ષ પછી વતન પાછા ફરે છે તેની વાત વણી લેવાઈ છે. હેરોના ૪૩ વર્ષીય ભૂતપૂર્વ એકાઉન્ટન્ટ અનિતા કેરાઈ કારકિર્દી બદલીને શેફ બન્યા હતા. આ શોમાં તેઓ કેન્યા પાછા ફરીને અગાઉની રસોઈની પદ્ધતિ અને શેફ બનવાની પ્રેરણા કેવી રીતે મળી તેની સ્મૃતિઓની વાત કરે છે. આ સીરીઝ ૨૪ નવેમ્બરથી શરૂ થઈ છે. તેમણે જણાવ્યું હતું,‘ હું બે સંતાનોની ખૂબ વ્યસ્ત વર્કિંગ મધર છું. તે છતાં હંમેશા ઘરે ભોજન બનાવવાનો સમય હું કાઢી જ લઉં છું. મને આશા છે કે ‘રિટર્ન ટુ કેન્યા’ અને ‘ફ્લેવર્સ ઓફ કેન્યા’ બન્ને સિરિઝ સંસ્કૃતિ અને સમાજને એકબીજાની નિકટ લાવશે કારણ કે મારા પરિવાર અને મિત્રો માટે હું જે કૂકિંગ કરું છું તેના દ્વારા હું તેમની પ્રત્યે મારો સ્નેહ દર્શાવું છું.’
તેઓ કેન્યા અને ભારતમાં ઉછર્યા તે દરમિયાન તેમણે માણેલી સ્વાદિષ્ટ વાનગીઓ આ ટીવી સિરિઝમાં નવા સ્વરૂપે રજૂ કરાશે. તેમની વાનગીઓ સંપૂર્ણપણે વેજન અને વેજિટેરિયન હશે. આ વાનગીઓમાં ખોરાકનો બગાડ ઓછો થાય છે.
આ સાથે જ અનિતા કેરાઈ ૧૭૦ પાનાની કૂકબુક ‘ફ્લેવર્સ ઓફ કેન્યા’ પણ રિલિઝ કરશે. તેમાં ‘રિટર્ન ટુ કેન્યા’માં સમાવાયેલી કેટલીક ડિશ સામેલ હશે. તે ઉપરાંત, કેન્યા તેમજ ગુજરાતની કુદરતી સામગ્રીથી બનતા સ્વાહિલી વેજિટેબલ ઉંધીયાનો પણ સમાવેશ કરાયો છે. આ ઉપરાંત અનિતાએ નૈરોબી અને મોમ્બાસામાં તેના માતા-પિતા, દાદા-દાદી અને મિત્રો પાસેથી શીખેલી અને દુનિયાના સ્વાદરસિકોને અનુરૂપ વન-પોટ રેસિપી તેમાં રજૂ કરાઈ છે.

