રાજકીય ચોપાટને રાત-દિવસનો કોઈ વિરામ ક્યાંથી હોય? ૨૦૧૯ની રાષ્ટ્રીયસ્તરની લોકસભા ચૂંટણી તરફ બધાંની નજર છે. પહેલાં કર્ણાટક અને પછી પેટા-ચૂંટણીનાં પરિણામોએ પક્ષોને સક્રિય કરી દીધા! કોંગ્રેસને માટે ૨૦૧૪થી તો સા-વ નિસ્તેજ સમય ચાલતો હતો ત્યાં કર્ણાટકમાં - વૈશાખીના ટેકે - હિંમત આવી છે. દેવે ગૌડા ભલે દેખાવે ગામડિયો નેતા લાગે, વિચક્ષણ છે. જે પક્ષે - કોંગ્રેસે - તેમનાં વડા પ્રધાન પદને જ જોખમમાં મુકી દીધું હતું તેને જ ગળે વળગાડવામાં કસર રાખી નહીં અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં યે વખાણ કર્યાં! બે હાથમાં લાડુ રાખવાનું તેમનું વલણ તેમના પક્ષના મુખ્ય પ્રધાન બને ત્યાં સુધી દોરી ગયું.
જોકે દેવે ગૌડાએ ચતુરાઈપૂર્વક કોંગ્રેસને જ ઓફર કરી હતી કે તમારા પક્ષનો મુખ્ય પ્રધાન બને તેમાં અમોને કોઈ વાંધો નથી. કોંગ્રેસે પુરાણી હિકમત અજમાવી. જનતા પક્ષની કેન્દ્રીય સરકારને તોડવા માટે તેમણે ચૌધરી ચરણસિંહ, ચંદ્રશેખરની લઘુમતી સરકારોને ટેકો આપીને પછી દોરી ખેંચી લીધી હતી. ઇન્દરકુમાર ગુજરાલનું યે એવું થયું. વિશ્વનાથ પ્રતાપ સિંહે તો જાતે જ રાજકીય આપઘાત વહોરી લીધો અને ‘ડાબેરીઓ જ મારા સ્વાભાવિક સાથીદારો છે’ એમ કહ્યું એટલે ભાજપે ટેકો પાછો ખેંચી લીધો ને વિશ્વનાથનો રાજકીય પ્રતાપ અસ્ત થયો.
‘જો’ અને ‘તો’...
કર્ણાટકના તમામ પક્ષોને આ પાછલા ઇતિહાસની જાણ છે એટલે લાગ્યું તો તીર નહીં તુક્કો તો ખરો જ – એવી હિંમતથી ગઠબંધનની સરકાર રચાઈ. રાહુલને એવું લાગે છે કે ૨૦૧૯માં આ બધા પક્ષોની ટેકણલાકડી વાપરીને કેન્દ્રમાં સત્તા હાંસલ કરી શકાય તો કેવું? એટલે કર્ણાટકની જાહેર સભામાં તેણે જાહેર કરી દીધું કે આગામી ચૂંટણીમાં હું વડો પ્રધાન થઈશ, જો...
આ ‘જો’ શબ્દ મસમોટો વાઘ છે. રાહુલની સાથે રહેવામાં પ્રાદેશિક પક્ષોની નિયત એકદમ સ્પષ્ટ છે કે પોતાના પ્રદેશમાં જીતવામાં પહેલા નંબરે રહેવું, વધુ સંસદ સભ્યો પોતાના હોય અને કોંગ્રેસ બીજા ક્રમે હોય! બસપા, સપા, તેલુગુ દેશમ્, જેડી (એસ), જેડી (યુ)નો, ટીએમસી, એકાદ દ્રવિડ કઝગમ, મુસ્લિમ લીગ, એનસીપી અને બીજા કેટલાક પણ ‘રાષ્ટ્રીય મોરચો’ અર્થાત્ ‘મહાગઠબંધન’ રચે તેમાં કોંગ્રેસ પણ એક ભાગ હોય, ચૂંટણી જીતે, ભાજપને હરાવે (ઇરાદો તો એવો પણ છે કે ભાજપનો શક્તિસ્તંભ નેતા નરેન્દ્ર મોદીને પરાસ્ત કરે, અમિત શાહને ગુજરાત ભેગા કરે, આર.એસ.એસની શક્તિને ક્ષીણ કરી દે!) અને સત્તા પર આવે.
