યુકેની રાહુલ ગાંધીની મુલાકાતે કોંગ્રેસ પાર્ટીના સભ્યોમાં વિવાદ સર્જ્યો હતો. તેમની મુલાકાત દરમિયાન ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (IOC)એ ભારતીય પત્રકારો સાથે રાહુલ ગાંધીના પરામર્શ માટે એક ‘ચોક્કસ એસોસિએશન’ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ખાલી રહેલી સીટો માટે વ્યક્તિ દીઠ ૯૦૦ પાઉન્ડ ઉઘરાવીને અભિયાનોને મદદ કરવાના ફંડરેઝિંગના અમેરિકાના નિયમોનું અનુકરણ કર્યું હોવાનો આક્ષેપ કરાયો હતો. DNAના અહેવાલ મુજબ આવા પ્રકારના કાર્યક્રમથી પક્ષના ઘણાં સભ્યો રોષે ભરાયા હોવાનું મનાય છે.
અહેવાલમાં વધુમાં જણાવાયું હતું કે રાહુલ ગાંધી જે કાર્યક્રમમાં હાજર રહેવાના હોય તેમાં આ રીતે નાણાં એકઠા કરવાની જરૂર પડે તે વાતને લીધે નેતાઓ પણ વ્યથિત જણાયા હતા. કાર્યક્રમના ખર્ચને પહોંચી વળવા માટે આયોજકોએ એક ટેબલ પર સીટનું વેચાણ ચાલુ કર્યું હોય તે વાત તેમને યોગ્ય લાગી નહીં.
જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે બપોરના લંચનું આયોજન IOCએ નહીં માત્ર ઈન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિએશન (IJA) દ્વારા જ કરાયું હતું. આ પ્રસંગે કોંગ્રેસ પ્રતિનિધિમંડળના બારેક મહેમાનો અને સાંસદો, પીઅર્સ, સંસ્થાઓના વડાઓ, BBC, Sky TV, ભારતના અગ્રણી મીડિયા, એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર સહિત અખબારોના પત્રકારો તેમજ કરતાર લાલવાણી જેવા આંત્રપ્રિનિયોર સહિત ૧૦૦ જેટલાં લોકો હાજર હતા.
સૂત્રો મુજબ ‘માત્ર’ ઈન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિએશન (IJA)ના નાણાંથી યોજાયેલા આ કાર્યક્રમમાં સ્પોન્સરશિપ્સ અને મેમ્બર જર્નાલિસ્ટ દીઠ ૩૦ પાઉન્ડની ટિકિટ અને નોન-મેમ્બર જર્નાલિસ્ટ દીઠ ૫૦ પાઉન્ડ તથા પત્રકાર ન હોય તેવા મહેમાન માટે વ્યક્તિ દીઠ ૧૦૦ પાઉન્ડની ટિકિટના વેચાણ દ્વારા ઉઘરાવાયા હતા.
ગુજરાત સમાચાર/એશિયન વોઈસ સાથેની વાતચીતમાં આ આક્ષેપ વિશે પૂછવામાં આવતા ૨૫ ઓગસ્ટે તાજ હોટલ ખાતે આ લંચનું ‘એકલા હાથે’ આયોજન કરનારા ઈન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિએશનના પ્રમુખ આશિષ રેએ જણાવ્યું હતું, ‘(આ) તદ્દન ઉપજાવી કાઢેલું છે. હું આ હાસ્યાસ્પદ વાત DNAના માલિક સુભાષ ચંદ્રના ધ્યાન પર લાવ્યો હતો અને મેં તેમને આ સ્ટોરી પાછી ખેંચી લેવા વિનંતી કરી હતી. ’
આ મુદ્દે પ્રતિક્રિયા માટે IOCના પ્રમુખ કમલ ધાલીવાલનો સંપર્ક થઈ શક્યો ન હતો.

