રણબીર કપૂર અભિનિત ‘સંજુ’ વિશે બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાને જણાવ્યું છે કે રાજકુમાર હિરાણીની આ ફિલ્મમાં તેને સંજુનું કિરદાર નિભાવવું હતું. આમિર કહે છે કે તેને સ્વ. સુનિલ દત્તનો રોલ ઓફર થયો હતો, પરંતુ તેણે તે રોલ માત્ર એ કારણથી ન સ્વીકાર્યો કે તેને તો બસ સંજય દત્તનો જ રોલ કરવો હતો. આમિરે તાજેતરમાં મુંબઇમાં મીડિયા સાથે વાતચીતમાં સ્વીકાર્યું કે રાજકુમાર 'સંજુ'ની સ્ક્રિપ્ટ લઇને તેની પાસે આવ્યા હતા અને તેને સ્ક્રિપ્ટ ખૂબ ગમી પણ હતી.
જોકે, રાજુની એવી ઇચ્છા હતી કે આમિર દત્તસા'બનો રોલ કરે પણ આમિરને સંજુનો રોલ અદભુત લાગ્યો અને તેણે રાજુને જણાવ્યું કે, 'એક અભિનેતા તરીકે મને સંજય દત્તનો રોલ એટલો ગમી ગયો છે કે તેણે મારું દિલ જીતી લીધું છે, પણ તે રોલ રણબીર કરી રહ્યો હોવાથી તમે મને આ ફિલ્મ માટે બીજો કોઇ રોલ ઓફર કરશો નહીં.'
આમિરે એમ પણ કહ્યું કે, 'રણબીર સારો એક્ટર છે અને મને વિશ્વાસ છે કે રણબીરે 'સંજુ'માં ઘણું સારું કામ કર્યું હશે. હું આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સુક છું.' તેણે સુનિલ દત્ત સાથેની યાદો તાજી કરતા જણાવ્યું કે, 'તે દિવસોમાં તેઓ મને દિવાળી, ઇદ, જન્મદિનની શુભેચ્છા પાઠવવા ટેલિગ્રામ મોકલતા હતા. મારી ફિલ્મ સારો બિઝનેસ કરે તો મને અભિનંદન પાઠવતો પત્ર લખતા.' ઉલ્લેખનીય છે કે 'સંજુ'નું ટીઝર લોકોને ખૂબ ગમ્યું છે. આ ફિલ્મ ૨૯ જૂને રિલીઝ થઇ રહી છે.

