ધનલક્ષ્મીબેન કનુભાઇ પટેલનું સાવલીમાં દેહાવસાન

Wednesday 06th June 2018 08:03 EDT
 
 

જાણીતા નાટ્ય કલાકાર અને ગુજરાત સમાચારના પૂર્વ એડવર્ટાઇઝીંગ મેનેજર શ્રીમતી રશ્મિબેન અશ્વિનકુમાર અમીનના માતુશ્રી ધનલક્ષ્મીબેન કનુભાઇ પટેલ તા.૪-૬-૧૮ના રોજ સાવલી ખાતે ભગવાન શ્રી સ્વામીનારાયણના ધામમાં જતા એમના પરિવારમાં માતુશ્રીની ન પૂરાય એવી ખોટ પડી છે. પાંચ દિકરીઓ અને એક પુત્ર ચિ.સંતોષના માતુશ્રી ૮૫ વર્ષની વયે પણ પોતાનું કામ જાતે જ કરતાં અને ઉદાર વિચાર સરણી ધરાવતા ધર્મ પરાયણ અને પ્રેમાળ વ્યક્તિ હતાં. ૩૧ વર્ષ અગાઉ પતિશ્રીની ચિર વિદાય બાદ જીવનમાં ઘણી તડકી-છાંયડી વેઠી એકલે હાથે સંતાનોની પરવરિશ કરી સંસ્કાર સિંચન કર્યું હતું. જીવનના છેલ્લા શ્વાસ સુધી સાવલીના સ્વામિનારાયણ મંદિરના મહિલા વિભાગના સંચાલનની જવાબદારી નિભાવી હતી.

સદ્ગતની અંતિમ યાત્રામાં વિશાળ સંખ્યામાં માનવમેદની ઉમટી ભાવભરી અંજલિ અર્પી હતી.

એમણે અગાઉથી દિકરા સંતોષને કહ્યુંહતું કે, મારા મૃત્યુ બાદ બેસણું નહિ રાખતા. ગરમીના દિવસોમાં લોકોને તકલીફ આપવી એ ક્યાંનો ન્યાય? તેઓ પોતપોતાની ઘેર મારા માટે પ્રાર્થના કરી લે એવું સૂચન કરવા અરજ કરી હતી. એમણે દિકરીઓને પણ લંડન ફોન કરી જણાવ્યું હતું કે મારા ગયા પછી દેશમાં આવવાની જરૂર નથી. ત્યાં તમે કેટલી મહેનત કરી પૈસા કમાવ છો તો બગાડવાની અને દોડાદોડી કરવાની જરૂર નથી! મારી પાછળ રડશો નહિ. એક દિવસ બધાને જવાનું જ છે.

સહનશીલતા અને મમતાની મૂર્તિ સમાન માના જવાનો ગમ વિશાળ પરિવારને થાય પરંતુ માનું વચન પાલન કરવા મન પર કાબુ મેળવવા કટિબધ્ધ થયા. માની આજ્ઞા અનુસાર બેસણું ન રાખવાને કારણે સૌ કોઇએ એમની દીર્ઘ દ્રષ્ટિને સલામ ભરી હતી. સમાજમાં આવા પ્રેક્ટીકલ સુધારા કરવાની જરૂરનું આ ઉદાહરણ છે.

સદ્ગત આત્માને સ્વામીબાપા ચિરશાંતિ અર્પે અને કુટુંબીજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી ગુજરાત સમાચાર પરિવારની પ્રાર્થના. ઓમ શાંતિ: શાંતિ: શાંતિ:

સંપર્ક: Rashmiben Amin 020 8200 0021 / 07932 790 245


comments powered by Disqus