લંડનઃ તા.૨૩ મેને બુધવારે હાઉસ ઓફ કોમન્સમાં યોજાયેલા સમારોહમાં ૫મો અતુલ પાઠક કોમ્યુનિટી એવોર્ડ્સ વિતરણ સમારોહ યોજાઈ ગયો. તેમાં સમાજના કલ્યાણ અને ઉત્કર્ષમાં મહત્ત્વનું યોગદાન આપવા બદલ લંડન અને બર્કશાયરના સ્થાનિક ગ્રૂ્પ્સનું એવોર્ડ દ્વારા સન્માન કરાયું હતું. એવોર્ડ વિજેતાઓમાં ફ્રેર્ન બાર્નેટ કોમ્યુનિટી લાઈબ્રેરી, મેઈડનહેડ સ્થિત બ્રેવિક ચેરિટેબલ ટ્ર્સ્ટ, બ્રેકનેલ ફાયરફાઈટર્સ ચેરિટી અને હેસના હેલો ચીલ્ડ્રન્સ ફાઉન્ડેશનનો સમાવેશ થતો હતો. અન્ય વિજેતાઓમાં ઈલિંગ સ્ટ્રીટ પેસ્ટર્સ, વિન્ડસર બેપ્ટિસ્ટ ચર્ચ ખાતેની ટ્રી હાઉસ કાફે તેમજ જૂનમાં યોજાનારા ક્રિકલવુડ અને ઈસ્ટ ફિંચલી ફેસ્ટિવલ્સનો સમાવેશ થાય છે. થિંક ટેન્ક ‘સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ’ને સ્પેશિયલ એવોર્ડ અપાયો હતો.
કાર્યક્રમની યજમાની ચીપીંગ બાર્નેટના કન્ઝર્વેટિવ સાંસદ થેરેસા વિલિયર્સે કરી હતી. વોટફર્ડના કન્ઝર્વેટિવ સાંસદ અને મિનિસ્ટર ફોર બિઝનેસ રિચાર્ડ હેરિંગ્ટને પ્રારંભિક પ્રવચન આપ્યું હતું. અતુલ પાઠક OBEએ તેમના ભાષણમાં સમાજને પાછું વાળવાની બાબતનું તેમને મહત્ત્વ હોવાનું જણાવ્યું હતું. સાંસદ વીરેન્દ્ર શર્માએ પાઠકને તેમની ઉદારતા બદલ ધન્યવાદ પાઠવ્યા હતા. સામરોહ દરમિયાન કુલ નવ એવોર્ડ એનાયત કરાયા હતા અને દરેકને સન્માનપત્ર તેમજ તેમના કોઈ ખાસ પ્રોજેક્ટ કે ઉદેશ માટે ડોનેશન પણ અપાયું હતું.
અતુલ પાઠક Appt કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર છે અને તે યુકેની અગ્રણી મેકડોનાલ્ડની ફ્રેન્ચાઈઝી છે અને લંડનમાં આવેલી ૩૧ રેસ્ટોરાં દ્વારા ૨૪ મિલિયન ગ્રાહકોને સેવા પૂરી પાડે છે.

