નવીન કુંદ્રાના ‘ડોક્ટર્સ’ના સીનને બ્રિટિશ સોપ એવોર્ડ

Wednesday 06th June 2018 06:57 EDT
 
 

લંડનઃ બીબીસી સોપ ‘ડોક્ટર્સ’ના એક સીનને અને ‘ઈસ્ટ એન્ડર્સ’ના એક સીનને બ્રિટિશ સોપ એવોર્ડ્સ માટે સંયુક્ત વિજેતા જાહેર કરાતા બ્રિટિશ એશિયન ગાયક નવીન કુંદ્રાએ ઈતિહાસ રચ્યો હતો. લંડનના હેકની એમ્પાયર થિયેટરમાં તા. ૨ જૂનને શનિવારે ૨૦મા વાર્ષિક બ્રિટિશ સોપ એવોર્ડ્સનું આયોજન થયું હતું. તેમાં બ્રિટનની શ્રેષ્ઠ સિરીઝના જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહનું આઈટીવી પર જીવંત પ્રસારણ કરાયું હતું.

એવોર્ડ્સના ઈતિહાસમાં પ્રથમ વખત ખૂબ સ્પર્ધાત્મક એવો ‘સીન ઓફ ધ યર’ એવોર્ડ જજીંગ પેનલના નિર્ણય બાદ ‘ડોક્ટર્સ’ અને ‘ઈસ્ટેન્ડર્સ’ બન્નેને સંયુક્ત રીતે અપાયો હતો.

ડોક્ટર્સના આ એવોર્ડ વિજેતા સીનનું પ્રસારણ તા.૯ જૂન, ૨૦૧૭ને શુક્રવારે કરાયું હતું જેમાં ‘બોલિવુડ પ્રપોઝલ’નો સમાવેશ કરાયો હતો. તેમાં નવીન કુદ્રાએ તેમનું હીટ ગીત ‘મેહબૂબા’ ગાયું હતું. તેમણે આ ગીત દ્વારા અગાઉ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. તેમણે આ ગીત શાહી પરિવાર માટે પણ રજૂ કર્યું હતું અને તેમાં પ્રિન્સ ચાર્લ્સે કેમિલાને પોતાની ‘મેહબૂબા’ કહ્યા હતા. આ વાત ખૂબ પ્રસિદ્ધ થઈ હતી. નવીને આ એપિસોડ માટે ગીતની નવું ઈંગ્લિશ રૂપાંતરણ તૈયાર કર્યું હતું.

નવીન કુંદ્રાએ જણાવ્યું હતું, ‘ અમે આ એવોર્ડ જીત્યા તેનો ખૂબ આનંદ છે. કશુંક નવું અને અદભૂત કરીને બ્રિટિશ સોપ્સની સીમાઓ તોડવા બદલ હું ‘ડોક્ટર્સ’ની આખી ટીમનો આભાર માનું છું. હું હિંદી અને ઈંગ્લિશમાં ગીત બનાવું છું અને બન્ને સંસ્કૃતિની એકસાથે વિશિષ્ટ રીતે રજૂઆત કરવા માટે મને આ ખૂબ યોગ્ય મંચ લાગ્યો હતો.’

નવીન કુંદ્રા હવે આ સમરમાં તેમની પ્રથમ બોલિવુડ ફિલ્મમાં મોટા પરદે દેખાશે. તેમાં તે અભિનેતા તરીકે શરૂઆત કરશે. યુકે અર્બન ચાર્ટ્સમાં સતત ત્રણ વખત ટોપ ૨૦ ઈંગ્લિશ સીંગલ્સમાં ‘ટીઅર ઈટ અપ’, ‘નો ગેમ્સ’ અને ‘બર્નિંગ સ્લો’ જેવા શ્રેષ્ઠ ગીતો સાથે ધૂમ મચાવનાર નવીન કુંદ્રા હવે પોતાના પ્રથમ સોલો યુકે કોન્સર્ટ ‘વોઈસ ઓફ લેજન્ડ્સ’ની તૈયારી કરી રહ્યા છે. આ ત્રણ કલાકનો સંગીત અને નૃત્યનો કાર્યક્રમ છે. તેમાં બોલિવુડ સિનેમાના દિગ્ગજ કલાકારોને ગીત-સંગીત દ્વારા ભાવાજંલિ અપાશે. આ કાર્યક્રમ લંડનના બેક થિયેટરમાં આગામી તા. ૨૨ જૂને યોજાશે. તેની ટિકિટો www.becktheatre.org.uk. પરથી મેળવી શકાશે.


comments powered by Disqus