નોર્થ વેસ્ટ લંડનમાં રહેતા પ્રફુલાબેન શાહની ૨૪ વર્ષની ભત્રીજી શક્તિ બાળપણથી જ કિડનીના દર્દથી પીડાતી હતી. એના જીવનમાં મહદ્ અંશ હોસ્પીટલમાં જ વીતતો હતો. એમાંય આ વર્ષ તો શક્તિનો સમય રોયલ ફ્રી હોસ્પીટલના ચક્કર ખાવામાં જ પસાર થઇ રહ્યો હતો. મહિનાઓ સુધી ડાયાલીસીસ પર રહેલ અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી પોતાની યુવાન ભત્રીજીના આ દયાજનક હાલથી ફોઇનું હ્દય દ્રવી ઉઠ્યું. કિડની ટ્રાન્સ પ્લાન્ટ માટે લાંબા સમયથી રાહ જોતી ભત્રીજી માટે પોતાની કિડની આપવા પ્રફુલાબેન તૈયાર થયા પણ કમનસીબે એમની કિડની શક્તિ સાથે મેચ ન થઇ. હવે શું? ભત્રીજીને કિડની દાન કરી એને બચાવવાની એમની ઇચ્છા અધૂરી રહેશે? ના.. એમ હાર થોડી માની લેવાય? આ મૂંઝવણના ઉકેલ માટે રોયલ ફ્રી હોસ્પીટલના નિષ્ણાતો સાથે એના વિકલ્પની ચર્ચા કરતા પ્રફુલાબેન અને શક્તિએ નેશનલ લીવીંગ ડોનર કિડની શેરીમ સ્કીંમાં "પેર ડોનેશન" તરીકે જોડાવવું એમ નિર્ણય લેવાયો. કટોકટી વેળાએ આશાનું કિરણ મળ્યું. NHS ની આ કિડની શેરીંગ સ્કીમમાં તમે કિડની દાન કરો અને અન્ય જે કિડનીની રાહ જોતા હોય એની સાથે તમારી કિડની મેચ થાય એવી વ્યક્તિની શોધ આદરાય. દરમિયાનમાં તમારા સ્વજનની કિડની સાથે મેચ થાય એવા દાતા મળી જાય એ માટેના પ્રયાસોમાં સફળતા મળે તો બે અજાણી વ્યક્તિઓ જે કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોતા હોય એમને નવ જીવન મળવાની ઉજળી તક સાંપડે.
આ સ્કીમમાં પ્રફુલાબેન અને શક્તિ જોડાયાં અને સદ્નસીબે શક્તિની કિડની સાથે મેચ થાય એવા કિડની દાતા મળી ગયા અને પ્રફુલાબેનની કિડની પણ અજાણી વ્યક્તિ સાથે મેચ થઇ. ૨૦૧૮ના વર્ષના માર્ચ મહિનામાં આવા મેચની જોડીમાં સફળતા મળતાં પ્રફુલાબેનનું ઓપરેશન રોયલ ફ્રી હોસ્પીટલમાં કનસલ્ટન્ટ વેસક્યુલર અને ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. કોલીન ફોરમેને કર્યું. ચાર કલાક ચાલેલ આ ઓપરેશનની વીડીયો સમાજના લાભાર્થે BBC ન્યુઝ ચેનલને ઉતારવા દેવાની મંજૂરી પ્રફુલાબેને આપી અને એનું ફિલ્મીંગ થયું. એ જ સમયે બીજી બાજુ શક્તિનું પણ કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થયું. ખાસ કરીને અશ્વેત અને લઘુમતિ ગૃપોમાં કિડની દાતાની અછત અને માંગ વધુ હોવાને કારણે જાગ્રતતા લાવવા અને દાતાઓના સહકારથી કિડનીના દર્દીઓને મદદરૂપ થવા એનું પ્રસારણ ગયા સપ્તાહે થયું.
આ સફળ ઓપરેશન બાદ ફોઇ – ભત્રીજી હોલીડેમાં પણ સાથે જઇ આવ્યા. જૈન સેન્ટર, કોલીન્ડલના ટ્રસ્ટી અને ભક્તિ મંડળના પ્રેસિડેન્ટ પ્રફુલાબેને “ગુજરાત સમાચાર" ના પ્રતિનિધિ તરીકે મારી સાથેની વાતચીતમાં એમણે જણાવ્યું કે, "મારે કોઇ સંતાન નથી અને શક્તિ મારી દિકરી સમાન છે એટલે મેં કિડની દાન કરવાનો નિર્ણય કોઇ પણ જાતના હિચકિચાટ વિના ત્વરિત લઇ લીધો અને ઇશ્વરની કૃપાથી અમારી શક્તિને નવું જીવન મળ્યું એ મારા જીવનની સૌથી મોટી ખુશી છે.”
કિડનીના દર્દીઓના ઉજળા ભાવિના સર્જનમાં ચાલો સૌ સહભાગી બનીએ...
પ્રફુલાબેને જણાવ્યુંકે, "મારી રોયલ ફ્રી હોસ્પીટલની મુલાકાત દરમિયાન હું ઘણાં બધાં કિડનનીના દર્દીઓને મળી અને એમની આપવીતિ સાંભળી. કેટલાય દર્દીઓ પાંચ પાંચ વર્ષથી કિડની દાતાની રાહ જોઇ રહ્યા હતા તો વળી કેટલાકના ટ્રાન્સપ્લાન્ટ થયા હતા પણ પાછળથી કેટલાકની બોડી ફોરેન અવયવને સ્વીકારી ન શકતી હોવાને કારણે રીજેક્શનની પીડા ભોગવી રહ્યા હતા. એમના દર્દને કઇ રીતે ઘટાડી શકાય? આ રીજેક્શનનું પ્રમાણ કઇ રીતે ઘટાડી શકાય? એનું રક્ષણ કરી શકાય કે કેમ? ...આ બધા પ્રશ્નોના ઉકેલ માટે હોસ્પીટલની મેડીકલ ટીમ અને નિષ્ણાતો સાથે મેં અને શક્તિએ વાટાઘાટો કરી. એ માટે રીસર્ચ વર્ક થઇ રહ્યું છે એ જાણી અમે એમાં મદદરૂપ થવાનો પ્રસ્તાવ મૂક્યો જે સહર્ષ સ્વીકારાયો. અમને એથી ખુબ ખુશી થઇ કે, શક્તિ જેવા હજારો દર્દીઓને જીવન દાન મળશે. આ રિસર્ચ પ્રોજેક્ટમાં ૨૦,૦૦૦પાઉન્ડની જરૂર છે. હજારેક જેટલી રકમ એકત્ર થઇ છે. ”
"આપણા એશિયનોમાં કિડની મેચીંગની મોટી સમસ્યા છે અને કિડની મેચ થાય, ઓપરેશન સફળ થાય પરંતુ ઘણાંની બોડી એ રીજેક્ટ કરે તો પણ પ્રોબ્લેમ થાય. આ સમસ્યાના હલ માટે આ રીસર્ચ પ્રોજેક્ટમાં મદદરૂપ થવા અમે આપ સૌ વાચકોને નમ્ર વિનંતિ કરીએ છીએ. આપણી જ કોમ્યુનિટીને મદદરૂપ થવાની આપણા સૌની ફરજ છે. કિડનીના દર્દીઓના ચહેરા પર ખુશી લાવવા અને નવ જીવન બક્ષવા સૌ સાથે મળી દાનની ગંગા વહાવીએ...”
વધુ વિગત માટે વીઝીટ કરો: www.crowdfunder.co.uk/ study-to-learn-more-about-kidney-rejections

