વિન્ડમીયર લેકમાં અસ્થિ વિસર્જન મામલે હિંદુ સમુદાયમાં મતભેદ

Wednesday 05th September 2018 06:56 EDT
 
 

વિન્ડરમીયર લેકમાં અસ્થિ વિસર્જન માટે ખાસ વિસ્તાર ફાળવવાની અમેરિકાના રાજનેતા અને યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઝમના પ્રમુખ રાજન ઝેડે કરેલી વિનંતીના પગલે યુકેમાં રહેતા હિંદુઓમાં વિભાજન જેવી સ્થિતિ સર્જાઈ હતી. ધાર્મિક પરંપરા મુજબ વિદેશમાં મૃત્યુ પામેલા હિંદુઓના અસ્થિઓનું વિસર્જન ભારતની પવિત્ર ગંગા નદીના કિનારે આવેલા વારાણસી, હરિદ્વાર અથવા અન્ય પવિત્ર સ્થળોએ કરવાનું હોય છે.

ઝેડે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એન્વાયર્નમેન્ટ માઈકલ ગોવ અને લેક ડિસ્ટ્રિક્ટ નેશનલ પાર્કના ચીફ એક્ઝિક્યુટિવ રિચાર્ડ લીફને પત્ર લખીને યુકેમાં હિંદુઓની વધુ વસતિને ધ્યાનમાં રાખીને વિન્ડમીયર લેકમાં અસ્થિ વિસર્જન માટે ખાસ વિસ્તાર વિક્સાવવા અનુરોધ કર્યો હતો. તેમણે લેકના કિનારે ખાસ ગઝેબો બિલ્ડિંગ અને પ્લેટફોર્મ બનાવવા જણાવ્યું હતું.

ઝેડે ઉમેર્યું હતું કે સ્થળના ડિઝાઈનીગ અને ડેવલપમેન્ટની પ્રક્રિયા દરમિયાન અધિકારીઓને ધાર્મિક બાબતોના નિષ્ણાતોની જરૂર પડે તો તે પોતે અથવા વિદ્વાન હિંદુ પંડિતો તેમને મદદરૂપ થશે. આ સુવિધા ઉભી થશે તો હિંદુઓ ઉપરાંત, જળમાં અસ્થિ વિસર્જન કરવા ઈચ્છતા અન્ય લોકોને પણ તેનો લાભ થશે.

સાઉથવેસ્ટર્ન ઓન્ટારિયો (કેનેડા)ના સાર્નિયામાં સેન્ટ ક્લેર નદી પાસે અસ્થિ વિસર્જન માટે ખાસ વિસ્તાર તૈયાર કરવાનું કામ લગભગ પૂરું થવા આવ્યું છે. નોર્થવેસ્ટ ઈંગ્લેન્ડમાં લેક ડિસ્ટ્રિક્ટ નેશનલ પાર્કમાં આવેલું વિન્ડમીયર લેક સાડા દસ માઈલ લાંબુ અને ૨૧૯ ફૂટ ઉંડુ છે. યુકેમાં કુલ ૧૫ નેશનલ પાર્ક છે.

દરમિયાન, હિંદુ ફોરમ ઓફ બ્રિટન (HFB) ના પ્રમુખ તૃપ્તિ પટેલે જણાવ્યું હતું કે નોર્થવેસ્ટમાં તેમણે આ મુદ્દે વિવિધ સામાજિક સંસ્થાઓ અને મંદિરોના સંચાલકો સાથે તપાસ કરી હતી. પરંતુ, તેમાંના કોઈને પણ લેક વિન્ડમીયરમાં અસ્થિ વિસર્જન કરવા માટેની આવી વિનંતીની જાણ નથી. તેમણે ઉમેર્યું હતું,‘ યુકેમાં અમે અસ્થિ વિસર્જન માટેની જગ્યાઓ નિશ્ચિત કરેલી જ છે. અમેરિકાની કોઈ વ્યક્તિ શા માટે યુકેના હિંદુઓ વતી આ બાબતે બોલવાનો દાવો કરે તે જ મને સમજાતું નથી ?’ હિંદુ ફોરમ ઓફ બ્રિટન હિંદુ સમુદાય વતી સરકાર સાથે સંપર્ક રાખતી છત્રસંસ્થા છે, સ્થાનિક સંસ્થાઓ સાથે સંપર્ક જાળવી રાખવા અને સમાજની જરૂરિયાતોને સમજવા માટે પ્રાદેશિક ઉપ પ્રમુખો છે.’

જોકે, આ લેક સ્વામીનારાયણ સંપ્રદાય માટે મહત્ત્વનું સ્થળ છે. ડો, મહેશ વરસાણીએ ગુજરાત સમાચાર/એશિયન વોઈસને જણાવ્યું હતું કે ૧૯૭૯માં શ્રી મુક્તજીવન સ્વામીબાપાની મુલાકાતથી લેક વિન્ડમીયર વર્ષોથી તેમના માટે પવિત્ર સ્થળ છે. છેલ્લાં બે-ત્રણ વર્ષમાં અમારા અનુયાયીઓએ તેમના સ્વજનોના અસ્થિ તેમાં પધરાવ્યા હતા. ૨૦૧૫માં મારા પિતાનું અવસાન થયા પછી મેં તેમના અસ્થિ ત્યાં પધરાવ્યા હતા.

પરંતુ, બ્રિટિશ માઉન્ટેનિયરિંગ કાઉન્સિલ (BMC)એ પાર્કમાં તમામ ધર્મોના લોકો દ્વારા થતાં અસ્થિ વિસર્જન અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

૨૦૧૧ની વસતિ ગણતરી મુજબ યુકેમાં ૮૧૭,૦૦૦ હિંદુઓ રહે છે. તેમાંના અડધાથી વધુ લોકો લંડનમાં અને તેની આસપાસમાં રહે છે.

(વધુ માહિતી માટે જુઓ એશિયન વોઈસ તા...૨૦૧૮)


comments powered by Disqus