લંડનઃ તાજેતરમાં સાઈકિઆટ્રિસ્ટસને સંડોવતા એક મોટા કૌભાંડનો ‘સન્ડે ટાઈમ્સ‘ દ્વારા પર્દાફાશ કરાયો હતો. તેઓ બીમાર લોકોને રેફર કરવા બદલ પ્રાઈવેટ ક્લિનિક્સ પાસેથી હજારો પાઉન્ડની રકમ લાંચ તરીકે વસૂલતા હતા. એક અંડરકવર રિપોર્ટરે એક સાઈકિઆટ્રિસ્ટનો વીડિયો ઉતાર્યો હતો તેમાં તેણે કબૂલ્યું હતું કે તેને માત્ર એક મહિલા દર્દીને રેફર કરવા બદલ ખૂબ મોટી લગભગ ૫૦,૦૦૦ પાઉન્ડની રકમ અપાઈ હતી. દસ્તાવેજી પૂરાવા ને લીધે અન્ય એક ડોક્ટરે તેને અપાયેલી ૭૬,૦૦૦ પાઉન્ડની રકમ દર્દીઓને પરત કરવાની સંમતિ દર્શાવી હતી.
સરેનું લાઈફ વર્ક્સ ક્લિનિક કેટલીક લાંચ ચૂકવવા માટે જવાબદાર હતું. પ્રાયોરી ગ્રૂપની માલિકીનું આ ક્લિનિક કેટ મોસ, રોબી વિલિયમ્સ અને એરિક ક્લેપ્ટન જેવી સેલિબ્રિટિઝની સારવાર માટે જાણીતું છે. કેટલાંક બ્રિટિશ ડોક્ટરોને પણ દર્દીઓને રેફર કરવા માટે ૧૯,૦૦૦ પાઉન્ડની રકમ કુસ્નાચટ પ્રેક્ટિસ દ્વારા ચૂકવાઈ હતી.
વ્હીસલબ્લોઅર્સે જણાવ્યું હતું કે બે વર્ષ અગાઉ જાણીતા ગાયક સ્વ. જ્યોર્જ માઈકલને રેફર કરવા માટે યુકેના એક તબીબી વ્યવસાયિકને ક્લિનિક દ્વારા ૧૫૦,૦૦૦ પાઉન્ડનું જંગી વળતર ચૂકવાયું હતું. જ્યારે ગાયક પાસેથી ૧.૫ મિલિયન પાઉન્ડનો ચાર્જ વસૂલાયો હોવાનું કહેવાય છે.
NHS ની સારવાર પર દબાણ છે તેવા સંજોગોમાં પ્રાઈવેટ કેરનો ખર્ચ વધારવા માટે આ પ્રકારનું કમિશન જવાબદાર છે. જનરલ મેડિકલ કાઉન્સિલના નિયમો મુજબ કમિશન પર મનાઈ છે.
