બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ અમદાવાદ ખાતે વિચરણ કરી રહ્યા છે. તેઓ તા.૨ સપ્ટેમ્બરે સાંજે વડોદરાથી અમદાવાદ આવી પહોંચતા શાહીબાગ મંદિર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત સંતો અને હરિભક્તોએ પૂ. મહંત સ્વામીનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે બાળકો અને યુવાનોએ સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું.
શાહીબાગ મંદિરમાં તા.૩ સપ્ટેમ્બરને સોમવારે પૂ. મહંત સ્વામીના સાનિધ્યમાં કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નિત્યક્રમ મુજબ પૂ. મહંત સ્વામીએ વહેલી સવારે ભગવાન સ્વામીનારાયણની આરતી ઉતારીને પ્રાતઃપૂજા કરી હતી. યુવાનો અને સંતોએ જન્માષ્ટમીને અનુલક્ષીને ભક્તિસંગીત રજૂ કર્યું હતું. પૂ. મહંત સ્વામીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે મનુષ્ય પર કૃપાને કારણે જ ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. તે મનુષ્યની માફક વર્તતા હોવાથી બધાને તેમનો દિવ્યભાવ વર્તાતો નથી. માત્ર સાચા ભક્તોને જ દિવ્ય ભાવની અનુભૂતિ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે સાચા સંતનો યોગ થાય તો પરમાત્માનું સ્વરૂપ ઓળખાય છે. સાંજે ‘શ્રીકૃષ્ણનું જીવન અને તેમનો સંદેશ’ વિષય પર વિદ્વાન સંતોએ પ્રેરક વક્તવ્યો આપ્યા હતા. યુવાનોએ ‘ગોવિંદા આલા રે....’ નૃત્ય પ્રસ્તુત કર્યું હતું અને મટુકી ફોડીને કૃષ્ણલીલા તાદ્રશ્ય કરી હતી. પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં જણાવ્યું હતું કે પ્રેમી ભક્તોને લાડ લડાવવા ભગવાનનો અવતાર થાય છે. કૃષ્ણ ભગવાન આ પૃથ્વી પર અવતર્યા અને તેમણે ગોપીઓ તથા ભક્તોને પોતાના ચરિત્ર દ્વારા દિવ્ય લાભ આપ્યો. રાત્રે પૂ. મહંત સ્વામીએ જન્મોત્સવની આરતી ઉતારી હતી અને ભગવાનને પારણે ઝૂલાવ્યા હતા. અગાઉ તા. ૧ સપ્ટેમ્બરે અટલાદરા ખાતે પણ પૂ. મહંત સ્વામીના દિવ્ય સાનિધ્યમાં પ્રતીક કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. પૂ.મહંત સ્વામી આગામી તા.૨૩ સપ્ટેમ્બરને રવિવાર સુધી અમદાવાદમાં વિચરણ કરશે.

