ફ્રાન્સ પાસેથી ખરીદાનારા રાફેલ લડાયક વિમાન વિશે વિવાદ સર્જાયો છે. ભારતને આ પ્રકારના લડાયક વિમાનની તાતી જરૂરિયાત છે ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ૨૦૧૯ની ચૂંટણીને લક્ષમાં રાખી મોદી સરકારે ફ્રાન્સ પાસેથી મોંઘા ભાવે આ વિમાનો ખરીદવાની તેમજ પોતાના પ્રિયપાત્ર ઉદ્યોગપતિઓને મલાઈ ખાવા મળે તેવી તજવીજ કરી હોવાના આક્ષેપોની ભરમાર સાથે સરકારને બેકફૂટ પર મૂકી દીધી છે. રાહુલ ગાંધી અને વિપક્ષી નેતાઓ દેશ અને વિદેશમાં આ મુદ્દાને રાજકીય બનાવી રહ્યા છે અને સરકાર તેના ઉત્તર વાળી રહી છે. ભારતની સલામતી માટે આવશ્યકતાનો વિચાર કર્યા વિના જ રાજકીય પક્ષોએ ‘અમે આમ કર્યું અને તમે આમ કર્યું’ના બીનજરૂરી વિવાદમાં ઉતરી પડ્યા છે. વાયુદળની જરૂર ૧૨૬ વિમાનની હતી તો ૩૬ વિમાનનો સોદો જ શા માટે થયો કે બધા વિમાનોની ડિલિવરી એકસાથે કેમ નહિ મળે જેવાં પ્રશ્નોનો ઉત્તર આપી શકાય તેમ જ નથી કારણકે આ શાકભાજી ખરીદવાની વાત નથી અથવા ગોડાઉનમાં આટલો માલ પડ્યો જ હોય તો મળી જ જશે તેવી વાત પણ નથી.
ભારતીય વાયુદળ માટે મીડિયમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ જરૂરી હોવાનું ૨૦૦૮માં માન્ય રખાયા પછી વૈશ્વિક ટેન્ડરમાં આ મોટા સોદાના દાવેદાર લોકહીડ માર્ટિનના એફ-૧૬, યૂરોફાઇટર ટાઇકૂન, રશિયાના મિગ ૩૫, સ્વીડનના ગ્રિપેન, બોઇંગનો એફ-એ-૧૮ એસ અને દ સોલ્ટ એવિએશનના રાફેલ સામેલ હતાં. લાંબી પ્રક્રિયા પછી ડિસેમ્બર ૨૦૧૨માં બોલી લગાવાઈ હતી. રાફેલ અને યુરોફાઈટર વિમાનો આપણી જરૂરિયાતો પૂરી કરતા હોવાનું જણાયું હતું. ફ્રાન્સની દ સોલ્ટ કંપની દ્વારા ઉત્પાદિત રાફેલ વડાયક વિમાન વિશ્વમાં અત્યાધુનિક ટેકનોલોજી સાથે અવ્વલ કક્ષાનું ગણાય છે. સૌથી ઓછી બોલી હોવાના કારણે રાફેલ પર પસંદગી ઉતારવાનો નિર્ણય ૨૦૧૨માં લેવાયો હતો પરંતુ, યુપીએ સરકારે કોઈ કારણોસર સોદા પર હસ્તાક્ષર કર્યા નહિ અને સોદો લટકી પડ્યો. મૂળ ઉત્પાદક દ સોલ્ટ એવિયેશને ભારતીય હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) કંપનીની આ બાબતમાં કામગીરી માટે જવાબદારી સ્વીકારવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. ઈન્ડિયન એર ફોર્સ ખુદ HALની ભૂતકાળની કામગીરીથી અસંતુષ્ટ હતું. એક વિમાનના ઉત્પાદન પાછળ મૂળ ઉત્પાદકને જેટલો સમય લાગતો હતો તેના કરતાં લગભગ ત્રણ ગણા માનવકલાકો લાગે તેવી ગણતરી HALની હતી, જે તત્કાલીન યુપીએ સરકારને પણ યોગ્ય લાગી નહિ અને સોદો અભરાઈએ ચડી ગયો હતો. મૂળ સોદો તો ૧૨૬ વિમાન ખરીદવાનો હતો પરંતુ, કિંમત વધારે લાગવાથી પણ સોદામાં અવરોધ સર્જાયો હતો. જોકે, વાયુ દળ ભીંસમાં આવી ગયું હતુ અને તાત્કાલિક જરૂર ૩૬ વિમાનની હોવાની રજૂઆત તેણે ૨૦૧૪માં કરી અને એનડીએ સરકારે નવું એરક્રાફ્ટ વાયુદળમાં તત્કાલ ગોઠવી શકાય તેવા પેકેજને મંજૂરી આપી હતી.
