કાકડી ખાવામાં સામાન્ય સ્વાદ ધરાવે છે, પરંતુ ઉનાળામાં કાકડી ખાસ ખાવી જોઈએ, કેમ કે તે ખૂબ જ ઠંડક આપનારી અને પિત્તનાશક છે. કાકડી તરસ છીપાવવામાં પણ કામે લાગે છે. તેનાથી રક્તપિત્ત ઓછું થાય છે તેમજ બળતરા પણ શાંત થાય છે. આમ કાકડી ખાવાથી અનેક ફાયદા થાય છે. આવો, આજે જાણીએ કાકડી ખાવાના ફાયદા અને ગુણ વિશે...
• કાકડીમાં વિટામિન સી અને બી ભરપૂર માત્રામાં હોય છે તેમજ વિટામિન-એ પણ થોડીક માત્રામાં મળી આવે છે. • કાકડીમાં સોડિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, ક્લોરાઇડ, સલ્ફર અને લોહ વગેરે તત્ત્વો પણ મળી રહે છે. • કાકડી ઠંડી, પિત્તનાશક અને મૂત્રની માત્રામાં વધારો કરે છે. તેથી પથરી વગેરે જેવા રોગોમાં મૂત્ર ઓછું આવતું હોય અને બળતરા થતી હોય તેમને તેનું સેવન કરવાથી લાભ થાય છે. • કાકડીનું રાયતું પણ બનાવી શકાય છે. કાકડી અને દહીં સાથે ખાવાથી ચિડચિડાપણું અને માનસિક વિકાર પણ દૂર થાય છે. • કાકડીને છોલીને તેની અંદર સિંધાલુણ અને કાળા મરી નાખીને ખાવાથી ભૂખ વધે છે. • ગરમીને લીધે શરીર પર જો બળતરા થતી રહી હોય તો કાકડીને શરીર પર ઘસવાથી લાભ થાય છે. • ગરમીને લીધે આંખો લાલ થઈ ગઈ હોય, બળતરા થતી હોય, થાક લાગતો હોય તો કાકડી છીણીને તેને બંધ આંખો પર લગાવવાથી ઠંડક મળે છે.

