ઈસ્લામોફોબિયાના કથિત કિસ્સા બદલ સાંસદ બોબ બ્લેકમેનની ભારે ટીકા

Friday 08th June 2018 06:52 EDT
 
 

લંડનઃ ભારતથી યુકેની મુલાકાતે આવેલા હિંદુ સમાહિતીના નેતા તપન કે ઘોષની ગત ૧૮ ઓક્ટોબર, ૨૦૧૭ની બેઠકમાં હાજરી આપવા બદલ હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેન રાજકીય અને ધાર્મિક વિવાદનું કેન્દ્ર બની ગયા છે.

‘ટોલરેટિંગ ધ ઈનટોલરન્ટ’ ગણાવાયેલી આ ‘વિવાદાસ્પદ’ બેઠક પાર્લામેન્ટના કમિટી રૂમમાં યોજાઈ હતી. તેનું આયોજન બ્રિટિશ બોર્ડ ઓફ હિંદુ સ્કોલર્સની સાથે નેશનલ કાઉન્સિલ ઓફ હિંદુ ટેમ્પલ્સ (યુકે) દ્વારા કરાયું હતું. આ રૂમનું બુકિંગ ઓલ પાર્લામેન્ટરી ગ્રૂપ ફોર બ્રિટિશ હિંદુના કન્ઝર્વેટિવ ચેરમેન અને સાંસદ બોબ બ્લેકમેન દ્વારા કરાવાયું હતું. ફ્લાયર પર ‘ચાવીરૂપ વક્તવ્ય’ ‘શ્રી તપન કે ઘોષ’ આપશે તેમ જણાવાયું હતું.

મીડિયા અહેવાલ મુજબ ઘોષે ભાષણમાં જણાવ્યું હતું કે હિંદુ દીકરીઓ અને યુવતીઓને આંચકી લેવાય છે. અને લોકશાહી હિંદુઓ માટે વધુ જોખમી બની રહી છે. પરંતુ, પ્રેક્ષકગણમાં હાજર એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે કેટલાક લોકોને બિનજરૂરી શ્રેય અપાય છે. તપન ઘોષનો તો અવાજ પણ સંભળાતો ન હતો. તે તો બોલી પણ શકતા ન હતા.

મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટન (MCB)એ કન્ઝર્વેટિવ પાર્ટીના ચેરમેન બ્રેન્ડન લુઈસને પત્ર લખીને બોબ બ્લેકમેન પર ઈસ્લામોફોબિયાને મંજૂરીની મહોર મારતા હોવાનો અને ફેસબુક પર મુસ્લિમ વિરોધી પોસ્ટ શેર કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.

તેના પ્રત્યુત્તરમાં કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ આવી તમામ ઘટનાઓની ગંભીર નોંધ લે છે અને તેને લીધે જ અયોગ્ય વર્તન કરનારને સસ્પેન્ડ કરીને તેમની સામે તપાસ હાથ ધરાઈ છે.

જોકે, બ્લેકમેને તમામ આક્ષેપ નકારી કાઢ્યા હતા. ફેસબુક ગ્રૂપ પર તેમની પરવાનગી વિના કોઈકે પોસ્ટ મૂકી હતી. પાર્લામેન્ટમાં તપન ઘોષની યજમાની તેમણે કરી ન હતી.


comments powered by Disqus