લંડનઃ સંજીવ ગુપ્તાના વિસ્તરણ પામી રહેલા લિબર્ટી હાઉસના સપ્લાયરોએ ક્રેડિટ ઈન્સ્યુરન્સ મેળવવામાં પડી રહેલી મુશ્કેલી પર પ્રકાશ પાડતા ચેતવણી આપી હતી કે તેમને સંજીવ ગુપ્તા પાસેથી જંગી રકમ લેવાની નીકળે છે. એક સપ્લાયરે બાકી રકમ ન ચૂકવાય ત્યાં સુધી સંજીવ ગુપ્તાના સ્પેશિયાલિટી સ્ટીલ બિઝનેસને માલસામાન નહિ આપવા ચેતવણી આપી હતી.
ગુપ્તા ફેમિલી ગ્રૂપ (GFG) એલાયન્સના બ્રિટિશ સંચાલનને માલસામાન અને સર્વિસ પૂરી પાડતી પાંચ કંપનીઓએ જણાવ્યું હતું કે તેમને સ્ટીલ, કોમોડિટી અને એનર્જી જૂથ પાસેથી પેમેન્ટ મેળવવામાં તકલીફ પડી રહી છે. ક્રેડિટ ઈન્સ્યુરર યુલર હર્મીસે લીબર્ટી હાઉસના સપ્લાયરોનું ક્રેડિટ કવર સંપૂર્ણપણે હટાવી લીધું હોવાનું મનાય છે.
કેટલાંક સપ્લાયરોએ જણાવ્યું હતું કે તેઓ લીબર્ટી હાઉસ માટે ક્રેડિટ ઈન્સ્યુરન્સ મેળવી શક્યા ન હતા. જ્યારે યુલર હર્મીસ અને એટ્રેડિયસે આ વિશે કોઈ ટિપ્પણીનો ઈન્કાર કર્યો હતો. અન્ય મોટા સપ્લાયરે જણાવ્યું હતું કે આગળની બાકી રકમની ચૂકવણી નહિ થાય ત્યાં સુધી તે સંજીવ ગુપ્તાના સ્પેશિયાલિટી સ્ટીલ બિઝનેસને કોઈ માલસામાન આપશે નહિ. ત્રીજા સપ્લાયરે તો એમ કહ્યું હતું કે તેઓ કન્ટ્રી કોર્ટના ચુકાદાનો અમલ કરાવવા વિચારી રહ્યા છે.
દરમિયાન, GFGએ જણાવ્યું હતું, ‘ઓવરડ્યૂ પેમેન્ટના ઘણાં કારણ હોઈ શકે. ઘણી વખત તો સપ્લાયરે આપેલા અધૂરા પેપર્સને લીધે તેવું બની શકે. સ્ટીલ ઉદ્યોગમાં આ વાત અસામાન્ય નથી. અમારા કેટલાંક યુનિટ ટર્નએરાઉન્ડ મોડમાં છે અને તેના હિસાબે પેમેન્ટ અને સપ્લાયરો સાથેના સંબંધ ફરી સ્થાપિત કરવામાં મુશ્કેલી પડી શકે. આ પ્રશ્રો મહદઅંશે ઉકેલાઈ ગયા હોવાનો અમને વિશ્વાસ છે અને કંપનીની નીતિ શક્ય હોય ત્યાં સુધી નિશ્ચિત સમયગાળામાં પેમેન્ટ ચૂકવી દેવાની રહી છે.’

