સમર દરમિયાન લંડન અને લંડન બહારના નગરોમાં ઠેર ઠેર ધર્મોત્સવો માણવાનો-કથાઓ સાંભળવાનો સૌને લહાવો સાંપડ્યો. સાઉથ લંડનમાં શ્રી રાધાકૃષ્ણ મંદિર અને શ્રીનાથજી હવેલીના ચેરમેન જયેશભાઇ એમ પટેલ તથા ટ્રસ્ટીઓ દેવ્યાનીબહેન તથા નલિનીબહેન પટેલ દ્વારા તા. ૧૭ ઓગષ્ટથી ૨૧ ઓગષ્ટ દરમિયાન શ્રીનાથજી ચરિત્રામૃત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલમ ખાતે મેમન સેન્ટરમાં વલ્લભકૂળભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયના મુખેથી શ્રીનાથ ચરિત્રામૃત સાંભળવાનો સૌ વૈષ્ણવોને અનેરો અવસર સાંપડ્યો. શ્રી નાથજી હવેલીમાં રાજભોગ ઉત્સવ કર્યા બાદ બાલમના માર્ગ પર શોભાયાત્રા નીકળી હતી. ૧૭ ઓગષ્ટ શુક્રવારે શતશૃંગી શ્રી ગિરિરાજ પ્રાગટ્ય અને પોથી મનોરથ થયો, શનિવાર, ૧૮ ઓગષ્ટે શ્રીનાથજી પ્રથમ મિલન સાથે ચૂંદડી મનોરથ થયો, તા. ૧૯ રવિવારે રંગેચંગે હર્ષોલ્લાસ સાથે નંદ મહોત્સવ અને શ્રીનાથજી પાટોત્સવ થયો અને ૨૦ ઓગષ્ટ સોમવારે હોલી ઉત્સવ સાથે વૈષ્ણવોએ રાસોત્સવનો આનંદ માણ્યો હતો. ગયા વર્ષે શ્રાવણ સુદ આઠમ, તા. ૧૮ ઓગષ્ટના રોજ બાલમ હવેલીમાં જેજેશ્રીએ શ્રીનાથજી પુષ્ટાવ્યા હતા એનો પાટોત્સવ ઉજવાયો.
પૂ. ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી અત્રેની યુવાપેઢી ધર્મ સંસ્કારથી વંચિત ના રહી જાય એ માટે વધુ સક્રિય બન્યા છે યુવાન જેજેશ્રી કહે છે કે, “મોટી વયના આપણા વડીલો ભાષા, ધર્મ સંસ્કારથી પરિચિત છે પરંતુ વડીલો અને યુવા પેઢી વચ્ચે જે જનરેશન ગેપ વધી રહ્યો છે, સ્ટ્રેસ વધી રહ્યો છે, ભાષા-સંસ્કાર ભૂલાતા જાય છે એવા વખતે યુવકોને જાગૃત કરવા અત્યંત આવશ્યક છે. જેજેશ્રીના માર્ગદર્શન હેઠળ વૈશ્વિક વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન્સ (VYO)ની સ્થાપના કરવામાં આવી છે. લંડનમાં VYOખૂબ સક્રિય બન્યું છે. સાઉથ લંડનમાં પણ જેજેશ્રીએ VYOની સ્થાપના કરી ડો. આશિષ પટેલની પ્રમુખ અને કલ્પેશ સોનેચાની વાઇસ ચેરમેન તરીકે નિમણુંક કરી છે. VYOના ૩૦-૩૫ વર્ષના યુવાન-યુવતીઓ દ્વારા નાના બાળકોને ગુજરાતી ભાષા અને ધર્મ સંસ્કારનું જ્ઞાન આપવામાં આવે છે. બાલમ ખાતે શ્રી રાધાકૃષ્ણ મંદિર-શ્યામા માતા આશ્રમનાં સ્થાપક પૂ.શ્યામા માતા હવે હયાત નથી એટલે મંદિર અને હવેલીનું વ્યવસ્થિત માર્ગદર્શન હેઠળ સંચાલન થઇ શકે એવા આશયથી જયેશભાઇ અને એમના ટ્રસ્ટીઓ પુષ્ટીમાર્ગીય પરંપરાગત પ્રવૃત્તિમાં સક્રિય બન્યા છે. લેસ્ટરના શ્યામા આશ્રમનું સંચાલન ટ્સ્ટી ચંદુભાઇ ટાંક સંભાળી રહ્યા છે.

