બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ લીંબડી ખાતે વિચરણ કરી રહ્યા છે. અગાઉ તેમણે ૧૪ દિવસ સુધી રાજકોટ ખાતે વિચરણ કર્યું હતું. રાજકોટમાં સેવા દિન, સાર દિન અને સ્મૃતિ દિનની ઉજવણી કરાઈ હતી. તેમાં પૂ. આત્મસ્વરૂપ સ્વામીએ પૂ. મહંતસ્વામીના દેશ – વિદેશના વિચરણના વિવિધ પ્રસંગો રજૂ કર્યા હતા. આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ સૌને સંપ, સુહૃદભાવ અને એકતા રાખવા તેમજ એકબીજામાં દિવ્યભાવ રાખવાની શીખ સાથે બધામાં દાસભાવ રાખવા હરિભક્તોને જણાવ્યું હતું. યુવકોએ નાટક, નૃત્ય, સ્કીટ ડિબેટ અને ક્વિઝ રજૂ કર્યા હતા. મંદિરના પ્રાંગણમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેનો ૧૨,૦૦ ભક્તોએ લાભ લીધો હતો. જ્યારે રક્તદાન કેમ્પમાં ૪૩૫ બોટલ બ્લડ એકત્ર કરાયું હતું. સ્મૃતિદિને પૂ. મહંત સ્વામીએ જણાવ્યું હતું, ‘અમારે આવવાનું કે જવાનું છે જ નહીં, જ્યારે જ્યારે તમે અમારી સ્મૃતિ કરશો ત્યારે અમે તમારી સાથે જ છીએ. જો આ સમજણ હશે તો અંતરમાં શાંતિ અને સુખ વર્તશે.’ અંતિમ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ૧૨ દિવસની સાર રૂપી રજૂઆત કરાઈ હતી. સંતોએ પૂ. મહંત સ્વામીને કલાત્મક વિદાય હાર પહેરાવી ગુરુ ભક્તિ અદા કરી હતી. પૂ. મહંત સ્વામી રવિવાર તા. ૩ જૂને વિચરણ માટે લીંબડી પહોંચ્યા હતા. લીંબડીમાં સૌ હરિ ભક્તોને તેમણે સંપ, સદભાવ અને એકતાના ગુણોને વધુ દ્રઢ બનાવવાની શીખ આપી હતી. તેઓ શુક્રવાર તા. ૮ જૂન સુધી લીંબડીમાં વિચરણ બાદ ભૂજ જશે.

