લંડનઃ નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે અને ભારતીય હાઈ કમિશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સ્થાપના દિનની ભવ્ય ઉજવણી લંડનમાં ઈન્ડિયા હાઉસ ખાતે તા. ૧ મે, ૨૦૧૮ને મંગળવારે કરવામાં આવી હતી. આ પ્રસંગે કલાકારો દ્વારા દેશભક્તિના ગીતો, નૃત્યો સાથેનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન NCGOના સેક્રેટરી અનીતા રૂપારેલિયાએ કર્યું હતું. દીપપ્રાગટ્ય મિનિસ્ટર ફોર કો-ઓર્ડિનેશન શ્રી રાજન, NCGOના પ્રમુખ પ્રવિણભાઈ અમીન, તેમના પત્ની જનકબેન અને NCGOના પેટ્રન તથા ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી બી પટેલ એડવાઈઝરી કમિટી અને કમિટીના સભ્યો કાંતિભાઈ નાગડા, લાલુભાઈ પારેખ, અનીતા રૂપારેલિયા, સુમંતરાય દેસાઈ, જીતુભાઈ પટેલ, જી એમ પટેલ, ચંદ્રકાન્ત મહેતા અને વંદનાબેન જોશીએ કર્યું હતું.
પ્રવિણભાઈ અમીને સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં વસતા ૬૩ મિલિયન લોકોએ સ્થાપના થઈ ત્યારથી તેના ઝડપી વિકાસમાં યોગદાન આપ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાનુભાવો અને હાલ નરેન્દ્ર મોદીએ રાજ્યની પ્રગતિમાં ખૂબ ફાળો આપ્યો છે.
શ્રી રાજને તેઓ અગાઉ ગુજરાત સરકારમાં જુદા જુદા હોદ્દે અને જુદા જુદા સ્થળે ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી હતી તેના અનુભવો વર્ણવ્યા હતા. તેમણે વોટર મેનેજમેન્ટ દ્વારા ખેડૂતોએ મેળવેલા ફાયદા, રાજ્યના રસ્તા અને પાણીની સુવિધા વિશે વાત કરી હતી.
કાઉન્સિલર માસ પટેલે જણાવ્યું હતું કે તેમનો જન્મ ગુજરાતમાં થયો હતો. હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતી છે તેના વિશે ગૌરવ હોવાનું તેમણે કહ્યું હતું. યુકેમાં યુવા ગુજરાતીઓ શિક્ષણમાં ખૂબ જ સફળતા મેળવે છે. યુકેમાં ગુજરાતીઓએ બિઝનેસમેન, રાજકારણી, પ્રોફેશનલ અને સામાજિક નેતા તરીકે ખૂબ સફળતા મેળવી છે.
ઈન્ડિયા લીંક મેગેઝિનના તંત્રી ક્રિશન રેલેએ જણાવ્યું હતું કે ગુજરાતીઓ વિશ્વમાં જ્યાં ગયા છે ત્યાં તેમણે ખૂબ ઝડપથી વિકાસ સાધ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે દુનિયામાં ગુજરાતી ગમે ત્યાં વસતો હોય પણ ગુજરાતમાં પોતાનો ફ્લેટ કે ઘર તો રાખે જ છે. તેને રિવર્સ માઈગ્રેશન ગણાવીને તેનાથી ગુજરાતની પ્રગતિ થઈ હોવાનું રેલેએ ઉમેર્યું હતું.
હિંદુ ફોરમના પ્રમુખ તૃપ્તિબેન પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સમૃદ્ધ સાંસ્કૃતિક વીરાસત ધરાવે છે. સિંધુ સંસ્કૃતિનો વિકાસ થતો હતો ત્યારે તેની પશ્ચિમે ગુજરાતમાં સરસ્વતી સંસ્કૃતિ વીકસતી હતી. સાબરમતી નદીનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં છે. તેમણે ધોળાવીરાના અસ્તિત્વની વાત કરતા ઉમેર્યું હતું કે ત્યાંથી ૯,૦૦૦ વર્ષ જૂની સંસ્કૃતિ મળી આવી હતી.
મુખ્ય વક્તા સીબી પટેલે પ્રસંગોચિત વક્તવ્યમાં ગુજરાતની બહુવિધ ઝાંખી રજૂ કરી વધુ ઉજ્જવળ ભવિષ્ય માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અંતમાં, અનીતાબેને આભારવિધિ કરતા આ કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય હાઈ કમિશન, તમામ વક્તાઓ, મહાનુભાવો વિવિધ સંસ્થાઓ, ડિનર માટે હસુભાઈ અને તેમના પસંદગી કેટરર્સ, ગીતો માટે નીલમ, નૃત્યો રજૂ કરવા બદલ નેહા પટેલ અને ગ્રૂપ તેમજ વોલન્ટિયર્સનો આભાર માન્યો હતો.