- પણ પછી?
- વડા પ્રધાન કોણ?
કેટકેટલા મુરતિયા?
સોનિયા ગાંધી? રાહુલ ગાંધી? પ્રિયંકા ગાંધી? પી. ચિદંબરમ્? ખડગે? ગુલામનબી આઝાદ? કપિલ સિબ્બલ? અહમદ પટેલ? ડો. મનમોહન સિંહ? અમરિન્દર સિંહ?
કે પછી મમતા બેનરજી? શરદ પવાર? ચંદ્રાબાબુ નાયડુ? દેવે ગૌડા? બીજુ પટનાયક? માયાવતી? અખિલેશ? મુલાયમ સિંહ? કોણ? અને જો ડાબેરીઓ ટેકો આપે કે વધુ સીટો મેળવે તો સીતારામ યેચુરી પણ દાવો કરી શકેને?
પ્રેમાનંદના એક આખ્યાનમાં ‘ઋતુપર્ણના વરઘોડા’નું રોચક બયાન છે. ૨૦૧૯માં ‘કોંગ્રેસ સહિતનું મહાગઠબંધન’ અથવા કોંગ્રેસ સિવાયનો રાષ્ટ્રીય – આમ તો પ્રાદેશિક પક્ષોનો - મોરચો ચૂંટણી લડે તો આ દૃશ્યાવલિ નિશ્ચિત છે. બહુબોલકો પણ મોઢામોઢ સાચું કહી દેનારો મીડિયા-વિશ્લેષક અર્ણવ ગોસ્વામી કહે છે કે આવું બને તો દેશમાં રાજકીય અસ્થિરતા તદ્દન નિશ્ચિત છે. અંગ્રેજી મીડિયામાં આ પ્રશ્ને ચર્ચાનો સિલસિલો જારી છે. પક્ષોના પ્રવક્તાઓ ઉપરાંત રાજકીય વિશ્લેષકો તડાફડી બોલાવે છે. પણ એ ગમ્યું કે પોતાના આગ્રહો-પૂર્વગ્રહો હોવા છતાં ચર્ચામાં દમ હોય છે. કમનસીબે ગુજરાતી મીડિયામાં તેવો અભાવ છે અને મોટા ભાગે સપાટી પરનાં નિરીક્ષણો દેખાય છે.
ગુજરાતમાં તૈયારી
૨૦૧૯ની ચૂંટણીનો પડછાયો ગુજરાતમાં ન હોય એવું કેમ બને? અહીં ભાજપ છે, કોંગ્રેસ છે, પાટીદાર આંદોલન છે, તથાકથિત દલિત ચળવળ છે. ખેડૂતોનો સળવળાટ છે. નાના-મોટાં જૂથોની માગણીઓ છે. અગાઉ પણ આ હતું જ, પણ લોકસભાની બેઠકોમાં ગુજરાત પાછળ રહી જાય તે ભાજપને પાલવે તેવું નથી. ગુજરાત કોંગ્રેસ હજુ રાહ જોવાની દશામાં છે કે મોવડીમંડળ (એટલે કે રાહુલ ગાંધી) કેવી વ્યૂહરચના નક્કી કરે છે? હાર્દિકનો ટેકો લેવો? જિજ્ઞેશનો હાથ પકડવો? પક્ષની અંદર અલ્પેશને આગળ ધરવો?
જોકે કોંગ્રેસના આંતરિક વર્તુળોને આ ત્રણેમાં કોઈ મોટો ભરોસો નથી. પક્ષે પોતાની રીતે બળ બતાવવું જોઈએ, કાંખ-ઘોડીથી ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં સત્તા હાંસલ કરી શકાય નહીં. ઊલટાનું ધારાસભ્યોને બેંગ્લોરમાં પૂરી રાખવા પડ્યા અને મોટો તમાશો થયો તે કોઈને ય ગમ્યું નથી, અહમદ પટેલને પણ નહીં! કેમ કે જો આ બધાંનો ટેકો લેવાનો આવે તો ત્રણે પોતાના ઉમેદવારોને ટિકિટ આપવાનો આગ્રહ રાખશે, તો પછી કોંગ્રેસના જૂના લોકોનું શું થાય?
