વૈશ્વિક મંદીના કાળાં વાદળો ઘેરાયાં છે?

Tuesday 04th September 2018 14:34 EDT
 

વિશ્વમાં જાહેર તેમજ ખાનગી દેવું જે રીતે વધીને વિક્રમી સ્તરે પહોંચ્યું છે, તેનાથી વૈશ્વિક મંદીના કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ ચેતવણી આપી છે કે વૈશ્વિક દેવું વધીને ૧૬૪ ટ્રિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. આમાંથી અડધોઅડધ દેવું તો યુએસ, જાપાન અને ચીનનું છે. વધી રહેલા વૈશ્વિક દેવાંનો આ પ્રવાહ એટલો ખતરનાક છે કે નાણાકીય સ્થિતિ લથડશે તો તમામ દેશોએ પોતાનું દેવું ભરપાઈ કરવું મુશ્કેલ બની જશે અને દુનિયા ભીષણ વૈશ્વિક મંદીમાં સરી પડશે. સતત વધી રહેલું દેવાનું સ્તર વૈશ્વિક મંદીનું નિમિત બની શકે છે.
અમેરિકાનું અર્થતંત્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે અને મોટા ભાગના દેશો સાથે તેનો વેપાર છે. અમેરિકી ડોલર વૈશ્વિક ચલણ છે. આથી, અમેરિકાની મંદીની અસર દુનિયાના દેશો પર થયા વગર રહે નહીં. અત્યારે અમેરિકામાં આયાતના નિયમો કડક થવા સાથે ચીન જેવા દેશોના અર્થતંત્ર પર તો વિપરીત અસરો શરુ થઈ ગઈ છે. ૨૦૦૮ની મંદીએ જગતને ભરડો લીધો હતો અને તેની શરુઆત પણ ૨૦૦૭માં અમેરિકાથી થઈ હતી. ૨૦૦૮ની મંદી ૧૯૩૦ના દાયકામાં આવેલી મહામંદી પછીની સૌથી મોટી મંદી હતી, જેની અસર યુરોપના ખમતીધર દેશો પર થઈ હતી.
ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન મંદીની સંભાવનાઓના ગહન અભ્યાસી અને પ્રકાંડ અર્થશાસ્ત્રીની નામના ધરાવે છે, જેમણે સૌ પ્રથમ ૨૦૦૮ની ભીષણ વૈશ્વિક મંદીની આગાહી કરી હતી. રાજને વ્યાપારિક મંદીની એક જુદા જ પ્રકારની દહેશત તાજેતરમાં વ્યક્ત કરી છે. આ મંદી આગળ જતા પૂર્ણ આર્થિક મંદીનું સ્વરૂપ લઇ લે છે. તેમણે વેપારયુદ્ધ આગળ વધશે તો વૈશ્વિક મંદી નિશ્ચિત હોવાનું કહ્યું છે. તાજેતરમાં વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા વિશ્વ અને અમેરિકાની આર્થિક હાલતના ભાવિની આગાહી કરવા ખાનગી સેક્ટરના ૬૦ અર્થશાસ્ત્રીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. ૫૯ ટકા અર્થશાસ્ત્રીએ અમેરિકામાં ૨૦૦૮ની મહામંદી પછી ૨૦૦૯થી સર્જાયેલો આર્થિક તેજીનો પરપોટો ૨૦૨૦માં અને અન્ય ૨૨ ટકાએ ૨૦૨૧માં ફૂટી જશે તેવી નિરાશાજનક આગાહી કરી હતી. જો અમેરિકામાં મંદીના વાદળો ઘેરાય તો સમગ્ર વિશ્વમાં તેની અસર પડ્યા વિના રહેવાની નથી. વર્તમાન તેજીનો દસકો ૧૯૯૦માં આરંભાયેલા ઈન્ફોર્મેશન ટેકનેલોજી આર્થિક પરપોટા જેવો જ છે, જે આશરે ૧૦ વર્ષ જ હવામાં રહ્યો હતો. વોરેન બફેટ સહિતના નિષ્ણાતોએ અમેરિકામાં ટૂંક સમયમાં મંદી આવશે તેવી શક્યતા વ્યક્ત કરી છે.


comments powered by Disqus