વોશિંગ્ટન: અમેરિકામાં ભારતીય ટીનેજર પ્રતિષ્ઠિત સ્ક્રાઇપ્સ નેશનલ સ્પેલિંગ બીનો ખિતાબ જીત્યો છે. છેલ્લા ૧૧ વર્ષમાં ભારતીય-અમેરિકી સમુદાયનો આ ૧૪મો વિજેતા છે. કાર્તિક નેમ્માની નામના આ ટીનેજરે ભારતીય મૂળની જ હરીફ ન્યાસા મોદીને પરાસ્ત કરીને આ સ્પર્ધા જીતી લીધી હતી. કુલ ૫૧૬ સ્પર્ધકોમાંથી કાર્તિક અને ન્યાસા જ આખરી રાઉન્ડ સુધી પહોંચ્યા હતા.
આઠમા ધોરણમાં અભ્યાસ કરતા ૧૪ વર્ષના કાર્તિક નેમ્માનીએ કોઈનોનિયા (KOINONIA)નો સાચો સ્પેલિંગ બોલીને આ સ્પર્ધા જીતી હતી. આ સાથે જ તેણે ૪૨ હજાર ડોલરની પ્રાઇઝ મની ઉપરાંત ઢગલોબંધ પુરસ્કાર મેળવ્યા છે. કોઈનોનિયાનો અર્થ થાય છે ખ્રિસ્તી ફેલોશીપ અથવા કોમ્યુન.
કાર્તિકને પ્રાઇઝ મની તરીકે ૪૦,૦૦૦ ડોલર અને એક ટ્રોફી ઉપરાંત મરિયમ-વેબસ્ટર ડિક્શનરી તરફથી એક સંપૂર્ણ રેફરન્સ લાયબ્રેરી, મીડિયા ટુરના એક ભાગરૂપે ન્યૂ યોર્ક અને હોલિવૂડની ટ્રીપ તેમજ તેની શાળા માટે પિત્ઝા પાર્ટી ભેટમાં મળ્યા છે.
‘મને વિશ્વાસ હતો, પણ ખરેખર આવું બનશે તેનો વિચાર જ કર્યો નહતો’ એમ કહીને કાર્તિકે ઉમેર્યું હતું કે જે પળે તેણે આ શબ્દ સાંભળ્યો કે તરત જ તેને ખ્યાલ આવી ગયો હતો કે તે આનો સાચો સ્પેલિંગ જણાવી શકશે.
કુલ ૫૧૬ સ્પર્ધકો પૈકી ૪૧ સ્પર્ધકો અંતિમ રાઉન્ડમાં પહોંચ્યા હતા. મેરીલેન્ડમાં ગેલોર્ડ નેશનલ રિસોર્ટ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજીત આ સ્પર્ધાના ૯૩ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર આટલી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અંતિમ રાઉન્ડમાં પહોંચેલા ૧૬ સ્પર્ધકોમાં નવ છોકરીઓ અને સાત છોકરાઓ હતા. કાર્તિકે કહ્યું હતું કે તે લોકલ સ્પર્ધામાં તો ન્યાસા મોદીની સાથે ૨૦ રાઉન્ડ સુધી નેક ટુ નેક રહ્યો હતો. આ પછી જ તેને નેશનલ સ્પેલિંગ બી માટે આમંત્રણ મળ્યું હતું.
કાર્તિકને રોબોટિક્સ પસંદ
છેલ્લાં તબક્કામાં પહોંચેલા ૧૬ સ્પર્ધકોની વય ૧૧-૧૪ વર્ષ વચ્ચે હતી. ખિતાબ જીત્યા બાદ કાર્તિકે કહ્યું હતું કે આ તો સપનું સાચું સાકાર થવા જેવું બન્યું છે. સ્પેલિંગમાં માહિર કાર્તિકને ટેનિસ રમવું અને શિકાગો બૂલ્સ તથા ડેનવર બ્રોન્કોસ જોવું પસંદ છે.
તેને રોબોટિક્સ પણ ખૂબ પસંદ છે. ગયા વર્ષે ભારતીય મૂળના ટીનેજર અનન્ય વિનયે આ અતિ પ્રતિષ્ઠત પ્રતિયોગિતામાં વિજય મેળવ્યો હતો.