હવે વાત કરીએ, યુપીએ સરકારને એક વિમાનદીઠ રૂ.૫૨૬ કરોડ ચૂકવવાના હતા તો નવા સોદામાં કિંમત વધીને વિમાનદીઠ રૂ.૧૬૭૦ કરોડ કેવી રીતે થઈ? આ પ્રશ્ન થવો જ જોઈએ પરંતુ, તેની પાછળનો તર્ક અને કારણ પણ જોવાં જ જોઈએ. બે સરકારો વચ્ચે થયેલા નવા સોદા મુજબ રાફેલ વિમાન લાંબા અને ટુંકા અંતરના મિસાઈલ તથા અન્ય આધુનિક (લેટેસ્ટ) શસ્ત્રોથી સજ્જ મળવા સાથે ટ્રેનિંગ સિસ્ટમ્સ, મેઈન્ટેનન્સ અને લોજિસ્ટિક સપોર્ટ સહિતની સવલતો નો સમાવેશ પણ સોદામાં કરાયો હતો. યુપીએ સરકાર સાથે થનારા સોદામાં આવી કોઈ સુવિધા કે શસ્ત્રસજ્જતાનો સમાવેશ ન હતો. આથી સ્વાભાવિક છે કે તેની કિંમત ઓછી હોય. ખોખાં જેવાં વિમાનમાં પાછળથી મિસાઈલ સહિતના શસ્ત્રો ઉમેરવાના હોય તો તેની ખરીદીમાં પણ વર્ષો લાગી જાય અને તેની કિંમત પણ લાગવાની જ હતી. અગાઉ પણ મિરાજ-૨૦૦૦ લડાયક વિમાન ખરીદાયાં ત્યારે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી.
ઉલ્લેખનીય છે કે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ એન્ડ એરોસ્પેસને રાફેલ વિમાનના ઉત્પાદક દ સોલ્ટ એવિયેશન તરફથી વિમાન બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. જો આ કોન્ટ્રાક્ટમાં અજુગતું હોય તો તેની તપાસ પણ થવી જોઈએ. આ સવાલ ઉઠાવાઈ રહ્યો છે કે સંરક્ષણ ઉત્પાદનક્ષેત્રે અનુભવ નહિ ધરાવતી રિલાયન્સને દ સોલ્ટ દ્વારા કોન્ટ્રાક્ટ કેમ અપાયો છે. આ વિવાદની આડમાં એરફોર્સમાં ફાઇટર વિમાનોની જે ગંભીર તેમજ ખતરાજનક ઘટ છે તેની સામે આંખમિચામણાં થઇ રહ્યાં છે. એરફોર્સ પાસે વિમાનોની ૪૦ સ્કવોડ્રન હોવી જોઇએ તેની સામે હાલ ૩૧ સ્કવોડ્રન છે. ભૂતકાળમાં પણ આવા વિવાદો થયા છે ત્યારે ૧૯૮૭માં જૂના જેગુઆર વિમાનો હોય કે ૧૯૯૦ના દાયકામાં પૂર્વ યુરોપિયન દેશો પાસેથી ૨૦-૩૦ જેટલા સેકન્ડ-હેન્ડ મિગ-૨૧ વિમાનોની વાત હોય, ભારતીય વાયુદળને જૂના વિમાનો ખરીદવા પડ્યાં છે.
વિરોધપક્ષો જાણે છે કે બંને દેશની સરકારો વચ્ચે આ સોદો થયો છે અને તેમાં ગુપ્તતાની જોગવાઈ પણ છે. સરકાર ટેકનોલોજી સહિતની જે કોઈ બાબતો ગુપ્ત રાખવા સંમત થઈ હોય તેવી માહિતી જાહેર કરવાનું જોખમ ઉઠાવી શકે નહિ કારણકે ભવિષ્યમાં ભારત સરકાર પર કોઈ વિશ્વાસ રાખે નહિ. કિંમતની બાબત સિવાય પણ ભારતીય રાફેલ વિમાન માટેનો માપદંડો ફ્રેન્ચ એરફોર્સ સહિત અન્ય દેશોને પૂરા પડાયેલા વિમાનો કરતા અલગ હોવાં સાથે સંવેદનશીલ પણ છે. ભારત લોકશાહી દેશ છે ત્યારે સંસદીય સંસ્થાઓ સરકારને પ્રશ્નો કરી શકે છે, ઉત્તર મેળવી શકે છે અને ફટકાર પણ આપી શકે છે.
