આમ જોવા જઈએ તો ચોકલેટ ખાવી એ જીવનનું સદોષ સુખ છે પણ તાજેતરનો અભ્યાસ સૂચવે છે કે નિયમિત ચોકલેટ બાર ખાવાનું સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. હાર્વર્ડ સ્કૂલના નિષ્ણાતોના જણાવ્યા મુજબ જો અઠવાડિયામાં છ વખત ચોકલેટ ખાવામાં આવે તો હાર્ટના રોગોનું જોખમ ઘટે છે. આને કારણે અનિયમિત હૃદયના ધબકારામાં ૨૦ ટકાનો ઘટાડો થાય છે. મહિલાઓ કરતાં પુરુષો માટે ચોકલેટ ખાવાનું વધુ ગુણકારી છે. મહિલાઓએ અઠવાડિયામાં ૩૦ ગ્રામથી વધુ ચોકલેટ ખાવી જોઇએ નહીં. નિયત મર્યાદામાં ચોકલેટ ખાવાથી તેમનાં હૃદયના અનિયમિત ધબકારામાં ૨૧ ટકાનો સુધારો થાય છે. જો મહિલાઓ વધુ ચોકલેટ ખાય તો તેને થતા લાભમાં ઘટાડો થાય છે.
એન્ટિઓક્સિડન્ટ ગુણ
અલબત્ત પુરુષો માટે અઠવાડિયામાં બે વખત કે વધુમાં વધુ છ વખત ચોકલેટ ખાવાનું ગુણકારી છે. આથી હાર્ટ સંબંધિત રોગોનું જોખમ ઘટે છે. સામાન્ય રીતે હાર્ટના દર્દીને ખોરાકમાં મીઠાઈ, ગળપણ કે ફેટ્ટી એસિડ ધરાવતી વસ્તુઓ નહીં ખાવાની સુચના આપવામાં આવે છે. જોકે ચોકલેટ એન્ટિઓક્સિડન્ટ ગુણ ધરાવે છે અને તેનાથી પેટમાં એસિડીટી થતી નથી અને તે હાર્ટના રોગ અટકાવે છે.
હૃદયના અનિયમિત ધબકારાને મેડિકલ ટર્મિનોલોજીમાં એટ્રિઅલ ફાઈબ્રિલેશન તરીકે ઓળખવામાં આવે છે. ઈંગ્લેન્ડમાં હૃદયના ધબકારા ઝડપથી કે અનિયમિત ચાલતા હોવાના કારણે હાર્ટના રોગ થયા હોય તેવા નવ લાખ દર્દીઓ છે. હૃદયના અનિયમિત ધબકારાને કારણે હૃદયરોગનો હુમલો આવવાની કે વહેલું મૃત્યુ થવાની શક્યતા ઘણી વધી જાય છે. સંશોધકોનું માનવું છે કે કોકોમાં ફ્લેવેનોઈડ નામનું કુદરતી એન્ટિઓક્સિડન્ટ હોય છે. જે બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ અને એસિડીટી ઘટાડવાનું કામ ઘટાડો કરે છે.