ભાજપની મોટી ચિંતા ‘માસ પાર્ટી’ બનવાથી સત્તા અને સગવડો મેળવવા માટે ઘૂસી ગયેલા લોકોની છે. આજકાલ તેવા લોકો (જે પક્ષમાં હોદ્દેદારો પણ બની જાય છે) ભ્રષ્ટાચારના મોટા કૌભાંડોમાં સંડોવાયેલાના આરોપો પોલીસ ચોપડે ચડ્યા છે. પ્રજામાં આની ખરાબ અસર જરૂર થતી હોય છે. દરેક વખતે પગલાં પણ કેવાં અને કેટલાં લેવા? આ મોટો પ્રશ્ન છે.
તે બધા તો ગયા, પણ...
હમણાં એક મિત્રે ગણતરી કરી કે છેલ્લાં ત્રીસેક વર્ષોમાં ગુજરાતે કેવા ખમતીધર મહાનુભાવો (જુદા જુદા ક્ષેત્રના) ગૂમાવ્યા, તેની પૂર્તિ કરવાનો પડકાર ઊભો છે. કેટલાંક નામો આ રહ્યાંઃ ઘનશ્યામ ઓઝા, ચીમનભાઈ પટેલ, હિતેન્દ્ર દેસાઈ, ઠાકોરભાઈ દેસાઈ, જયંતિ દલાલ, ઇન્દુલાલ યાજ્ઞિક, વસંતરાવ ગજેન્દ્ર ગડકર, મકરંદ દેસાઈ, ચીમનભાઈ શુકલ, એચ. એમ. પટેલ, બાબુભાઈ જ. પટેલ, રામલાલ પરીખ, હરીસિંહજી ગોહિલ, રતુભાઈ અદાણી, રસિકલાલ પરીખ, પં. સુખલાલજી, રસિકભાઈ છો. પરીખ, સુંદરમ્, ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત. એસ. આર. ભટ્ટ, વિદ્યાગૌરી નિલકંઠ, બી. કે. મજુમદાર, પુષ્પાબહેન મહેતા, મ.કુ. હિંમતસિંહજી, રવિશંકર મહારાજ, ડો. વસંત પરીખ, દ્વારિકાદાસ જોશી, જસવંત મહેતા, સનત મહેતા, વાસુદેવ મહેતા, ઇશ્વરલાલ દેસાઈ, ધીરુભાઈ દેસાઈ, મનુભાઈ પંચોળી, દિનકર મહેતા, દિલીપ રાણપુરા, વિનોદ ભટ્ટ, બકુલ ત્રિપાઠી, શેઠ હરગોવનદાસ, અશોક ભટ્ટ, કાશીરામ રાણા, ઢેબરભાઈ, ધ્રોળ ઠાકોર, અરવિંદ આચાર્ય, નરેન્દ્ર પી. નથવાણી, વીરેન શાહ, રવિશંકર રાવળ, ગોવિંદજીભાઈ શ્રોફ, મકરંદ દવે, ઉશનસ, બચુભાઈ રાવત, જયંત પાઠક, મંજુલાબેન દવે...
આ યાદી પણ સંપૂર્ણ નથી. મહત્ત્વનો પ્રશ્ન એ છે કે આ મૂર્ધન્યો તો પોતાની રીતે કાર્યક્ષેત્રોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી ગયા, તેના અનુગામીઓ? આ પ્રશ્ન જ નથી, પડકાર પણ છે. રાજકારણ, અર્થકારણ, સમાજજીવન, શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં તેવું પ્રદાન કરતી શક્તિ પેદા થવી જોઈએ તો પરંપરા નિભાવી ગણાશે.

