ચેરિટી માટે લંડનના બ્રિટિશ ગુજરાતી યુવાનોની કેન્યામાં બાઈક રાઈડ

Wednesday 05th September 2018 06:46 EDT
 

મોટાભાગના બ્રિટિશ એશિયનોનો જન્મ અને ઉછેર યુકેમાં થયો હોય છે. તેમના પેરન્ટ્સ ઈદી અમીનના શાસન દરમિયાન ઈસ્ટ આફ્રિકા છોડીને યુકે આવેલા શરણાર્થીની પેઢીઓના હોય છે. તેમના ગ્રાન્ડ પેરન્ટ્સના મૂળ પશ્ચિમ ભારતના ગુજરાતમાં હોય છે. ગુજરાતીઓ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા છે. તેઓ હંમેશા વંચિત અને પછાત વર્ગના લોકોને મદદ કરવા તત્પર રહેતા હોય છે. તેમના આ વિશેષ ગુણને ચરિતાર્થ કરવા લંડનમાં વસતા બ્રિટિશ ગુજરાતી યુવાનોના એક ગ્રૂપ દ્વારા તાજેતરમાં નૈરોબીથી મોમ્બાસા સુધીની બાઈક રાઈડનું આયોજન કરાયું હતું. તા.૨૪થી ૨૬ ઓગસ્ટના ગાળામાં તેમણે નૈરોબીથી મોમ્બાસા વચ્ચેનું ૫૦૦ કિ.મી.નું અંતર કાપ્યું હતું. તેમણે તેમની પસંદગીની ચેરિટી રાહા ઈન્ટરનેશનલ માટે ૧૧૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કર્યા હતા. આ ચેરિટી યુકેમાં રજિસ્ટર્ડ છે અને તે કેન્યામાં વંચિત બાળકોને શિક્ષણની સુવિધા પૂરી પાડવા આર્થિક સહાય કરે છે. રાહા ચેરિટી આ બાળકોને ફરી તેમના પરિવાર અને સમાજ સાથે જોડવાની અને બાળકોને મદદ મળે તે માટે પરિવારોને મદદરૂપ થાય છે.

૨૦૧૫માં લંડન સ્થિત સાયકલિસ્ટ્સના ગ્રૂપે તેમની પહેલી બાઈક ચેલેન્જનો નિર્ણય લીધો. તેમણે સહરાના રણને પાર કરીને ૬૦૦ કિ.મી.ની બાઈક રાઈડ સંપન્ન કરી હતી. તેમને થયેલો અનુભવ આંખો ઉઘાડી નાખે તેવો હતો. રાઈડ દરમિયાન જંગલી કૂતરાઓએ તેમનો પીછો કર્યો હતો. તેમને ગરમ પાણી વિનાના સ્થળે શૂન્ય કરતાં પણ નીચા તાપમાનમાં રહેવું પડ્યું હતું. આ તેમનું ખૂબ સહનશીલતા માગી લે તેવું સાહસ હતું. ઘણાં રાઈડર્સ તો અધવચ્ચેથી રાઈડ છોડી દેવાની સ્થિતિમાં આવી ગયા હતા. જોકે, કષ્ટ વેઠીને પણ તેમણે આ રાઈડ પૂરી કરી હતી. ત્યારપછી એક પણ રાઈડર બાઈક જોવા સુદ્ધા માગતો ન હતો. પરંતુ, થોડા અઠવાડિયા પછી તન, મનને મદદરૂપ થાય અને જુસ્સો વધે તેના માટે જ નહીં પણ યોગ્ય ચેરિટીઝ માટે ભંડોળ એકત્ર કરવા માટે આ પ્રવૃત્તિને આગળ ધપાવવાનો તેમણે નિર્ણય લીધો હતો.

૨૦૧૭માં ગ્રૂપ દ્વારા બીજી રાઈડ ગુજરાતમાં યોજવામાં આવી હતી. ભૂજથી અમદાવાદ સુધીની ૩૫૦ કિ.મી.ની આ ચેલેન્જમાં ૫૪ રાઈડરોએ ભાગ લીધો હતો. તેના દ્વારા મુબઈની બે ચેરિટી માટે ૧૬૦,૦૦૦ પાઉન્ડનું ભંડોળ એકત્ર કરાયું હતું. ચેરિટી URJAટ્રસ્ટ અને AAWCગરીબી અને વેશ્યાવૃત્તિમાં સપડાયેલી મહિલાઓને વિવિધ કૌશલ્ય તાલીમ આપીને આત્મ નિર્ભર બનાવવાની સાથે તેમના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ પણ આપે છે.

ત્યારબાદ આ ગ્રૂપ દ્વારા Make ADifference Today - (MAD) ની રચના કરવામાં આવી હતી. તેના બેનર હેઠળ તેમણે ૨૦૧૮માં જૂનાગઢથી ભૂજ સુધીની ૪૦૦ કિ.મીની બાઈક રાઈડ યોજી જેમાં ૨૫ રાઈડરોએ ભાગ લીધો હતો. આ રાઈડ યુકેમાં રજિસ્ટર્ડ થયેલી અને જૂનાગઢમાં નેત્રહીન બાળકોને આશ્રય આપીને તેમને શિક્ષણ સહિતની સુવિધા પૂરી પાડતી તથા સમાજમાં તરછોડાયેલા વડીલોના કલ્યાણ માટે કાર્યરત ‘ઈનર જોય ફાઉન્ડેશન’ના લાભાર્થે યોજાઈ હતી. તેમાં ૬૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરાયા હતા.


comments powered by Disqus